Surat News : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હથોડા ગામે આજે એક હૃદય કંપાવી દેતી દુર્ઘટના સર્જાઈ છે. કોસંબા નજીક આવેલા હથોડા ગામે પેપરના સામાનથી ભરેલા ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ભીષણ આગમાં રમી રહેલા શ્રમજીવી પરિવારના બે બાળકોમાંથી એક 3 વર્ષના માસૂમ બાળકનું કરુણ મોત નીપજ્યું છે.
રમત-રમતમાં સર્જાઈ અણધારી દુર્ઘટના

મળતી માહિતી મુજબ, પતરાના શેડમાં બનેલા પેપરના ગોડાઉન નજીક એક શ્રમજીવી પરિવારના બે નાના બાળકો રમી રહ્યા હતા. આ પરિવાર રોજીરોટી માટે અન્ય રાજ્યમાંથી અહીં આવી વસ્યો હતો. રમતમાં મશગૂલ બાળકોને અંદાજ પણ નહોતો કે પળોમાં જ તેમની ખુશી મોતના તાંડવમાં બદલાઈ જશે.
અચાનક ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ (Fire)ફાટી નીકળી હતી. ગોડાઉનમાં મોટા પ્રમાણમાં પેપરનો જથ્થો હોવાને કારણે આગે (Fire) પળવારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
આગ લાગતા જ બંને બાળકો ગભરાઈ ગયા હતા. જેમાંથી એક બાળક સમયસૂચકતા દાખવીને બહાર નીકળી ગયો અને તેને હાથમાં દાઝની ઈજાઓ થઈ હતી, જ્યારે 3 વર્ષનું માસૂમ બાળક ગોડાઉનની અંદર જ ફસાઈ ગયું હતું.
કલાકોની જહેમત બાદ આગ (Fire)પર કાબૂ
ઘટનાની જાણ થતા જ સુમીલોન ફાયર સ્ટેશન સહિત PPL, કિમ અને પાનોલી ફાયર સ્ટેશનોની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્રણથી વધુ ફાયર ફાઈટર ગાડીઓ દ્વારા આગ (Fire)પર કાબૂ મેળવવા માટે કલાકો સુધી ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.
આગ કાબૂમાં આવ્યા બાદ ફાયર વિભાગે કુલિંગ પ્રક્રિયા હાથ ધરી હતી. આ દરમિયાન કાટમાળ અને બળી ગયેલા પેપરના ઢગલાં વચ્ચેથી 3 વર્ષના માસૂમ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ દ્રશ્ય જોઈને હાજર સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી.
શ્રમજીવી પરિવાર પર તૂટી પડ્યો દુઃખનો પહાડ

પોતાના વતનથી દૂર પરસેવો પાડીને ગુજરાન ચલાવતા પરિવાર પર આ ઘટના આભ ફાટવા જેવી બની છે. વ્હાલસોયા પુત્રના મોતથી માતા-પિતાનો આક્રંદ સાંભળી આખું ગામ શોકમાં ગરકાવ થઈ ગયું હતું. આ ભીષણ આગ (Fire)માં ગોડાઉનનો સમગ્ર સામાન બળીને ખાખ થઈ ગયો છે, જેના કારણે ગોડાઉન માલિકને પણ ભારે આર્થિક નુકસાન પહોંચ્યું છે.મૃતક બાળકનો પરિવાર મૂળ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાનો વતની હોવાનું જાણવા મળ્યું છે. મૃતક બાળકના પિતાનું નામ બલ્લો ડામોર હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
ફાયર ઓફિસરનું નિવેદન
કામરેજ ફાયર ઓફિસર બિપિન ખલાસીએ જણાવ્યું કે, “અમને સુરત ફાયર કંટ્રોલથી કોલ મળતા જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આગ અત્યંત વિકરાળ હતી. બાદમાં માહિતી મળી કે બે બાળકો અંદર ફસાયા છે. એક બાળક દાઝી ગયો છે, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યારે બીજા બાળકનો મૃતદેહ કુલિંગ પ્રક્રિયા દરમિયાન મળી આવ્યો છે.”
પોલીસ તપાસ તેજ
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોસંબા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતક બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ગોડાઉનમાં આગ શોર્ટ સર્કિટથી લાગી કે અન્ય કોઈ કારણસર તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
