Adalaj Canal Car Fire: અમદાવાદ–ગાંધીનગર હાઇવે પર અડાલજ કેનાલ નજીક આજે એક ગંભીર ઘટના સામે આવી હતી. હાઇવે પરથી પસાર થતી એક કારમાં અચાનક આગ (Fire) ભભૂકી ઉઠી, જેના કારણે કારમાં રહેલો લાખો રૂપિયાનું સામાન બળીને ખાખ થઈ ગયો.
પ્રાપ્ત માહિતી મુજબ, એક પરિવારના બે સભ્યો લગ્ન પ્રસંગની ખરીદી માટે કારમાં નીકળ્યા હતા. કાર અડાલજ કેનાલ પાસે પહોંચી ત્યારે અચાનક બોનેટમાંથી ધુમાડો નીકળવા લાગ્યો. સ્થિતિ ગંભીર હોવાનું સમજી બંને સવારોએ તરત જ સમયસૂચકતા દાખવી કારમાંથી બહાર નીકળીને પોતાનો જીવ બચાવ્યો.
આગે (Fire) વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
થોડા જ ક્ષણોમાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને આખી કાર આગની ચપેટમાં આવી ગઈ. કારમાં રાખેલા અંદાજે પાંચ લાખ રૂપિયા રોકડા, લગ્ન માટે ખરીદેલા નવા કપડાં તેમજ મોંઘી સાડીઓ સંપૂર્ણપણે બળીને નષ્ટ થઈ ગઈ.

રોકડ સહિત લગ્નની સામગ્રી સ્વાહા
આ આગની ઘટનામાં પરિવારની જમા પૂંજી પણ કાર સાથે જ રાખ બની ગઈ. લગ્નની તૈયારીઓ માટે રાખેલી તમામ વસ્તુઓ સેકન્ડોમાં આગ (Fire)માં હોમાઈ જતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય તેવો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ કારમાં થયેલ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં મોટો અકસ્માત ટળી ગયો, પરંતુ આર્થિક નુકસાન ભારે થયું હોવાનું જાણવા મળ્યું છે.
