અમદાવાદઃ અમદાવાદમાં તાજેતરમાં જ પ્રમોશન મેળવનારા વરિષ્ઠ આઇપીએસ અધિકારીની પત્નીએ આત્મહત્યા કરવાના બનાવથી સનસનાટી મચી ગઈ છે. આ ઘટના થલતેજના શાંગ્રિલા બંગલામાં બની છે. આઇપીએસ ફિસર રાજન સુસરાના પત્ની શાલુબેન ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા છે. આ ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ પોલીસ તંત્ર ખડેપગે થઈ ગયું છે.
વરિષ્ઠ આઇપીએસ રાજન સુસરાના પત્ની 47 વર્ષીય શાલુબેન મૃત અવસ્થામાં મળી આવ્યા છે. પોલીસ અધિકારીઓએ ઘટનાની તપાસ હાથ ધરી છે. તેની પાછળનું કારણ જાણવા તેઓ પ્રયાસ કરી રહ્યા છે. આ ઘટના પછી શાલુબેનનો મૃતદેહ પોસ્ટમોર્ટમ કરવા માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. તેમના પતિ અને આઇપીએસ અધિકારી રાજન સુસરાની પણ આ બાબતમાં પૂછપરછ કરવામાં આવશે.
અત્યાર સુધી મળતી માહિતી મુજબ ગુરુવારે રાત્રે રાજન સુસરા અને શાલુબેન સુરતથી અમદાવાદ આવ્યા હતા. સવારના સમયે કુટુંબને જાણ થઈ હતી કે શાલુબેને આ કમનસીબ પગલું ભર્યુ છે. તેમના કુટુંબમાં બે દીકરા અને એક દીકરી છે. બંને પુત્રો સુરતમાં અભ્યાસ કરે છે અને દિકરી વિદેશમાં અભ્યાસ કરે છે.
તાજેતરમાં કુટુંબના સભ્યો મહારાષ્ટ્રમાં એક લગ્ન પ્રસંગે ગયા હતા, તેના પછી તેઓ અમદાવાદ પરત આવ્યા હતા. આઇપીએસ અધિકારી ગઇકાલે અમદાવાદ આવ્યા હતા અને તેમના પત્ની તથા કુટુંબીજનો અગાઉથી આવી ગયા હતા.
આઇપીએસ અધિકારીના પત્નીની આત્મહત્યાથી આઇપીએસ વર્તુળોમાં અનેક સવાલો ચકડોળે ચઢ્યા છે. વલસાડમાં મરીન સિક્યોરિટીમાં વરિષ્ઠ હોદ્દો ધરાવતા આઇપીએલ રાજન સુસરાના પત્નીની આત્મહત્યાએ કેટલાય વમળો પેદા કર્યા છે. તેમના પત્ને શા માટે જીવન ટૂંકાવ્યું તે જાણી શકાયું તેમ નથી. રાજન સુસરા 2013માં છોટા ઉદેપરમાં એસપીના હોદ્દા પર હતા. તેમણે અમદાવાદમાં ફરજ બજાવી છે અને પાટીદાર આંદોલન વખતે તે મોરબીમાં એસપી હતા. થલતેજ પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે અને મૃત્યુનું કારણ શોધવાના પ્રયત્નો જારી છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