Education News : દેશભરના લાખો વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. મેડિકલ અને એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે લેવાતી JEE-NEET પરીક્ષાની વર્તમાન પદ્ધતિમાં મોટા ફેરફારની તૈયારી ચાલી રહી છે. કેન્દ્ર સરકાર સમક્ષ એવી દરખાસ્ત પર વિચારણા ચાલી રહી છે કે 12મા ધોરણની બોર્ડ પરીક્ષાના ગુણ (Board Marks)ને પ્રવેશ પ્રક્રિયામાં 50 ટકા સુધીનું વેઇટેજ આપવામાં આવે.
જો આ પ્રસ્તાવ અમલમાં આવશે તો વિદ્યાર્થીઓ (Students)માટે માત્ર એક પ્રવેશ પરીક્ષાના ગુણ પર આધાર રાખવાની જરૂર નહીં રહે અને બોર્ડ પરીક્ષાના પરિણામનું મહત્વ પણ નોંધપાત્ર રીતે વધશે.
ઘણા વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા કરતાં JEE-NEET ની તૈયારી પર વધુ ભાર મૂકે છે
સૂત્રોના જણાવ્યા મુજબ, આ પ્રસ્તાવનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ (Students)પર એક જ પ્રવેશ પરીક્ષાનું વધતું દબાણ ઘટાડવાનો છે. હાલ ઘણા વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા કરતાં JEE અથવા NEETની તૈયારી પર વધુ ભાર મૂકે છે. નવી વ્યવસ્થા અમલમાં આવે તો વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષા અને પ્રવેશ પરીક્ષા બંનેમાં સારું પ્રદર્શન કરવું જરૂરી બનશે.
હાલમાં કેવી રીતે મળે છે પ્રવેશ?
હાલની વ્યવસ્થા મુજબ મેડિકલ અભ્યાસ માટે NEET અને એન્જિનિયરિંગ અભ્યાસ માટે JEEમાં મેળવેલા ગુણના આધારે પ્રવેશ આપવામાં આવે છે. જોકે ઉમેદવારોએ સંબંધિત બોર્ડ પરીક્ષામાં લઘુત્તમ લાયકાતના માપદંડો પૂર્ણ કરવાના રહે છે.
9 સભ્યોની સમિતિ કરી રહી છે સમીક્ષા
શિક્ષણ મંત્રાલયે રચેલી 9 સભ્યોની વિશેષ સમિતિ સમગ્ર પ્રવેશ વ્યવસ્થાની સમીક્ષા કરી રહી છે. સમિતિ ખાસ કરીને કોચિંગ સંસ્થાઓ પર વધતી નિર્ભરતા, ડમી શાળાઓનું વધતું ચલણ અને પ્રવેશ પરીક્ષા (Entrance Exam)ના દબાણ જેવા મુદ્દાઓનું વિશ્લેષણ કરી રહી છે.
ભવિષ્યમાં Multiple Attempts અને On-Demand પરીક્ષા પણ શક્ય
અહેવાલો અનુસાર, સરકાર વિદ્યાર્થીઓ (Students)ને વર્ષ દરમિયાન એકથી વધુ વખત પરીક્ષા આપવાની તક આપવા અંગે પણ વિચારણા કરી રહી છે. ઉપરાંત ભવિષ્યમાં કમ્પ્યુટર આધારિત Adaptive On-Demand પરીક્ષા સિસ્ટમ અમલમાં મૂકવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પદ્ધતિમાં ઉમેદવાર પોતાની અનુકૂળ તારીખે પરીક્ષા આપી શકશે અને પ્રશ્નપત્રનું મુશ્કેલી સ્તર ઉમેદવારના પ્રદર્શન મુજબ બદલાઈ શકે છે.
હજુ અંતિમ નિર્ણય બાકી
હાલ સમગ્ર પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે અને હજુ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. સમિતિ પોતાનો અહેવાલ આગામી અઠવાડિયામાં કેન્દ્ર સરકારને સોંપે તેવી શક્યતા છે. ત્યારબાદ સરકાર અંતિમ નિર્ણય જાહેર કરશે.
