જામનગરના ભીડભજન મંદિરની પાસે ગતમોડી રાત્રે જૂથ અથડામણ સર્જાઈ હતી જેમાં. જેમાં બે ઈસમો પર 12 જેટલા લોકોએ તિક્ષ્ણ હથિયાર અને સોડા બોટલ વડે ઘાતકી હુમલો કર્યો હતો. જેની સમગ્ર ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. જેમાં બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જામનગર વુલનમીલ મહાકાળી માતાના મંદિર પાસે ગાયત્રનગર મેઇન રોડ ખાતે રહેતા દેવેન્દ્રસિંહ ધીરુભા જાડેજાએ સીટી-બી માં અલુ પટેલ-હારૂન આંબલીયા તથા અજાયા બાર ઇસમોની વિરુધ્ધ આઇપીસી કલમ 307, 324, 323,143,147, 148, 149, જીપીએકટ 135(1) મુજબ ફરીયાદ નોંધાવવામાં આવી હતી.
ફરીયાદની વિગત મુજબ ગત રાત્રીના ભીડભજન મહાદેવ મંદિરની પાસે ગંગેશ્વર મહાદેવ મંદિરની જગ્યામાં પૂજારી માતાજી દેવ થઇ ગયેલ હોય તેની પાછળ રામદેવપીરનો પાઠ તથા ભજન રાખેલ હોય આથી ફરીયાદીના કુટુંબીક સભ્યો તથા શિષ્યો ભેગા મળીને ભજનની તૈયારી કરતા હતા એ દરમ્યાન અલુ પટેલ અને અજાણ્યા બાર જેટલા ઇસમો મંદિરના પરિસર પાસે ઘસી આવ્યા હતા.
આ દરમ્યાન સોડાની ખાલી બોટલો ફેંકી પૈસાની ઉઘરાણી કરતા અમે ના પાડતા ઉશ્કેરાઇ જઇને ગંભીરસિંહને તથા લાલદાસભાઇને હથીયારોથી માર મારી ગંભીર ઇજા પહોંચાડી હતી, તેમજ આરોપીઓએ ગેરકાયદે ગૃહપ્રવેશ કરી હથીયારબંધી અને જાહેરનામાનો ભંગ કર્યો હતો.
ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે અને ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ઘટનાને પગલે પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.