ADANI GROUP/ ‘વિશ્વની ત્રીજી સૌથી ધનિક વ્યક્તિ કેવી રીતે સૌથી મોટી છેતરપિંડી કરી રહી છે

‘વિશ્વની ત્રીજી સૌથી ધનિક વ્યક્તિ કેવી રીતે કોર્પોરેટ ઈતિહાસની સૌથી મોટી છેતરપિંડી કરી રહી છે’ ત્યારબાદ અદાણીની કંપનીઓના શેરોમાં ભારે ઉથલપાથલ જોવા મળી. અદાણીની સંપત્તિ 15 બિલિયન ડોલર ઘટી અને ગૌતમ અદાણી…

Mantavya Exclusive
Adani Shares Tumble

Adani Shares Tumble: 25 જાન્યુઆરીએ અમેરિકાની ‘હિંડનબર્ગ’ કંપનીએ અદાણી ગ્રુપની કંપનીઓ વિશે એક રિપોર્ટ બહાર પાડ્યો હતો. અહેવાલનું શીર્ષક છે – ‘વિશ્વની ત્રીજી સૌથી ધનિક વ્યક્તિ કેવી રીતે કોર્પોરેટ ઈતિહાસની સૌથી મોટી છેતરપિંડી કરી રહી છે’ ત્યારબાદ અદાણીની કંપનીઓના શેરોમાં ભારે ઉથલપાથલ જોવા મળી. અદાણીની સંપત્તિ 15 બિલિયન ડોલર ઘટી અને ગૌતમ અદાણી વિશ્વના ત્રીજા ક્રમના સૌથી ધનિકમાંથી 22માં ક્રમાંકે આવી ગયા. આવો જાણીએ અદાણીના ઉથલપાથલ વિશે, મંતવ્ય એક્સક્લૂસિવમાં.

હિંડનબર્ગનો આ અહેવાલ સામે આવતાંની સાથે જ બે બાબત બની છે.

  1. અદાણીના શેરની કિંમત લગભગ રૂ. 4 લાખ કરોડ ઘટી.
  2. વિશ્વના અમીરોની યાદીમાં ગૌતમ અદાણી 3જા સ્થાનેથી 22મા સ્થાને પહોંચી ગયા છે.

આવી સ્થિતિમાં હવે દરેકના મનમાં સવાલ ઊઠી રહ્યો છે કે આ ‘હિંડનબર્ગ’ શું છે, આ કંપની શું કરે છે, તેનો માલિક કોણ છે, તેણે આ રિપોર્ટ શા માટે બહાર પાડ્યો? અને તેના કારણે અદાણીના શેરો પર કેવી અસર થઈ? આજે મંતવ્ય વિશેષમાં આપણે આ બધા પ્રશ્નોના જવાબો સરળ ભાષામાં જાણીશું.

સૌથી પહેલા જાણીએ હિંડનબર્ગ કંપની વિશે

નાથન એન્ડરસન નામની વ્યક્તિએ USAની કનેક્ટિકટ યુનિવર્સિટીમાંથી ઇન્ટરનેશનલ બિઝનેસમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. આ પછી તે નોકરી શોધવા લાગે છે. ટૂંક સમયમાં તેને ડેટા રિસર્ચ કંપનીમાં નોકરી મળી જાય છે. અહીં તેનું કામ નાણાંના રોકાણ વ્યવસ્થાપન સાથે સંબંધિત છે. નોકરી પર હોય ત્યારે એન્ડરસન ડેટા અને શેરબજારની બારીકી સમજે છે. તેને ખ્યાલ આવે છે કે શેરબજાર વિશ્વના મૂડીવાદીઓનો સૌથી મોટો અડ્ડો છે. આમાં ઘણુંબધું થઈ રહ્યું છે જે સામાન્ય લોકોની સમજની બહાર છે. આ કારણસર એન્ડરસનના મગજમાં નાણાકીય સંશોધન કંપની શરૂ કરવાનો વિચાર આવ્યો. તેનું પરિણામ 2017માં જોવા મળ્યું, જ્યારે એન્ડરસને ‘હિંડનબર્ગ’ નામની આ કંપની શરૂ કરી.

‘હિન્ડેનબર્ગ’ કંપની શું કરે છે?

