Bengal News: બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મળેલી પ્રચંડ જીત બાદ હવે બંગાળના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેની પર સૌની નજર ટકેલી છે. પક્ષ આ મહત્વપૂર્ણ નિર્ણય આજે (શુક્રવાર) જાહેર કરશે તેવી શક્યતા છે.
ગૃહમંત્રી અમિત શાહ ધારાસભ્ય દળના નેતા પસંદ કરવા માટે કોલકાતા પહોંચી રહ્યા છે. તેમની હાજરીમાં શુક્રવારે કોલકાતામાં નવા ચૂંટાયેલા ભાજપ ધારાસભ્યોની બેઠક યોજાશે, જેમાં વિધાનસભા પક્ષના નવા નેતા અને સંભવિત મુખ્યમંત્રીના નામ પર અંતિમ નિર્ણય લેવાશે.
સૂત્રો અનુસાર, કોલકાતાના ન્યૂ ટાઉનમાં આવેલા વિશ્વ બાંગ્લા કન્વેન્શન સેન્ટરમાં સાંજે 4 વાગ્યાથી મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. આ બેઠકમાં રાજ્યના નવા મુખ્યમંત્રીના નામ પર અંતિમ નિર્ણય લેવામાં આવશે.
રાજકીય ચર્ચાઓ વચ્ચે, વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીનું નામ પણ મુખ્યમંત્રી પદની દાવેદારીમાં આગળ હોવાનું જણાવાઈ રહ્યું છે. ખાસ કરીને 2021ની ચૂંટણી બાદ નંદીગ્રામ અને ભવાનીપુર બંને વિસ્તારોમાં મમતા બેનર્જીને મળેલી પડકારજનક સ્થિતિ પછી તેમનું રાજકીય વજન વધ્યું છે.
બીજી તરફ, શનિવાર, 9 મેના રોજ કવિગુરુ રવીન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ નિમિત્તે કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે નવા મુખ્યમંત્રી અને મંત્રિમંડળનો શપથગ્રહણ સમારોહ યોજાશે. આ કાર્યક્રમ સવારે 11 વાગ્યાથી શરૂ થશે.
શપથગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ શાસિત લગભગ 20 રાજ્યોના મુખ્યમંત્રીઓ, અનેક કેન્દ્રીય મંત્રીઓ અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓની હાજરી રહેશે.
