Gujarat News/ GCAS પર NSUIના આક્ષેપ, 4 રાઉન્ડ છતાં વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત

સરકારી પ્રવેશ પ્રક્રિયા GCAS ના અતિશય ઢીલી કામગીરીથી ખાનગી યુનિવર્સિટીઓને મળ્યું મોકળું મેદાન

Gujarat
GCAS નો UG ચોથો પ્રવેશ પ્રકિયા રાઉન્ડ 29 તારીખે પૂરો થઈ ગયા બાદ ૩ દિવસ થવા આવ્યા હજુ સુધી કોઈ નવી પ્રકિયા કે નવી તારીખ કે જાહેરાત કરવામાં આવી નથી
Gujarat News : ગુજરાત પબ્લીક યુનિવર્સિટી (Gujarat Public University)માં સ્નાતક પ્રવેશ પ્રક્રિયાના ચાર-ચાર રાઉન્ડ છતા હજારો મેરીટ ધરાવતા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ પ્રવેશ વિના રઝળી રહ્યા છે. બીજી તરફ ખાનગી યુનિવર્સિટીના સંચાલકો મનમાની પ્રમાણે પ્રવેશ આપીને ઉંચી ફી વસૂલી રહ્યાં છે ત્યારે, કુંભકર્ણની નિંદરમાં મસ્ત, દિશાવિહીન શિક્ષણ વિભાગ પર આકરા પ્રહાર કરતા એન.એસ.યુ.આઈ.ના પૂર્વ રાષ્ટ્રિય સંયોજક  ભાવિક સોલંકી (Bhavik Solanki)એ જણાવ્યું હતું કે, રાજ્યની 13 યુનિવર્સિટીમાં 5,50,000 જેટલી બેઠકોમાં ચાર-ચાર રાઉન્ડ પછી માત્ર 2,14,000એટલે કે 39 ટકા જેટલા જ પ્રવેશ થયા છે એટલે કે 61 ટકા બેઠકો હાલ ખાલી છે.
બીજી બાજુ હજારો મેરીટ ધરાવતા ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગ મેરીટ ધરાવતા વિદ્યાર્થીવિદ્યાર્થીનીઓ ધોરણ-12 ના પરિણામને ૫૭ દિવસ જેટલો સમય વીતી ગયા છતાં પ્રવેશ વિના રઝળી રહ્યાં છે.
GCAS નો UG ચોથો પ્રવેશ પ્રકિયા રાઉન્ડ 29 તારીખે પૂરો થઈ ગયા બાદ ૩ દિવસ થવા આવ્યા હજુ સુધી કોઈ નવી પ્રકિયા કે નવી તારીખ કે જાહેરાત કરવામાં આવી નથી જેના કારણે પ્રવેશ મળશે કે નહીં તે ચિંતા અને ભય ના કારણે વિદ્યાર્થીઓ ઊંચી ફી વાળી પ્રાઇવેટ યુનિવર્સિટી માં પરાણે પ્રવેશ મેળવવા માટે મજબૂર બન્યા છે. જે આડકતરી રીતે સરકાર અને GCAS ના સહયોગ અને ધીમી પ્રવેશ પ્રકિયા ના લીધે પ્રાઇવેટ યુનિવર્સિટી ને લાભ કરાવવાનું ષડયંત્ર રહ્યું છે.
ગુજરાતમાં GCAS હેઠળ સતત અનેક રાઉન્ડ યોજાઈ રહ્યા હોવા છતાં હજારો વિદ્યાર્થીઓ હજુ પણ પ્રવેશથી વંચિત છે. અગાઉ પણ લાંબી અને જટિલ પ્રવેશ પ્રક્રિયાને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓએ અસંતોષ વ્યક્ત કર્યો હતો.
એન.એસ.યુ.આઈ.ના પૂર્વ રાષ્ટ્રિય સંયોજક શ્રી ભાવિક સોલંકીએ માંગ કરી હતી કે,
• કોલેજોને ખાલી બેઠકો પર ઇન્ટર-સે મેરીટના આધારે સીધા પ્રવેશ આપવાની મંજૂરી આપવામાં આવે.
• પ્રવેશ પ્રક્રિયાને સરળ, પારદર્શક અને વિદ્યાર્થી હિતમાં બનાવવામાં આવે.
• વિદ્યાર્થીઓને વારંવારના રાઉન્ડ અને ટેક્નિકલ મુશ્કેલીઓમાંથી મુક્તિ આપવામાં આવે.
• ખાલી બેઠકો હોવા છતાં વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત ન રહે તેની ખાતરી કરવામાં આવે.
ગત વર્ષોમાં પણ લાંબી પ્રવેશ પ્રક્રિયા અને ખાલી બેઠકો હોવા છતાં વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતા વિવાદો ઉભા થયા હતા, જેના કારણે કોલેજોને વધુ સ્વાયત્તતા આપવાની માંગ ઉઠી હતી.
“વિદ્યાર્થીઓનું ભવિષ્ય રાઉન્ડના ભરોસે નહીં, પરંતુ મેરીટના આધારે નક્કી થવું જોઈએ.”


આ પણ વાંચો : અમદાવાદમાં GCASની પ્રક્રિયાનો વિરોધ કરતી સેન્ટ ઝેવિયર્સ કોલેજ સામે અરજી