World News/ હંટાવાયરસ થી સંક્રમિત ક્રૂઝ શિપમાંથી 29 મુસાફરો ઉતર્યા, 12 દેશોમાં ફેલાયો ભય! જાણો શું છે હન્ટાવાયરસ?

હંટાવાયરસ (Hantavirus) નો ખતરો ક્રૂઝ શિપમાંથી 12થી વધુ દેશોમાં પહોંચેલા મુસાફરોને કારણે વિશ્વભરમાં સતર્કતા વધારવામાં આવી છે.

Top Stories World
Hantavirus

Hantavirus: હંટાવાયરસ નામનો રોગ તાજેતરમાં સમગ્ર વિશ્વમાં ચિંતાનો વિષય બન્યો છે. આ વાયરસ ક્રુઝ શિપમાં ફેલાયો હતો અને તેના મુસાફરો હવે 12થી વધુ દેશોમાં પહોંચી ગયા છે, જેના કારણે સંક્રમણ ફેલાવાની આશંકા વધી છે.

આ વાયરસ સામાન્ય રીતે ઉંદરો દ્વારા ફેલાય છે, પરંતુ આ વખતનો એન્ડીઝ સ્ટ્રેન ખાસ જોખમી માનવામાં આવી રહ્યો છે, કારણ કે તે માણસથી માણસમાં પણ ફેલાઈ શકે છે. તે ખાંસી, છીંક, ચુંબન અથવા એક જ ગ્લાસમાંથી પીવાથી પણ સંક્રમિત કરી શકે છે.

એપ્રિલ મહિનામાં ક્રુઝ શિપ એમવી હોન્ડિયસ આર્જેન્ટિનાના ઉશુઆયા બંદરથી રવાના થયું હતું. તેમાં લગભગ 28 દેશોના 150 જેટલા મુસાફરો અને ક્રૂ સભ્યો હતા. આ દરમિયાન બે ડચ પ્રવાસીઓ પક્ષી નિરીક્ષણ માટે દક્ષિણ અમેરિકાના એક લેન્ડફિલ વિસ્તારમાં ગયા હતા, જ્યાં તેમને ઉંદરો મારફતે હંટાવાયરસ (Hantavirus)  નો ચેપ લાગ્યો હતો.

પછી આ વાયરસ અન્ય મુસાફરોમાં પણ ફેલાયો. અત્યાર સુધીમાં પાંચ લોકોમાં ચેપની પુષ્ટિ થઈ છે, જેમાંથી ત્રણના મોત થયા છે, જે સ્થિતિને વધુ ગંભીર બનાવે છે.

હંટાવાયરસ (Hantavirus) શું છે? કેવી રીતે થાય છે તેનો પ્રસાર?

હંટાવાયરસ (Hantavirus)  સામાન્ય રીતે ઉંદરના પેશાબ, લાળ અને મળ દ્વારા ફેલાય છે. આ વાયરસ હવામાં ફેલાઈને શ્વસનતંત્ર દ્વારા માનવ શરીરમાં પ્રવેશી શકે છે. કેટલીક પરિસ્થિતિમાં તે ઉંદરના કરડવાથી અથવા દૂષિત ખોરાકથી પણ સંક્રમિત થઈ શકે છે.

પરંતુ તાજેતરમાં ઓળખાયેલા એન્ડીઝ સ્ટ્રેનને વધુ જોખમી માનવામાં આવે છે, કારણ કે તે વ્યક્તિથી વ્યક્તિમાં પણ ફેલાઈ શકે છે. વૈજ્ઞાનિકોના એક અભ્યાસ મુજબ, ચેપગ્રસ્ત વ્યક્તિના લાળ, પેશાબ અને નાકના સ્રાવમાં વાયરસ જોવા મળે છે, ખાસ કરીને ગંભીર સ્થિતિમાં. તેથી તે ચુંબન, સ્ટ્રો શેર કરવો, તેમજ ખાંસી કે છીંક દ્વારા પણ ફેલાઈ શકે છે.

Hantavirus

અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે સેક્સ પાર્ટનરમાં ચેપનું જોખમ ઘરના અન્ય સભ્યો કરતાં લગભગ 10 ગણું વધુ હોય છે. તેમ છતાં, હંટાવાયરસ (Hantavirus)  સામાન્ય શરદી અથવા COVID-19 જેટલો સરળતાથી ફેલાતો નથી.

ક્યા 12 દેશોમાં હંટાવાયરસનો જોખમ છે?

સેન્ટ હેલેના ટાપુ પરથી ઉતરેલા મુસાફરો નકશામાં દર્શાવ્યા મુજબ આ કેનેડા, અમેરિકા, સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ, યુકે, નેધરલેન્ડ, સ્વીડન, ડેનમાર્ક, જર્મની, સ્વિટ્ઝર્લૅન્ડ, તુર્કી, સિંગાપોર અને ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં ગયા હોવાનું જાણવા મળ્યું છે.

