Iran News/ માસૂમોનો શું વાંક? ઈરાનમાં 160 દીકરીઓની એકસાથે દફનવિધિ, યુદ્ધનો સૌથી ભયાનક ચહેરો

ઈરાન (Iran) ના મીનાબ શહેરમાં અમેરિકા અને ઈઝરાયેલના હુમલામાં 160 માસૂમ શાળાની બાળકીઓના મોત થયા છે. આખું શહેર શોકમાં ડૂબી ગયું છે.

Top Stories World
Iran School Bombing 160 Girls

Iran School Bombing 160 Girls : “તેઓ નાની બાળકીઓ હતી, જેમના નાના-નાના સપનાઓ હતા. તેઓ તેમની કલરિંગ બુકમાં મેઘધનુષના રંગો ભરતી હતી અને મનઘડંત ગીતો ગાતી હતી. પરંતુ શિકારીઓની દુનિયાએ તેમની માસૂમિયતની રોશની હોલવી નાખી.” ઈરાની દૂતાવાસ દ્વારા લખાયેલી આ પંક્તિઓ આજે ઈરાનની અસહ્ય પીડા વ્યક્ત કરી રહી છે. ઈરાનના મીનાબ શહેરમાં મંગળવારે એકસાથે 160 માસૂમ દીકરીઓને અંતિમ વિદાય આપવામાં આવી હતી.

Iran School Bombing 160 Girls

પ્રાથમિક શાળા પર થયો હતો ભીષણ હુમલો

અમેરિકા અને ઈઝરાયેલની સંયુક્ત બોમ્બબારી દરમિયાન મીનાબ શહેરની એક પ્રાયમરી સ્કૂલને નિશાન બનાવવામાં આવતા અત્યંત ભયાનક હોનારત સર્જાઈ છે, જેમાં 160થી વધુ નિર્દોષ વિદ્યાર્થિનીઓના કરુણ મોત નીપજ્યા છે. આ હૃદયદ્રાવક ઘટના બાદ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (Twitter) પર 160 ખોદાયેલી કબરોની હચમચાવી દે તેવી તસવીર શેર કરી છે. તેમણે અત્યંત વ્યથિત થઈને લખ્યું છે કે, જે નાની બાળકીઓએ રાત્રે સૂતા પહેલા પ્રેમથી વાર્તાઓ સાંભળવી જોઈતી હતી, તેઓ આજે કબરની ઠંડી અને ગૂંગળામણભરી શાંતિમાં કાયમ માટે પોઢી ગઈ છે.

મીનાબ શહેર હિબકે ચઢ્યું: લાખોની જનમેદની ઉમટી

જ્યારે આ 160 લાડલી દીકરીઓના જનાજા મીનાબની શેરીઓમાંથી નીકળ્યા, ત્યારે તે દ્રશ્ય એટલું કરુણ હતું કે પથ્થર દિલના માનવીની આંખો પણ ભીની થઈ ગઈ હતી. સફેદ કફનમાં લપેટાયેલી નાનકડી શબપેટીઓ સાથે પોતાની વ્હાલસોયી દીકરીઓને વિદાય આપતી માતાઓ છાતી પીટીને આક્રંદ કરતી હતી, જ્યારે પિતાઓની આંખોમાં લાચારીની સાથે બદલાની આગ પણ સ્પષ્ટપણે જોવા મળતી હતી. આ ઘટનાના વિરોધમાં આખું શહેર શોકમાં ડૂબેલું રહ્યું હતું; બજારો સંપૂર્ણપણે બંધ રહ્યા અને લોકોએ હાથ પર કાળી પટ્ટી બાંધી રસ્તા પર ઉતરી અમેરિકા અને ઈઝરાયેલ સામે પોતાનો ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો.

ટ્રમ્પના ‘બચાવ’ પર આકરા પ્રહાર

ઈરાનના વિદેશ મંત્રીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર નિશાન સાધતા કહ્યું કે, “મિસ્ટર ટ્રમ્પ જે ‘બચાવ’નો વાયદો કરતા હતા, તે હકીકતમાં આવો દેખાય છે. ગાઝાથી લઈને મીનાબ સુધી માસૂમોની નિર્મમ હત્યા કરવામાં આવી રહી છે.”

યુદ્ધની વિનાશક સ્થિતિ

ઈઝરાયેલ અને અમેરિકાના ભીષણ હુમલાઓને કારણે ઈરાનમાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક વધીને 787 પર પહોંચી ચૂક્યો છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA) એ પણ પુષ્ટિ કરી છે કે નતાન્ઝ સ્થિત પરમાણુ કેન્દ્ર પર હુમલો કરવામાં આવ્યો છે, જોકે રાહતની વાત એ છે કે અત્યાર સુધી કોઈ રેડિયેશન લીક થયાના સમાચાર મળ્યા નથી. આ હુમલાઓના વળતા પ્રહારમાં ઈરાને પણ જવાબી કાર્યવાહી તેજ કરી છે અને સાઉદી અરેબિયામાં આવેલા અમેરિકી દૂતાવાસ પર હુમલો કર્યો હોવાની વિગતો સામે આવી રહી છે.


આ પણ વાંચો: ઈરાન પર હુમલાની તૈયારીમાં અમેરિકા? સેટેલાઇટ તસવીરોમાં સૈન્ય ગતિવિધિ તેજ

આ પણ વાંચો: ઈરાનની ટ્રમ્પને ખુલ્લી ધમકી, એક ભૂલ અને યુદ્ધ

આ પણ વાંચો: ઈરાન-અમેરિકા વચ્ચે વધતો તણાવ: ટ્રમ્પ અને ખામેની વચ્ચે શબ્દયુદ્ધ