Ahmedabad News/ અમદાવાદના નવાનરોડા હોન્ડા ગોડાઉનમાંથી 31 ટુ-વ્હીલરની ચોરી, 3 ની ધરપકડ

Ahmedabadના નવાનરોડામાં હોન્ડાના ગોડાઉનમાંથી 31 ટુ-વ્હીલરની ચોરીનો ભેદ ઉકેલાયો. ગોડાઉન કર્મચારી શાહિદ શેખે રસ્તામાં જ વાહનો સગેવગે કરી 23 લાખનું ફુલેકુ ફેરવ્યું.

Gujarat Top Stories Ahmedabad
Ahmedabad Honda Showroom Theft

Ahmedabad Honda Showroom Theft: અમદાવાદ શહેરના નવાનરોડા વિસ્તારમાં આવેલા ટુ-વ્હીલરના ગોડાઉનમાંથી રહસ્યમય રીતે ગાયબ થયેલા 31 વાહનોની ચોરીનો ભેદ ઝોન-5 LCB સ્કોડે ઉકેલી નાખ્યો છે. આ ચોરીમાં કોઈ બહારની ગેંગ નહીં, પણ ગોડાઉનમાં જ કામ કરતા કર્મચારીઓ સૂત્રધાર નીકળ્યા છે. પોલીસે આ મામલે બે શખ્સ અને એક સગીરની ધરપકડ કરી ₹23.25 લાખની કિંમતના 31 વાહનો પૈકી 26 એક્ટિવા રિકવર કર્યા છે.

હિસાબની ગણતરીમાં ભાંડો ફૂટ્યો

નવાનરોડાના સાગર ટેનામેન્ટમાં રહેતા અને ‘સિંગલ ઓટો મેટીર પ્રાઈવેટ લિમિટેડ’ (હોન્ડા શો-રૂમ) માં ગોડાઉન મેનેજર તરીકે નોકરી કરતા ધર્મપાલ ચૌહાણે નિકોલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ગોડાઉનમાં અંદાજે 1200 વાહનોનો સ્ટોક રહેતો હોય છે. ચાર મહિનાના આવક-જાવકના હિસાબની બારીકાઈથી તપાસ કરતા માલૂમ પડ્યું કે, 30 એક્ટિવા અને એક બાઈક સ્ટોકમાંથી ગાયબ છે. આ હિસાબે કંપનીમાં મોટી ચોરીનો પર્દાફાશ કર્યો હતો.

Ahmedabad : રસ્તામાં જ સગેવગે થતા વાહનો

LCBની તપાસમાં સામે આવ્યું કે આ ચોરીનો માસ્ટરમાઈન્ડ શાહિદ શેખ હતો, જે ગોડાઉનમાં જ કામ કરતો હતો. તેની સાથે અન્ય એક સગીર અને બાજુમાં આવેલા TVS શો-રૂમમાં કામ કરતો દિગુસિંહ પણ સામેલ હતો. આ ટોળકીની ચોરી કરવાની પદ્ધતિ એવી હતી કે શો-રૂમમાંથી જેટલા એક્ટિવાનો ઓર્ડર આવે, શાહિદ તેમાં ચાલાકીથી એક એક્ટિવા વધારી દેતો હતો અને તે વધારાનું એક્ટિવા શો-રૂમ પહોંચે તે પહેલાં જ રસ્તામાં દિગુસિંહને સોંપી દેવામાં આવતું હતું. આ કાળા કારોબારમાં શાહિદ દરેક એક્ટિવા દીઠ 18 થી 25 હજાર રૂપિયા મેળવતો હતો, જ્યારે દિગુસિંહ એક એક્ટિવા વેચવા પર 5,000 રૂપિયાનું કમિશન લેતો હતો.

 ‘ડેમેજ પીસ’ કહીને ગ્રામ્યમાં વેચાણ

આરોપીઓ ચોરીના એક્ટિવા ગ્રામ્ય વિસ્તારોમાં લઈ જતા અને ત્યાં લોકોને એવું કહીને છેતરતા કે આ ‘કંપનીના ડેમેજ પીસ’ છે, તેથી સસ્તામાં વેચવાના છે. માત્ર 30 હજાર રૂપિયા જેવી નજીવી કિંમતે નવું નક્કોર એક્ટિવા પધરાવી દેવાતું હતું. આરસી બુક (RC Book) અંગે ખોટા બહાના બતાવી માત્ર રોકડ લઈને આ સોદો કરવામાં આવતો હતો.

હાલમાં પોલીસે 26 એક્ટિવા કબજે કર્યા છે અને આ ટોળકીએ અન્ય ક્યાં-ક્યાં વાહનો વેચ્યા છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પરથી 59 લાખ રૂપિયાના સોનાની દાણચોરી કરતો પકડ્યો મુસાફર

આ પણ વાંચો: અમદાવાદની ધારા ફાર્મા ગ્રુપ સામે ₹20.68 કરોડની GST કરચોરી, 11 સંસ્થાઓની સંડોવણી, 2ની ધરપકડ

આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરી, 24 કેરેટના 374.900 ગ્રામ વજનનો સોનાનો બાર મળ્યો