માયાજાળ/ જયંતિને જયંતિ એ જ કેમ માર્યો

કચ્છ પંથકના બાહુબલી નેતા જયંતિ ભાનુશાળી મર્ડર કેસ પર મંતવ્ય ન્યુઝ ચેનલની વિશેષ રજૂઆત

Mantavya Exclusive
Crime Poster 01 જયંતિને જયંતિ એ જ કેમ માર્યો

@ નિકુંજ પટેલ

કચ્છ પંથકના બાહુબલી નેતા જયંતિ ભાનુશાળી મર્ડર કેસ પર મંતવ્ય ન્યુઝ ચેનલની વિશેષ રજૂઆત. મંતવ્ય વેબ પોર્ટલ પર આજથી વાંચો સેક્સકાંડ, મર્ડર, રાજકારણ અને કાવાદાવાથી ભરપૂર મર્ડર મિસ્ટ્રી. (ભાગ – 1)

કચ્છમાં આજથી ચાર વર્ષ પહેલા મોડી રાત્રે ફર્સ્ટ ક્લાસના એસી કોચમાં એક મહાનુભવ મિઠી નીંદર સાથે પ્રવાસ કરી રહ્યા હતા. અચાનક ધડાકાનો અવાજ થતા બંધ કોચને પગલે શરૂઆતમાં કોઈને શું થયું તેનો ખ્યાલ ન આવ્યો. પરંતુ થોડીવારમાં એજ કોચમાં બેઠેલા સહપ્રવાસીને કારણે ગોળીબારમાં આ મહાનુભવને મોતને ઘાટ ઉતારી દેવાયા હોવાનું બહાર આવ્યું હતું.

આ વ્યક્તિ બીજી કોઈ નહી પણ અબડાસાના પુર્વ ધારાસભ્ય જ્યંતી ભાનુશાળી હોવાનું બહાર આવતા સનસનાટી ફેલાઈ ગઈ હતી. તપાસમાં આ બનાવ પાછળ રાજકીય કાવતરા, સેક્સ, આર્થિક દુશ્મનાવટ જેવા અનેક કારણોને કારણે આ કિસ્સો ટોક ઓફ ધી ગુજરાત બની ગયો.

મરી મસાલાથી ભરપુર અને એકદમ ફિલ્મી ઢબે થયેલી આ હત્યાને પગલે કેટલાય ધારાસભ્યો અને નામી હસ્તીઓ પોતાના પગતળે રેલો આવશે એ ડરથી રીતસર ફફડી ગયા હતા.જેમ જેમ પોલીસ તપાસ આગળ વધતી ગઈ એમ એમ સસ્પેન્સ થ્રિલરની માફક આ ઘટના પણ આગળ વધતી ગઈ. સાથે સાથે ધરપકડનો દોર પણ શરૃ થયો.

રાજકીય દુશ્મનાવટને પગલે આ હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસ પર આ કેસ જેમ બને તેમ જલ્દી ઉકેલવાનું પ્રેશર પણ વધી ગયું. જેને પગલે ક્રાઈમ બ્રાંચ, એટીએસ સહિતની તપાસ એજન્સીઓ પણ આ કેસ ઉકેલવા અને ડિટેક્શનનો જશ ખાટી લેવા મેદાને પડી.

jayanti bhanushali manisha goswami જયંતિને જયંતિ એ જ કેમ માર્યો

આ કેસ ટ્રેનમાં બન્યો હોવાથી હત્યાનો ગુનો ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. સીઆઈડી ક્રાઈમ રેલ્વેઝ આ કેસની તપાસ શરૃ કરી હતી.

આ બનાવ સંદર્ભે જ્યંતી ભાનુશાળીના ભત્રીજા સુનીલ ભાનુશાળીએ હત્યાનું કારણ માત્રને માત્ર રાજકીય દ્રેષભાવ હોવાનું ગાંધીધામ રેલવે પોલીસને જણાવ્યું હતું, તે સિવાય છબીલદાસ પટેલ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા ત્યારથી જ્યંતી ભાનુશાળીને પોતાના રાજકીય હરીફ ગણતા હોવાનું પણ કહ્યું હતું,

છબીલ પટેલ સાથે આ હત્યામાં કચ્છમાં કોંગ્રેસમાં કાર્યરત જ્યંતી જે.ઠક્કર પણ સામેલ હતો. તે સિવાય મનીષા ગોસ્વામી તથા અન્ય આરોપીઓએ અલગ અલગ ભુમિકા ભજવી હતી.

