Junagadh Tantrik Vidhi Torture Case: જૂનાગઢના દાતાર રોડ પર આવેલ દુબળી પ્લોટ વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. તાંત્રિક વિધિ (Tantrik Vidhi) ના બહાને એક 45 વર્ષીય પુરુષનું અપહરણ કરી, તેમને નિર્વસ્ત્ર હાલતમાં ઠાઠડી સાથે બાંધી દઈ શરીરે અને ગુપ્ત ભાગે ગરમ વસ્તુના ડામ આપવાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જૂનાગઢ એ-ડિવિઝન પોલીસે આ નરાધમ આરોપીને દબોચી લીધો છે.

‘બાપાની Tantrik Vidhi છે’ કહી વિશ્વાસઘાત કર્યો
ઘટનાની વિગતો મુજબ, ગત 13 જાન્યુઆરીના રોજ આરોપી સાગર ચૌહાણ ભોગ બનનારના ઘરે પહોંચ્યો હતો. તેણે “મારા બાપાની વિધિ (Tantrik Vidhi)છે, તમે સાથે ચાલો” તેમ કહી આધેડને વિશ્વાસમાં લીધા હતા. પરિચિત હોવાથી આધેડ તેની સાથે મોટરસાયકલ પર ગયા હતા, પરંતુ આરોપી તેમને ઘરે લઈ જવાને બદલે અવાવરુ રસ્તે લઈ ગયો હતો. જ્યારે પીડિતે વિરોધ કર્યો, ત્યારે આરોપીએ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને કોઈ નશાકારક વસ્તુ સુંઘાડી બેભાન કરી દીધા હતા.

ઠાઠડીમાં બાંધી આપ્યા ડામ, વાળ પણ ખેંચી કાઢ્યા
બીજા દિવસે સવારે જ્યારે પીડિત ભાનમાં આવ્યા, ત્યારે દ્રશ્યો અત્યંત ભયાનક હતા. તેઓ દુબળી પ્લોટ આરોગ્ય કેન્દ્ર પાછળ એક અવાવરુ જગ્યાએ ઠાઠડી પર દોરડાથી બાંધેલી હાલતમાં હતા. નરાધમ આરોપીએ અંધશ્રદ્ધામાં અંધ બની પીડિતને અર્ધનગ્ન કરી બંને હાથ અને પીઠ પર ગરમ વસ્તુના ડામ આપ્યા હતા. પ્રાઈવેટ પાર્ટ (ગુપ્ત ભાગ) પર પણ ડામ આપી અમાનવીય અત્યાચાર ગુજાર્યો હતો.માથાના વાળ પણ નિર્દયતાથી ખેંચી કાઢ્યા હતા. પરિવારજનોએ શોધખોળ કરતા તેઓ આ હાલતમાં મળી આવ્યા હતા અને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા.
પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપ્યો
આ ભયાનક બનાવની જાણ થતા જ જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ એક્શન મોડમાં આવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપી સાગર મનુ ચૌહાણને ઝડપી લીધો છે. ઉલ્લેખનીય છે કે આરોપીએ પીડિતના ઘરે જઈ ગાડીમાં તોડફોડ કરી ધમકીઓ પણ આપી હતી. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ અમાનવીય કૃત્યમાં અન્ય કોઈ તાંત્રિક સામેલ છે કે કેમ.