જહાજ હાલ સ્પેનના કેનેરી ટાપુઓ તરફ આગળ વધી રહ્યું હોવાથી વધુ દેશોમાં સંક્રમણ ફેલાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આર્જેન્ટિના, કેપ વર્ડે, ઇઝરાયલ અને સ્પેન સહિતના દેશોએ પણ સ્થિતિ પર નજર રાખી છે.

આરોગ્ય અધિકારીઓએ તમામ સંબંધિત મુસાફરોનો સંપર્ક શરૂ કરી દીધો છે અને તેમને સાવચેતી રૂપે ક્વોરેન્ટાઇનમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.

હંટાવાયરસનો ખતરો કેટલો ગંભીર? નિષ્ણાતોએ આપ્યું મોટું અપડેટ

ઘણા નિષ્ણાતોનું માનવું છે કે હાલનો હંટાવાયરસ (Hantavirus)  નો ફેલાવો આગામી COVID-19 જેવી મહામારીમાં પરિવર્તિત થવાની શક્યતા ઓછી છે. પ્રોફેસર પોલ હન્ટર જણાવે છે કે હંટાવાયરસ ઘણા દાયકાઓથી વિશ્વમાં હાજર છે અને તેનો વ્યાપક સ્તરે યુરોપમાં મોટો ખતરો ઉભો કરશે તેવી શક્યતા ઓછી છે.

બીજી તરફ પ્રોફેસર ફ્રાન્કોઇસ બાલોનું કહેવું છે કે આ વાયરસ ઉદરસ અને છીંક જેવી શ્વસન બૂંદો દ્વારા ફેલાઈ શકે છે, પરંતુ તે માટે ખૂબ નજીકનો સંપર્ક અને શરીરમાં ઊંચી માત્રામાં વાયરસ હોવો જરૂરી બને છે.

2020ની શરૂઆતમાં આર્જેન્ટિનાના ચુબુટ પ્રાંતમાં આ વાયરસને કારણે 11 લોકોના મૃત્યુ થયા હતા. તે સમયગાળા દરમિયાન કેટલાક “સુપર-સ્પ્રેડર” કિસ્સાઓએ ચેપના ફેલાવાને ઝડપી બનાવ્યો હતો. જોકે, તાજેતરમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ અને અસરકારક આઇસોલેશન જેવી જાહેર આરોગ્ય વ્યવસ્થાઓના કારણે પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં સફળતા મળી છે.

રિપોર્ટ મુજબ, શરૂઆતમાં વાયરસનો R નંબર આશરે 2.12 હતો, જે દર્શાવે છે કે એક સંક્રમિત વ્યક્તિ બે કરતા વધુ લોકોને ચેપ આપી શકે છે. પરંતુ હાલના નિયંત્રણ પગલાં પછી આ આંકડો 1 થી નીચે આવી ગયો છે, જે ફેલાવાની ગતિમાં ઘટાડો દર્શાવે છે.

આ વાયયસથી કેટલો ખતરો? શું રાખવી જોઈએ સાવચેતી?

સામાન્ય લોકો માટે જોખમ ખૂબ ઓછું છે. ફક્ત એવા લોકોએ ચિંતા કરવાની જરૂર છે જેઓ ચેપગ્રસ્ત વ્યક્તિના નજીકના સંપર્કમાં આવ્યા છે. ક્રૂઝ શિપ જેવી બંધ અને ભીડભાડવાળી જગ્યાઓમાં વાયરસ ફેલાવાની શક્યતા વધારે રહેતી હોય છે, પરંતુ સામાન્ય પરિસ્થિતિમાં તેનો વ્યાપક પ્રસાર થવાની શક્યતા ઓછી છે. અત્યાર સુધી વાયરસમાં કોઈ ખતરનાક પરિવર્તન થયાના પુરાવા પણ સામે આવ્યા નથી.

દક્ષિણ અમેરિકામાં અગાઉ પણ આવા કેસ નોંધાયા હતા અને તે અનુભવને આધારે હવે વિશ્વ આરોગ્ય સંગઠન તેમજ વિવિધ દેશોની સરકારો પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે જો કોઈ પ્રવાસી અસ્વસ્થતા અનુભવતો હોય અથવા લક્ષણો દેખાતા હોય, તો તેણે વિલંબ કર્યા વગર તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.


આ પણ વાંચો: અમિત શાહની હાજરીમાં આજે બંગાળને મળશે નવો મુખ્યમંત્રી

આ પણ વાંચો: ભગવાન બુદ્ધની પ્રતિમા અને નમોહ 108 કમળ; વિયેતનામના રાષ્ટ્રપતિને પીએમ મોદીએ શું શું ગિફ્ટ આપી?

આ પણ વાંચો: દેશભરમાં સિન્થેટિક પનીર પર લાગશે પ્રતિબંધ! FSSAIનો મોટો નિર્ણય