એસીડ એટેક/ ધ્રાંગધ્રાના જેગડવા ગામે દંપતિ પર હુમલો કરી મહિલા પર એસીડ ફેક્યું

ધ્રાંગધ્રા તાલુકાનાં જેગડવા ગામે વાડીમાં મજૂરી કામ કરવા બાબતે ચાર શખ્સોએ પતિ-પત્ની ઉપર હુમલો કર્યો હતો. અને મજૂરની પત્નિ ઉપર એસીડ જેવો જ્વલનશિલ પ્રવાહી ફેંક્યો હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે

Gujarat

ધ્રાંગધ્રા તાલુકાનાં જેગડવા ગામે વાડીમાં મજૂરી કામ કરવા બાબતે ચાર શખ્સોએ પતિ-પત્ની ઉપર હુમલો કર્યો હતો. અને મજૂરની પત્નિ ઉપર એસીડ જેવો જ્વલનશિલ પ્રવાહી ફેંક્યો હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. ધ્રાંગધ્રા તાલુકાનાં જેગડવા ગામે રહેતા હમીરભાઈ જીવણભાઈની વાડીમાં દલસુખભાઈ બાજુભાઈ બામણીયા (ઠાકોર) ખેતમજુરી કરે છે.

આ વાડી દસાડા તાલુકાના નરેન્દ્રસિંહ ઝાલાને રાખેલી હોવાથી દલસુખભાઈ પ્રત્યે દાઝ રાખી હતી. બનાવનાં દિવસે દલસુખભાઈ, તેમના પત્ની ગીતાબેન, પુત્ર સુનિલ વાડીએ સુઇ ગયા હતા. ત્યારે નરેન્દ્રસિંહ ઝાલા અને ત્રણ અજાણ્યા શખ્સો એકાએક ધસી આવ્યા હતા.

અને હુમલો કરી દલસુખભાઈ અને તેમના પત્ની ગીતાબેનને ઢોરમાર મારી ધમકી આપી હતી કે આ વાડી મુકીને જતો રહેજે, નહિંતર તમને જીવતા નહી રહેવા દઈએ.તેની સાથે એસીડ જેવું જ્વલનશીલ પ્રવાહી દલસુખભાઈનાં પત્ની ગીતાબેન ઉપર નાખતા તેઓ દાઝી ગયા હતા.

ઇજાગ્રસ્ત દંપતિને પ્રથમ ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે નરેન્દ્રસિંહ ઝાલા તથા ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.