New Delhi News : ₹12,000 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવે (Delhi Dehradun Expressway)પર પ્રથમ ભારે વરસાદ બાદ શામલી નજીક રસ્તામાં ખાડા (Road Collapse)પડવાની ઘટના સામે આવતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) અને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 14 એપ્રિલે દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવે (Delhi Dehradun Expressway)નાં એક ભાગનું ઉદ્ઘાટન કર્યું હતું. પરંતુ થોડા જ મહિનામાં વરસાદ બાદ રસ્તાને થયેલા નુકસાનને કારણે નિર્માણની ગુણવત્તા અંગે સવાલો ઊભા થયા છે.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે જણાવ્યું છે કે ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને સંબંધિત પ્રોજેક્ટ ડિરેક્ટર, ઓથોરિટી એન્જિનિયર અને EPC કોન્ટ્રાક્ટરને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. સાથે જ ઓથોરિટી એન્જિનિયરના ટીમ લીડર અને કોન્ટ્રાક્ટરના પ્રોજેક્ટ મેનેજરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
વીડિયો વાયરલ થતાં મચ્યો હોબાળો
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં રસ્તા પર પડેલા મોટા ખાડા સ્પષ્ટ દેખાતા હતા. ઘટનાસ્થળે અકસ્માત અટકાવવા માટે બેરિકેડિંગ કે ચેતવણીની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાનું પણ જોવા મળ્યું હતું. વીડિયો વાયરલ થયા બાદ NHAIએ તાત્કાલિક સમારકામ શરૂ કરીને રસ્તો ફરી ટ્રાફિક માટે ખુલ્લો મૂક્યો.
NHAIએ આપ્યું સ્પષ્ટીકરણ
NHAIના જણાવ્યા અનુસાર ભારે વરસાદ દરમિયાન એક સ્થળે પાણી ભરાઈ જવાથી રસ્તાનો એક ભાગ નુકસાનગ્રસ્ત થયો હતો. અધિકારીઓનું કહેવું છે કે સ્થાનિક રહેવાસીઓના વિરોધને કારણે કાયમી ક્રોસ-ડ્રેનેજ સિસ્ટમનું કામ પૂર્ણ થઈ શક્યું નહોતું.
સ્થાનિક લોકોએ સંતુલિત કલ્વર્ટનું પુનઃનિર્માણ કરવાની મંજૂરી ન આપતાં, કલ્વર્ટના ખુલ્લા ભાગનો વાહન વ્યવહાર માટે ઉપયોગ શરૂ કર્યો હતો. જેના કારણે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અસરકારક રીતે કાર્યરત રહી શકી નહોતી. 1 જુલાઈની રાત્રે પડેલા ભારે વરસાદ દરમિયાન પાણી ભરાતા રસ્તાનો ભાગ નુકસાન પામ્યો હતો.
ગુણવત્તા અને દેખરેખ પર ઉઠ્યા સવાલ
ઘટના બાદ એક્સપ્રેસવેના નિર્માણની ગુણવત્તા, મોનિટરિંગ અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે. નિષ્ણાતોનું માનવું છે કે દેશના મહત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટોમાં ગુણવત્તા નિયંત્રણ અને સમયસર દેખરેખ વધુ મજબૂત બનાવવાની જરૂર છે.
સરકારે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે અને જવાબદારો સામે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