મનીષા ગોસ્વામી પણ આ ચકચારી સ્ટોરીમાં હિરોઈનની ભુમિકા ભજવતી હોય તેમ કાવાદાવામાં સામેલ થતી ગઈ . 2009માં જ્યંતી ભાનુશાળી ધારાસભ્ય હતા ત્યારે મનીષા સાથે તેમની ઓળખ થઈ હતી જે ગાઢ સંબંધોમાં પરિણમી હતી. બ્લેકમેઈલીંગમાં માહિર મનીષા ભલભલાને શીશામાં ઉતારી દેવા સક્ષમ હતી. મનીષાને પશુપાલન અને ડેરી ઉદ્યોગ માટે ગાયોનો તબેલો ઉભો કરવો હતો.

પોતાના સ્વાર્થ માટે મનીષાનો ભરપુર ઉપયોગ કરવા ભાનુશાળીએ તબેલો બનાવવા માટે જમીન અને નાણાંની મદદ કરવાની ખાતરી આપી હતી. જેમાં કનકપર ભવાનીપર ગામની સીમમાં 3 એકર 10 ગુંઠા જમીન વેચાતી આપવામાં આવતા મનીષાએ પ્રાઈવેટ ફાયનાન્સ અને દેનાબેન્કમાંથી રૃ.35 લાખની લોન લઈને તબેલો પણ ઉભો કરી દીધો હતો. ત્યારબાદ તબેલાનું ઓટોમેશન કરવા માટે મનીષાએ જ્યંતી ભાનુશાળી પાસે બે કરોડની માંગણી કરી હતી.

ભાનુશાળી પૈસા આપવા તૈયાર ન થતા તેમની અને મનીષા વચ્ચે જોરદાર ઝઘડો થયો. તે સમયે મનીષાએ જ્યંતી ભાનુશાળીને કહ્યું હતું કે તે બીજા માટે જે કર્યું છે તે જ હથિયારથી હું તને મારીશ. બસ ત્યારથી મનીષા ગોસ્વામીએ જ્યંતી ભાનુશાળીની અશ્લીલ ક્લીપ બનાવવાનું નક્કી કર્યું હતું. તે સમયે આ કેસમાં મીઠી ખારેક શબ્દ પ્રચલિત બન્યો હતો.

મનીષાએ પોતાની મિત્ર નિધી બરવાળીયાને આ કામ માટે તૈયાર કરીને ભાનુશાળીની અશ્લીલ ક્લિપ બનાવી. તે જ પ્રમાણે ભાનુશાળીના ભત્રીજા સુનીલની પણ અમદાવાદના સિવિલ હોસ્પિટલ પાસેના એક ગેસ્ટ હાઉસમાં અશ્લિલ ક્લિપ બનાવીને બ્લેકમેઈલ કરીને કરોડોની ખંડણી માંગી.

આ ક્લિપ જ્યંતી ભાનુશાળીને બતાવીને મનીષાએ 10 કરોડ માંગ્યા. આથી ભાનુશાળીએ મનીષા ગોસ્વામી અને તેના મળતીયાઓ વિરૂધ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં તે સમયે ફરિયાદ નોંધાવી હતી. ઉશ્કેરાયેલી મનીષાએ પણ નખત્રાણા પોલીસ સ્ટેશનમાં જ્યંતી ભાનુશાળી સામે 2018માં બળાત્કારની અરજી કરી હતી. નરોડાના કેસમાં મનીષાની ધરપકડ થતા તેને 14 જૂનના રોજ સાબરમતી જેલમાં જ્યુડિશીયલ કસ્ટડીમાં ધકેલી દેવાઈ.