નાથન એન્ડરસનની કંપની ‘હિંડનબર્ગ’નું મુખ્ય કામ શેરબજાર, ઇક્વિટી, ક્રેડિટ અને ડેરિવેટિવ્ઝ પર સંશોધન કરવાનું છે. આ સંશોધન દ્વારા ‘હિંડનબર્ગ’ કંપનીએ શોધી કાઢે છે કે…

શું શેરબજારમાં નાણાંનો કોઈ દુરુપયોગ છે?

શું મોટી કંપનીઓ પોતાના ફાયદા માટે ખાતામાં ગેરવહીવટ કરી રહી છે?

શું કોઈ કંપની પોતાના ફાયદા માટે શેરબજારમાં ખોટી રીતે દાવ લગાવીને અન્ય કંપનીઓના શેરને નુકસાન પહોંચાડી રહી છે?

આ રીતે સંશોધન પૂર્ણ કર્યા પછી ‘હિંડનબર્ગ’ કંપની વિગતવાર અહેવાલ પ્રકાશિત કરે છે. ઘણી વખત આ કંપનીના અહેવાલોની અસર વિશ્વભરના શેરબજાર પર જોવા મળી છે.

કંપનીનું નામ કઈ રીતે રાખવામાં આવ્યું

6 મે 1937ની વાત છે. હિંડનબર્ગ નામનું જર્મન એર સ્પેસશીપ અમેરિકાના માન્ચેસ્ટર શહેરમાં ઉડતી વખતે હવામાં ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 35 લોકોના કરૂણ મોત થયા હતા. તપાસ બાદ જાણવા મળ્યું કે આ વિમાનના હાઈડ્રોજન બલૂનમાં આગ લાગવાને કારણે આ ઘટના બની હતી. આ પહેલા પણ હાઈડ્રોજન બલૂનમાં આગ લાગવાના કારણે અકસ્માતો થયા હતા. તપાસ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે કંપનીએ નિયમોનું પાલન કર્યા વિના આ વિમાનમાં વધુ લોકોને બેસાડ્યા હતા. નાથન એન્ડરસન માને છે કે સ્પેસશિપ કંપની અગાઉની ઘટનાઓમાંથી શીખીને આ અકસ્માતને ટાળી શકી હોત. 80 વર્ષ પહેલાં બનેલી ઘટનાએ નાથન એન્ડરસનના હૃદય અને દિમાગ પર ઊંડી છાપ છોડી હતી. આથી તેણે 2017માં પોતાની કંપનીનું નામ ‘હિંડનબર્ગ’ રાખ્યું હતું. આ નામ રાખવાનો હેતુ માત્ર એક જ હતો, હિંડનબર્ગની તર્જ પર નફો મેળવવા માટે શેરબજારમાં થતી ગડબડને બહાર લાવવા. જેથી કરીને શેરબજારમાં કૌભાંડને કારણે થતા કોઈપણ ક્રેશને અટકાવી શકાય.

‘હિંડનબર્ગ’એ અદાણીની કંપનીઓ અંગેનો રિપોર્ટ કેમ બહાર પાડ્યો?

‘હિંડનબર્ગ’નો રિપોર્ટ વાંચીએ તો સ્પષ્ટ જણાય છે કે આ કંપનીએ જાણીજોઈને અદાણી ગ્રુપની કંપનીઓના શેર નીચે લાવવા માટે આ રિપોર્ટ બહાર પાડ્યો હતો. તેનું કારણ એ છે કે અદાણી ગ્રુપની કંપનીઓ પર ‘હિંડનબર્ગ’એ ‘શોર્ટ પોઝિશન’ લીધી છે. ખરેખર શેરબજારમાંથી પૈસા કમાવવાની બે મુખ્ય રીત છે…

  1. લોંગ પોઝિશન
  2. શોર્ટ પોઝિશન

ધારો કે કોઈ કંપની અથવા વ્યક્તિએ કંપનીના શેર રૂ.100માં ખરીદ્યા અને રૂ.150માં વેચ્યા. આ કિસ્સામાં તેને રૂ.50નો નફો મળે છે. આ પદ્ધતિને લોંગ પોઝિશન કહેવામાં આવે છે.

