Kalol Oil Godown Fire: ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં ગત મધરાત્રે (18 માર્ચ) એક ભયાનક અગ્નિકાંડ સર્જાયો હતો. શહેરના કર્મયોગી સોસાયટી વિસ્તારમાં આવેલા એક ઓઈલ અને ટાયરના ગોડાઉનમાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી ભીષણ હતી કે તંત્ર દ્વારા ‘મેજર કોલ’ જાહેર કરવામાં આવ્યો હતો.

Kalol શહેરમાં આગની જ્વાળાઓ
ઘટનાની વિગત મુજબ, જ્યારે આખું શહેર નિદ્રાધીન હતું ત્યારે રાત્રે આશરે ત્રણ વાગ્યાના અરસામાં ગોડાઉનમાંથી આગની ઊંચી જ્વાળાઓ દેખાવા લાગી હતી. ઓઈલ, ગ્રીસ અને ટાયર જેવા જ્વલનશીલ પદાર્થો હોવાને કારણે આગે મિનિટોમાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ડરના માર્યા આસપાસની સોસાયટીના રહીશો પોતાના ઘર છોડીને રસ્તા પર દોડી આવ્યા હતા.

8 ફાયર ફાઈટરોની ફોજ અને 2.5 લાખ લિટર પાણીનો મારો
આગની ગંભીરતા જોતા કલોલ ફાયર બ્રિગેડની સાથે કડી, ઇફકો, ONGC અને ગાંધીનગરથી કુલ 8 ફાયર ફાઈટરોની મદદ લેવામાં આવી હતી. ગાંધીનગર ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ પટેલે જણાવ્યું હતું કે, આશરે 2 થી 2.5 લાખ લિટર પાણી અને સ્પેશિયલ ફાયર ફાઇટિંગ ફોમનો મારો ચલાવીને કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

તંત્ર દ્વારા સાવચેતીના કડક પગલાં
આગ વધુ ન પ્રસરે અને કોઈ મોટી જાનહાનિ ન થાય તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કેટલાક મહત્વના પગલાં ભરવામાં આવ્યા હતા. સુરક્ષાના ભાગરૂપે સૌપ્રથમ આખા વિસ્તારનો વીજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત, સાવચેતીના પગલારૂપે બાજુમાં આવેલી હોસ્પિટલ અને સોસાયટીના મકાનો તાબડતોબ ખાલી કરાવવામાં આવ્યા હતા. સાથે જ, લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને બચાવ કામગીરીમાં કોઈ અડચણ ન આવે તે માટે આસપાસની અવરજવર રોકીને સર્વિસ રોડને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો હતો.
જાનહાનિ ટળી પણ કરોડોનું નુકસાન
સદનસીબે આ ભયાનક આગમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ગોડાઉનમાં રાખેલો કરોડો રૂપિયાનો મુદ્દામાલ બળીને રાખ થઈ ગયો છે. મામલતદાર અને ચીફ ઓફિસર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે, જોકે ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરાઈ છે.
આ પણ વાંચો:સુરતના મિલેનિયમ માર્કેટ-1માં આગ, 9 ફાયર સ્ટેશનની ટીમો ઘટનાસ્થળે દોડી
આ પણ વાંચો:સુરતના નિધિ કાપડ માર્કેટમાં ભીષણ આગ, ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનમાંથી ભભૂકી ઊઠી જ્વાળા
આ પણ વાંચો:સુરત શહેરના ચોર્યાસી ટોલનાકા વિસ્તારમાં ભંગારની દુકાનોમાં લાગી ભીષણ આગ