બીજીતરફ છબીલ પટેલે જ્યંતી ભાનુશાળીને દુષ્કર્મના કેસોમાં ફસાવી દેવા કાવતરા શરૃ કર્યા . જેની ગંધ ભાનુશાળીને આવી ગઈ હતી. પોતાની બદનામી શરૂ થતા ભાનુશાળીએ જ્ઞાતિના કેટલાક આગેવાનો સાથે મળીને છબીલ પટેલ સાથે સમાધાન કરવાના પ્રયાસ પણ કર્યા હતા. જોકે તેમાં જ્યંતી ભાનુશાળીને ધારી સફળતા મળી ન હતી. પોતાની બદમાની પાછળ છબીલ પટેલ અને જ્યંતી ઠક્કર જવાબદાર હોવાનું ભાનુશાળીનું દ્રઢપણે માનવું હતું.

રાજકારણના એક્કા છબીલ પટેલે પણ ભાનુશાળીને તમામ રીતે પુરો કરી દેવા મનીષાનો ઉપયોગ કરવાનું શરૃ કર્યું . મનીષા ગોસ્વામીને જેલમાંથી છોડાવવા માટે સુજીત પરદેશી,છબીલ પટેલ અને પડદા પાછળ જ્યંતી ઠક્કર એક થઈ ગયા હતા. બન્ને જણા મનીષા પાસેથી જ્યંતી ભાનુશાળી અને ભાનુશાળીના ભત્રીજા સુનીલની અશ્લિલ ક્લિપો મેળવી લીધી હતી.

જ્યંતી ઠક્કર કેડીસીસી બેન્ક કૌભાંડમાં બરાબરનો ફસાયેલો હતો. આ કૌભાંડની તપાસ પરનો સ્ટે યથાવત રાખવાનો તેમનો ઈરાદો હતો. બીજીતરફ છબીલને 2017માં ચૂંટણીમાં ભાનુશાળી સામે મળેલી હારનો બદલો લેવાનો ચાન્સ મળી ગયો. પછી તો ભાનુશાળીને ફસાવવા નિધી બરવાળીયા દ્વારા સુરતમાં એફઆઈઆર નોંધાવવાનું નક્કી કરી આ ફરિયાદ નિધી પાસે કરાવી પણ દેવામાં આવી.

ટૂંકમાં જ્યંતી અને છબીલ પોતપોતાના મળતીયાઓ દ્વારા એકબીજા વિરૂધ્ધ ફરિયાદો નોંધાવવા લાગ્યા.. તેમ છતાં સમાજમાં ન બદનામી અટકી કે ન કશુ હાથ લાગ્યું. અંતે એક દિવસ છબીલે કોમલ નામની યુવતીને કાલ્પનિક રીતે ઉભી કરીને છબીલે ભાનુશાળીને મિટીંગ માટે રાંચી બોલાવવાનું ગોઠવ્યું અને ત્યાં જ હત્યા કરી નાખવાનું નક્કી કર્યું.

છબીલે એક નવું સીમ કાર્ડ લઈને તેના દ્વારા 14 નવેમ્બર 2018ના રોજ મોડી રાત્રે પુણેના શુટર અશરફ અનવર શેખના મોબાઈલ પર 245 મિનીટ જેટલી લાંબી વાત કરી. તેમણે જ્યંતીની હત્યા રાંચીમાં કરવાનો આખો પ્લાન સમજાવી દીધો.

બીજી તરફ જેલમાંથી છુટેલી મનીષાએ છબીલ પટેલને કોમલ પટેલ નામની યુવતી સાથે અફેર છે અને ઘણા પુરાવા તેની પાસે હોવાનું કહીને જ્યંતી ભાનુશાળીને કેટલીક અશ્લિલ ક્લિપો બતાવીને વિશ્વાસમાં લીધો હતો. કોમલ છબીલ વિરૂધ્ધ ફરિયાદ કરવા પણ તૈયાર હોવાનું કહેતા જ્યંતી ભાનુશાળી ગેલમાં આવી ગયો હતો. બાદમાં જ્યંતી ભાનશાળી રાંચી જવા માટે એરપોર્ટ પર આવ્યો જ્યાં મનીષા સાથે તેની મિટીંગ થઈ અને કોમલને મળવા ભાનુશાળી રાંચી જવા માટે તૈયાર થઈ ગયો.