Rajkot News: રાજકોટના જેતપુર(Jetpur)માં થોડા દિવસ પહેલાં મળેલા મહિલાના મૃતદેહના કેસનો ભેદ ઉકેલાયો છે. આડા સંબંધોની અદાવતમાં સગી ભત્રીજીઓએ જ પોતાની ફોઈની હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપીઓએ પહેલા ફોઈને ઝેરી દવા પીવડાવી અને બાદમાં ચુંદડીથી ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી હતી. પોલીસે 90 જેટલા સીસીટીવી કેમેરા (CCTV) તપાસીને ચારેય આરોપીઓની ધરપકડ કરી છે.
Jetpur નવાગઢ રોડ પરથી મળ્યો હતો મૃતદેહ
ગત 11 નવેમ્બરે જેતપુર સિટી પોલીસ (Jetpur City Police)ને નવાગઢ રોડ પરથી આશરે 35થી 40 વર્ષની મહિલાનો મૃતદેહ મળ્યો હતો. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કરાયેલા પોસ્ટમોર્ટમમાં ગળે ટૂંપો આપવાથી મોત થયાનું સામે આવ્યું હતું. મૃતકની ઓળખ હકુબેન પરમાર (Hakuben Parmar) તરીકે થઈ હતી. તેમના ભાઈ અરવિંદભાઈ વાઘેલાએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી.
90 CCTVની તપાસમાં રિક્ષા અને ચાર શખ્સો દેખાયા
પોલીસે તપાસ શરૂ કરી 90 જેટલા સીસીટીવી ફૂટેજ ચકાસ્યા, જેમાં એક શંકાસ્પદ રિક્ષામાં ચાર લોકો જોવા મળ્યા હતા. બાતમીદારો અને ટેકનિકલ સોર્સની મદદથી તપાસ આગળ વધતાં ખુલ્યું કે મૃતક હકુબેનને તેમના સગા ભાઈ ધમાભાઈના દીકરા રવિ સાથે આડા સંબંધો હતા. રવિની બહેનો રાધા અને મધુને આ સંબંધ પસંદ ન હતો અને તે મુદ્દે અવારનવાર ઝઘડા થતા હતા. આખરે બંનેએ ભેગા મળીને ફોઈની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.
પહેલા ઝેર, પછી ગળે ટૂંપો
પોલીસના જણાવ્યા મુજબ, રાધા અને મધુએ પહેલા હકુબેનને સોડામાં ઝેરી દવા (Poisonous medicine) ભેળવીને પીવડાવી હતી. ઝેરથી મોત ન થતાં થોડા કલાકો બાદ બંને બહેનોએ મહિલાની જ ચુંદડીથી ગળે ટૂંપો આપી હત્યા કરી નાખી હતી.
ચાર આરોપીઓની ધરપકડ
પોલીસે આ ગુનામાં રાધાબેન સૈયદ શેખ, મધુબેન લક્ષ્મણ બાવાજી, મધુબેનના પતિ લક્ષ્મણ ઉર્ફે લખો અને ભુપતભાઈ વાઘેલાની ધરપકડ કરી છે. હત્યામાં વપરાયેલી રિક્ષા અને ઝેરી દવાની બોટલ પણ જપ્ત કરવામાં આવી છે. પોલીસે ગુનો દાખલ કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. પારિવારિક સંબંધોને શર્મસાર કરતી આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
આ પણ વાંચો: જેતપુરના ખીરસરામાં ડિગ્રી વિના ‘ડોક્ટર’ બની ગયો, 8 વર્ષથી લોકોની સારવાર કરતો શખ્સ ઝડપાયો
આ પણ વાંચો: સાડી ઉદ્યોગને લાગ્યું યુદ્ધનું ગ્રહણ! જેતપુરમાં ટેક્સટાઈલ એકમો બંધ થવાની અણીએ, સાડીના ભાવમાં વધારો
આ પણ વાંચો: સ્પીડની ઘેલછા બની કાળ, જેતપુર પાસે ભયાનક અકસ્માતમાં એક યુવકનું મોત અને બે ગંભીર
