Kutch News/ NDPS અને પ્રોહીબીશન ગુનાખોરને 2 મહિના માટે હદપાર, આદિપુર પોલીસની અસરકારક કાર્યવાહી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પૂર્વ-પશ્ચિમ કચ્છ (Kutch)પોલીસ સતર્ક બની છે. કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ મતદાન માટે વ્યાપક કામગીરી હાથ ધરાઈ રહી છે.

Top Stories Gujarat
KUTCH

Kutch News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા પૂર્વ અને પશ્ચિમ કચ્છ જિલ્લામાં પોલીસ તંત્ર સંપૂર્ણ સતર્ક બની ગયું છે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે પોલીસ દ્વારા વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ, રાત્રિ પેટ્રોલિંગ, શંકાસ્પદ તત્વોની ચકાસણી અને વોન્ટેડ આરોપીઓની શોધખોળ જેવી પ્રવૃત્તિઓ તેજ કરવામાં આવી છે. પોલીસનો મુખ્ય ઉદ્દેશ શાંતિ અને સુલેહ જાળવી રાખવાનો છે જેથી કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચૂંટણી પ્રક્રિયામાં અડચણરૂપ ન બને.

આ જ કામગીરી અંતર્ગત આદિપુર પોલીસ દ્વારા એન.ડી.પી.એસ અને પ્રોહીબીશન અધિનિયમ હેઠળ ગુનાઓ આચરનાર એક ઇશમ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવ્યા છે. આરોપી સામે હદપારીની દરખાસ્ત તૈયાર કરીને સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, અંજાર સમક્ષ રજુ કરવામાં આવી હતી. દરખાસ્તને મંજૂરી આપતા અધિકારીએ આરોપીને કચ્છ જિલ્લા તથા આસપાસના જિલ્લાઓમાંથી બે મહિના માટે હદપાર કરવાનો આદેશ આપ્યો છે.

હદપાર કરાયેલ વ્યક્તિ રવિ મુન્ના વડેચા (દેવીપુજક), ઉંમર અંદાજે 35 વર્ષ, જે મુન્દ્રા સર્કલ નજીક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં, આદિપુર (તા. ગાંધીધામ) ખાતે રહે છે.

આ સફળ કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી. વાળા તેમજ પી.એસ.આઈ. આર.એમ. ડુવા અને તેમની ટીમના સ્ટાફ દ્વારા કરવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા આગળ પણ આવા તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.

ચૂંટણી દરમિયાન શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્રનો આ પ્રયાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.


આ પણ વાંચો: આદિપુરમાં રહેણાંક મકાન સળગાવવાના કેસમાં કડક ન્યાય : આરોપીને 3 વર્ષની કેદ, દંડ સાથે સજા