એ જ રીતે ધારો કે હિન્ડનબર્ગ કંપની શેરબજાર સાથે જોડાયેલી કંપની A પાસેથી એક મહિના માટે 10 શેર ઉધાર લે છે અને તેને Bને વેચે છે. હાલમાં માર્કેટમાં એક શેરની કિંમત 100 છે અને તેણે એ જ કિંમતે Bને વેચી દીધી. હવે હિંડનબર્ગને વિશ્વાસ છે કે અદાણીના શેરના ભાવ તેમના અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ ઘટશે. હવે ધારો કે અહેવાલ પ્રકાશિત થતાં જ અદાણીના શેરની કિંમત 100થી ઘટીને 80 થઈ ગઈ. આવી સ્થિતિમાં હિંડનબર્ગ હવે બજારમાંથી રૂ. 80માં 10 શેર ખરીદશે અને તેને કંપની Aને પરત કરશે. આ રીતે હિન્ડનબર્ગને એક શેર પર 20 રૂપિયા સુધીનો નફો મળે છે. આને શોર્ટ પોઝિશન કહેવામાં આવે છે. નાથન એન્ડરસનની કંપનીએ અદાણી ગ્રુપની કંપની પર સમાન શોર્ટ પોઝિશનનો દાવ રમ્યો છે. આ માટે તેણે પોતાના બે વર્ષના સંશોધનને આધાર બનાવ્યો છે.

હિંડનબર્ગે અદાણી કંપની વિશે શું ખુલાસો કર્યો છે?

હિંડનબર્ગે અદાણી કંપનીને લઈને પોતાના રિપોર્ટમાં 3 મોટા આરોપ લગાવ્યા છે, જેના કારણે અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં ઘટાડો થયો છે.

પ્રથમ આરોપ

અદાણી ગ્રુપની કંપનીઓના શેરની કિંમત સમાન સેક્ટરમાં બિઝનેસ કરતી અન્ય કંપનીઓ કરતાં 85% વધારે છે. વાસ્તવમાં શેરની કિંમત તે કંપની દ્વારા કરવામાં આવેલા નફા દ્વારા નક્કી કરવામાં આવે છે. બજાર અંદાજ લગાવે છે કે કંપનીના શેરની કિંમત તેના નફાની સરખામણીમાં કેટલી હશે. આને પ્રાઇસ અર્નિંગ રેશિયો કહેવામાં આવે છે. અદાણીની કંપનીઓનો પ્રાઇસ અર્નિંગ રેશિયો અન્ય કંપનીઓ કરતાં ઘણો વધારે છે.

બીજો આરોપ

અદાણી જૂથે શેરબજારમાં હેરાફેરી કરીને તેના શેરની કિંમતો વધારી છે અદાણીએ મોરિશિયસ અને અન્ય દેશોની કંપનીઓમાં નાણાંનું રોકાણ કર્યું હતું. તે કંપનીઓએ બાદમાં અદાણી ગ્રુપની કંપની પાસેથી શેર ખરીદ્યા હતા. આ રીતે વિદેશી કંપનીના શેર ખરીદવાથી અદાણીની કંપનીમાં લોકોનો વિશ્વાસ વધે છે. આનાથી શેરની માગ વધે છે અને જેમ જેમ માગ વધે છે તેમ તેમ શેરની કિંમત પણ વધે છે. હિંડનબર્ગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અદાણીના ભાઈ વિનોદ દુબઈમાં બેસીને પણ આવું જ કરી રહ્યા છે. આ રિપોર્ટમાં વિનોદ અદાણી સાથે જોડાયેલી 38 કંપનીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ત્રીજો આરોપ

અદાણી ગ્રુપ પર 2.20 લાખ કરોડથી વધુનું જંગી દેવું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપનીઓએ તેમની ક્ષમતા કરતાં વધુ દેવું લીધું છે. અદાણી ગ્રુપની ઘણી કંપનીઓએ તેમના શેર ગીરવી મૂકીને લોન લીધી છે. અદાણીએ ભૂતકાળમાં ACC અને અંબુજા કંપનીને ખરીદવા માટે પણ લોન લીધી હતી. આવી સ્થિતિમાં બેંકો પાસે અદાણીના હિસ્સા સિવાય રિકવરી કરવા માટે કંઈ નથી.

