દિલ્હીની કરકરડૂમા કોર્ટે ગુરુવારે દિલ્હી રમખાણોના કેસમાં ધરપકડ કરાયેલ JNUના ભૂતપૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદની જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે આ રમખાણો પાછળ ઊંડું કાવતરું હતું અને ઉમર ખાલિદ આ ષડયંત્રમાં સામેલ હોવાનો આરોપ છે. તેથી આરોપીને જામીન આપવાનું કોઈ કારણ નથી. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે રમખાણોને કારણે 53 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે 700થી વધુ લોકો ઘાયલ થયા છે.
કોર્ટે કહ્યું હતું કે પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ અને દસ્તાવેજો પરથી પ્રાથમિક દૃષ્ટિએ એવું જણાય છે કે ઉમર ખાલિદ સામેના આરોપો સાચા છે. કોર્ટે પોતાના આદેશમાં ઉમર ખાલિદના વકીલની અરજી પર કહ્યું કે રમખાણો સમયે ઉમર દિલ્હીમાં હાજર ન હતા, એવું જરૂરી નથી કે દરેક આરોપી સ્થળ પર હાજર હોય. દૂર બેસીને પણ ષડયંત્ર રચી શકાય છે. કોર્ટે કહ્યું કે કોઈ પણ ગંભીર ગુનાનું રિમોટલી બેસીને પ્લાનિંગ કરવું એ તેને અંજામ આપવા જેટલું જ ગંભીર છે.
કરકરડૂમા કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે આ રમખાણ એકાએક કરવામાં આવેલી કાર્યવાહી નહીં પરંતુ એક સુનિયોજિત કાવતરું હતું. ઉમર ખાલિદના વકીલો દ્વારા કરાયેલી દલીલને નકારી કાઢતા કોર્ટે કહ્યું કે ઉમર ખાલિદ MSJ અને DPSG ગ્રુપનો ડિસેમ્બર 2019માં CAB બિલ પસાર થવાથી લઈને ફેબ્રુઆરી 2020માં રમખાણો સુધીનો હિસ્સો હતો. અને અનેક આરોપીઓના સંપર્કમાં હતા. જેઓ દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હતા.
