Surat News: સુરતના સચિન સેઝમા ડાયમંડ ઓવર વેલ્યુએશન કૌભાંડ જોવા મળ્યું છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે (DRI)એ નવસારીના મોન્ટુ ગાંધીની ધરપકડ કરી છે. આરોપીએ પાંચ કરોડની વાસ્તવિક નિકાસ સામે 134 કરોડની નિકાસ બતાવી છે. અધિકારીઓએ આશરે બે કરોડ રૂપિયાની ટેક્સ ચોરીનો કેસ નોંધ્યો છે. ડીઆરઆઇએ મોટી કાર્યવાહી કરતાં અંદાજે 1,100 કરોડની જ્વેલરી જપ્ત કરી છે. આમ ઝવેરાત જપ્ત કરીને સમગ્ર મામલે તપાસનો ધમધમાટ બોલાવવામાં આવ્યો છે.
DRIની તપાસમાં સામે જાણે આવ્યું છે કે સચિન સેઝમાં કેટલીક પેઢીઓ ઓવર વેલ્યુએશન કરી રહી છે. DRIને બાતમી મળી હતી કે સચીન સેઝમાંથી વિદેશ મોકલવામાં આવતા પાર્સલમાં ગેરરીતિ થઈ રહી છે. તેના આધારે દરોડો પાડીને તેણે 16 જેટલા પાર્સલ અટકાવી દીધા હતા. આ પાર્સલોમાં કરોડો રૂપિયાનું ઝવેરાત હોવાનું માલૂમ પડ્યું છે. તેને તપાસ માટે જપ્ત કરવામાં આવ્યા છે.આના કારણે સેઝના જ્વેલરી એકમોમાં ફફડાટ ફેલાયો છે.
પ્રાથમિક તપાસમાં વિગતો બહાર આવી છે કે હોંગકોંગથી હીરા મંગાવવામાં આવ્યા હતા. ઝવેરાત ફરીથી બનાવીને વિદેશથી નિકાસ કરવાની તૈયારી હતી. આ પ્રક્રિયામાં નિયમોનો ભંગ થયો છે અને કિમતોમાં કઈ રીતે ઓવરવેલ્યુએશન કરવામાં આવ્યું છે તેની તપાસ શરૂ થઈ છે. હીરાની નિકાસ કરતી વખતે આચરવામાં આવતા કૌભાંડની ફરિયાદો છેક દિલ્હી સુધી કરવામાં આવતી હોય છે. એક ઉદ્યોગકાર જે હાલમાં એક વેપારી સંસ્થામાં હોદ્દેદાર છે તેમણે જણાવ્યું હતું કે પાર્સલ દીઠ 50 લાખ રૂપિયા સુધીની ફરિયાદો ઉઠી છે . DRIએ આના પગલે તપાસ સઘન બનાવી છે.