હિંડનબર્ગે આ પહેલાં એક મોટી કંપનીને કંગાળ કરી છે

2020માં ઇલેક્ટ્રિક ટ્રક બનાવતી અમેરિકન કંપની નિકોલાના શેરની કિંમત ઝડપથી વધી રહી હતી. ત્યાર પછી સપ્ટેમ્બર મહિનામાં હિંડનબર્ગે નિકોલા કંપનીને લઈને એક રિપોર્ટ બહાર પાડ્યો, જેના પછી આ કંપનીના શેર 80% તૂટ્યા. તેમના અહેવાલમાં હિંડનબર્ગે દાવો કર્યો હતો કે નિકોલાએ તેમની કંપની અને વાહનો વિશે રોકાણકારોને ખોટી માહિતી આપી હતી. આ સમાચાર મળતાં જ અમેરિકાના સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશને નિકોલાના માલિક સામે છેતરપિંડીનો ફોજદારી કેસ શરૂ કર્યો. નિકોલાના માલિક ટ્રેવર મિલ્ટનને દોષિત ઠર્યા બાદ 1000 કરોડ રૂપિયાથી વધુનો દંડ ભરવો પડ્યો હતો. જૂન 2020માં નિકોલા કંપનીનું મૂલ્ય 2.77 લાખ કરોડ રૂપિયા હતું, જે થોડા દિવસો પછી ઘટીને 11 હજાર કરોડ રૂપિયા થઈ ગયું.

હિંડનબર્ગના આરોપો પર અદાણી ગ્રુપે શું કહ્યું?

હિંડનબર્ગનો રિપોર્ટ બહાર આવ્યા બાદ અદાણી ગ્રુપે ભારે નુકસાનને ધ્યાનમાં રાખીને પોતાની સ્પષ્ટતા આપી છે. 26 જાન્યુઆરીએ અદાણી ગ્રુપે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે હિંડનબર્ગ રિપોર્ટ ખોટી માહિતી અને તથ્યોના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. એની રજૂઆત પછી અમારા શેરધારકો અને રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પ્રતિકૂળ અસર થઈ છે. આવી સ્થિતિમાં હિંડનબર્ગ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

અદાણીના શેરોમાં ઉથલપાથલ થયો

જ્યાં તે 10 દિવસ પહેલા દુનિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ હતા. હવે તેમની સંપત્તિમાં ભારે કડાકો થયો છે. અત્યાર સુધી તેમને વિશ્વના સૌથી ઝડપથી વૃદ્ધિ પામતા ઉદ્યોગપતિ તરીકે ગણાવવામાં આવતા હતા પરંતુ હિંડનબર્ગના આંચકા બાદ અદાણીના શેરમાં છેલ્લા 5 દિવસથી સતત ઘટાડો થઈ રહ્યો છે. અદાણીએ અત્યાર સુધીમાં 15 બિલિયન ડોલરની સંપત્તિ ગુમાવી છે. માત્ર 9 દિવસમાં વિશ્વના ટોચના અમીરોમાં સામેલ અદાણી હવે ટોપ 20માંથી બહાર થઈ ગયા છે.

રેટિંગ એજન્સીઓએ પણ રોકાણકારોને સાવચેત કર્યા છે

વૈશ્વિક નાણાકીય સેવા Natixix SA એશિયા-પેસિફિકના મુખ્ય અર્થશાસ્ત્રી એલિસિયા ગાર્સિયાએ જણાવ્યું હતું કે અદાણી કેસ યોગ્ય સમયે આવ્યો નથી કારણ કે ચીન હવે તેની સરહદો સંપૂર્ણપણે ખોલી રહ્યું છે. Apple Inc ચીનને બદલે ભારતમાં રોકાણ કરવાની તૈયારી કરી રહી છે. આવી સ્થિતિમાં, વિશ્વના રોકાણકારો અદાણી એપિસોડ પર ખૂબ નજીકથી નજર રાખશે.

