Breaking News: સુરત શહેરમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતના ગંભીર કૌભાંડમાં ફરાર ચાલતા ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલ (Ramgopal Khandelwal)ની આખરે પોલીસે ધરપકડ કરી છે. વરાછા વિસ્તારમાં આવેલી ‘મમતા મલ્ટી સ્પેશિયલિટી’ હોસ્પિટલના નામે ચાલતા આ કૌભાંડનો થોડા દિવસો પહેલા જ પર્દાફાશ થયો હતો.
Ramgopal Khandelwalની ધરપકડ
માહિતી મુજબ, પોલીસને મળેલી બાતમીના આધારે આંજણા ફાર્મ પાછળના વિસ્તારમાંથી રામગોપાલ ખંડેલવાલ (Ramgopal Khandelwal)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી લાંબા સમયથી ફરાર હતો અને તેની શોધખોળ ચાલી રહી હતી.
પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે આરોપીનું નેટવર્ક માત્ર સુરત કે ગુજરાત પૂરતું મર્યાદિત નહોતું, પરંતુ મહારાષ્ટ્ર અને રાજસ્થાન સુધી પણ ફેલાયેલું હોઈ શકે છે. હવે પોલીસે તેના સંપર્કો અને સમગ્ર ગેંગ અંગે વધુ પૂછપરછ શરૂ કરી છે.
આ કેસમાં આરોગ્ય વિભાગની કામગીરી પર પણ ગંભીર સવાલો ઊભા થયા છે. આરોપી અગાઉ પણ ગર્ભપાતના કેસમાં ઝડપાઈ ચૂક્યો હતો. તેમ છતાં જૂના સ્થળે જ નવું નામ આપી ફરી હોસ્પિટલ શરૂ થઈ ગઈ હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતા બેદરકારી સામે આવી છે.
થોડા દિવસો પહેલા આરોગ્ય વિભાગે હોસ્પિટલમાં દરોડા પાડી પોર્ટેબલ મશીન મારફતે ગેરકાયદે ગર્ભ પરીક્ષણ થતું હોવાનું બહાર લાવ્યું હતું. તપાસ દરમિયાન માત્ર ₹15 હજારની રકમમાં ગર્ભપાત કરવામાં આવતો હોવાનો પણ ખુલાસો થયો હતો. હવે પોલીસ આરોપીના રિમાન્ડ મેળવી સમગ્ર નેટવર્ક, નાણાકીય વ્યવહારો અને આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ અન્ય લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો:સુરતમાં દીકરીઓના જન્મદર ઘટાડા પાછળ કોણ? Ramgopal Khandelwalના ગેરકાયદે નેટવર્કનો પર્દાફાશ
આ પણ વાંચો:સુરત ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ રેકેટ,અગાઉ પણ આ જ સ્થળે ચાલતું હતું રેકેટ
આ પણ વાંચો:સુરતમાં ફરી ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ રેકેટનો પર્દાફાસ, ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલ ફરી ઝડપાયા
