અમદાવાદનું વિશ્વવિખ્યાત જગન્નાથ મંદિર હાલ વિવાદમાં છે. ગાય માટે મંદિર ટ્રસ્ટને અપાયેલી જમીન બિલ્ડરને પધરાવી દેવાના આરોપે ભક્તજનોમાં આશ્ચર્ય સાથે ચર્ચા જગાવી છે. વાત છેક પ્રધાનમંત્રી કાર્યાલય સુધી પહોંચી છે. તપાસ ખુદ રાજ્યપોલીસ વડાને સોંપાઈ છે કેમ કે મામલો 800 કરોડની જમીનનો છે. તેવામાં 9મી જાન્યુઆરી નિર્ણાયક બની રહેવાની છે.
જગતના નાથના ધામમાં જ ભ્રષ્ટાચાર?
મંદિર ટ્રસ્ટને ફાળવેલી જમીન વિવાદમાં!
ટ્રસ્ટે 800 કરોડની જમીન બિલ્ડરને પધરાવી?
પૂરી બાદ દેશની બીજા ક્રમની સૌથી મોટી અને સૌથી જૂની રથયાત્રા એટલે અમદાવાદના જગન્નાથજી મંદિરથી નીકળતી રથયાત્રા.આ જ મંદિરના ટ્રસ્ટને AMCએ છેક 1992માં 1.27 લાખ ચોરસમીટર જમીન ફાળવી હતી. મંદિરના નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટને ગાયો માટે અપાયેલી આ જમીનને ચેરિટી કમિશનરની પૂર્વ મંજૂરી વિના જ બિલ્ડર ઉસ્માન ઘાંચીને પધરાવી દેવાયાનો આરોપ થતાં જ ખળભળાટ મચ્યો છે. ગોચર માટેની જમીન પર ઈન્ડસ્ટ્રીયલ પાર્કનું કામકાજ શરૂ થતાં હવે તંત્રએ આ જમીનની રજાચિઠ્ઠી રદ્દ કરી દીધી છે. મામલો છેક પ્રધાનમંત્રીના દ્વારે પહોંચતા હવે ખુદ રાજ્યના પોલીસ વડાને તપાસના આદેશ કરાયા છે.
ફરિયાદીના દાવા મુજબ આ જમીન મંદિર ટ્રસ્ટને ગાયો માટે ઘાસ ઉગાડવા અપાઈ હતી. જો કે બાદમાં નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી દિલીપદાસજી મહારાજે જમીનને 2018માં દસ્તાવેજ કરીને બિલ્ડર યાસીન ઘાંચીને ‘ચાંદ દિવાકર રહે’ તેવા શબ્દોનો ઉપયોગ કરીને ભાડાપટ્ટે આપી દીધી. જેની સામે વિરોધનો વંટોળ ફૂંકાયો છે.
આ તરફ જમીનને ભાડાપટ્ટે લેનારા બિલ્ડર અને ભાજપ નેતા યાસીન ઘાંચી કોઈપણ ગેરરીતિનો ઈનકાર કરી રહ્યાં છે.બિલ્ડરના દાવા મુજબ જમીનના કાયમી હકદાર મંદિર ટ્રસ્ટ હોવાથી ચેરિટી કમિશનરની પૂર્વમંજૂરી નથી લેવાઈ. આ અંગે જે જવાબ આપવાનો થશે તે ચેરિટી કમિશનર સમક્ષ રજૂ કરીશું
આ બધા વિવાદની વચ્ચે મંદિરના ટ્રસ્ટી મોહન ઝા હાલ કંઈપણ કહેવાનું ટાળી રહ્યા છે. અને પ્રેસકોન્ફરન્સ યોજીને સત્તાવાર ખુલાસો કરવાનું કહી રહ્યાં છે. એક તરફ રાજ્યના પોલીસ વડાને તપાસના આદેશ અપાયા છે તો બીજીતરફ AMCના જે અધિકારીઓની સંડોવણી હોય તેના પર PMOના આદેશ બાદ ACB તપાસની તલવાર પણ લટકી રહી છે તેવામાં હવે 9મી જાન્યુઆરીએ ચેરિટી કમિશનર સમક્ષ થનારી સુનાવણી મહત્વની બની રહેવાની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