દેશની અર્થવ્યવસ્થાને પણ અસર થશે

ઝ્યુરિચ સ્થિત GAM ઇન્વેસ્ટમેન્ટ્સના ફંડ મેનેજર ગિયાન શાઇ ક્રોટ્સીએ જણાવ્યું હતું કે અદાણીના સમાચાર નકારાત્મક વાતાવરણ સર્જી રહ્યા છે. આવી સ્થિતિમાં વિદેશી રોકાણકારો ભારતીય શેરોમાં નાણાં રોકતા પહેલા ચોક્કસપણે વિચારવાનું શરૂ કરશે. તેમણે કહ્યું કે જો કે અમે એવું નથી કહી રહ્યા કે અદાણીના કારણે ભારતીય બજાર ઘટી રહ્યું છે, પરંતુ તેની અસર એ થઈ શકે છે કે ભારતીય બજાર ચીન કરતા નબળું પડી શકે છે.

રોકાણકારોના 10 લાખ કરોડ ડૂબી ગયા!

હિંડનબર્ગના અહેવાલ બાદ અદાણીના શેરમાં ભારે વેચવાલી થઈ રહી છે. અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી ટ્રાન્સમિશન, અદાણી ગ્રીન એનર્જી, અદાણી પાવર, અદાણી ટોટલ ગેસ, અદાણી વિલ્મર, એનડીટીવી જેવી અદાણી કંપનીઓના શેરમાં ભારે ઘટાડો થયો છે અને રોકાણકારોને રૂ. 10 લાખ કરોડનું નુકસાન થયું છે.

અદાણીની મુશ્કેલી વધી

અદાણીની સમસ્યાઓ ઓછી થવાને બદલે વધી રહી છે. ડાઉ જોન્સ સસ્ટેનેબિલિટી ઇન્ડેક્સે જણાવ્યું છે કે તે અદાણી એન્ટરપ્રાઇઝને તેના ESG ઇન્ડેક્સમાંથી હટાવી રહી છે. બીજી તરફ, ક્રેડિટ રેટિંગ એજન્સી ક્રિસિલે કહ્યું છે કે તેણે હવે અદાણીના ઉધારના રેટિંગ પર નજર રાખી છે. ગૌતમ અદાણીની મુશ્કેલીઓ ઘટવાને બદલે વધી રહી છે. ગઈકાલે જ સમાચાર આવ્યા કે NSE એ ગ્રુપની ત્રણ કંપનીઓના શેરને શોર્ટ ટર્મ એડિશનલ સર્વેલન્સ મેઝર – ASM ફ્રેમવર્ક પર મૂક્યા છે. આજે સમાચાર આવ્યા કે BSEએ પણ આવું જ કર્યું છે. ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ પણ સામેલ છે.

કઈ કંપનીઓમાં આવું થયું?

અદાણી એન્ટરપ્રાઇઝિસ અદાણી ગ્રુપની કંપનીઓમાંની એક છે જેને BSE અને NSE દ્વારા ASM ફ્રેમવર્કમાં મૂકવામાં આવી છે. આ ઉપરાંત અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન અને અંબુજા સિમેન્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.

શોર્ટ ટર્મ એડિશનલ સર્વિલાન્સ એટલે કે ટૂંકા ગાળાની વધારાની દેખરેખ શું છે

વધારાની દેખરેખ એ એક પ્રકારની દેખરેખ છે. માર્કેટ રેગ્યુલેટર સેબી અને BSE, NSE જેવા એક્સચેન્જો તેમાં જે કંપનીઓના નામ આવે છે તેના પર ખાસ નજર રાખે છે. તેનો હેતુ રોકાણકારોને કોઈપણ પ્રકારના નુકસાનથી બચાવવાનો છે. આવી કાર્યવાહી માત્ર તે કંપનીઓ પર કરવામાં આવે છે જ્યારે તેમના શેરમાં હેરાફેરી દેખાતી હોય અથવા તેમાં ઘણું ટ્રેડિંગ થતું હોય. હિંડનબર્ગના અહેવાલે અદાણી શેરોમાં ઉથલપાથલ સર્જ્યો છે. સંસદમાં પણ અદાણીની છેતરપિંડી બાબતે તપાસની માગ થઈ છે. અદાણીના શેરો લેનારા નાના શેરધારકો રાતે પાણીએ રોઈ રહ્યા છે. અદાણી ગ્રૂપની બધી જ કંપનીઓના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. આપ પણ ચેતીને રહેજો.

આ પણ વાંચો: Peshawar-Blast/ પાકિસ્તાનમાં ખદબદી રહેલો આતંક