જ્ઞાનવાપી મસ્જિદના સર્વેને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે. કંગના તેની આગામી ફિલ્મ ધાકડના પ્રમોશન માટે બુધવારે વારાણસી પહોંચી હતી. તેણે ગંગા આરતીમાં ભાગ લીધો હતો અને મહાદેવની પૂજા પણ કરી હતી.
કંગના રનૌતે કહ્યું કે મથુરાના દરેક કણમાં ભગવાન કૃષ્ણ છે અને અયોધ્યાના દરેક કણમાં ભગવાન શ્રી રામ છે, તેવી જ રીતે ભગવાન શિવ કાશીના દરેક કણમાં છે. ભગવાન શિવને કોઈ રચનાની જરૂર નથી, તેઓ અહીં દરેક કણમાં સ્થાયી છે. આ પછી તેણે હર હર મહાદેવના નારા પણ લગાવ્યા.
બોલિવૂડ અભિનેત્રી કંગના કાશી વિશ્વનાથ ધામ પહોંચી અને કોરિડોરનો પ્રવાસ કર્યો. મંદિરમાં વિશેષ પૂજામાં પણ ભાગ લીધો હતો. કંગનાએ ફેસબુક પોસ્ટમાં લખ્યું, ‘હર હર મહાદેવ, કાશી વિશ્વનાથ જીના દર્શન અને ગંગા જીની આરતી ફિલ્મ ધકડની ટીમ સાથે.’ આ ફિલ્મ 20 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
નોંધનીય છે કે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જેમાં કંગનાની એક્શન સિક્વન્સ જોવા મળી રહી છે. કંગનાની ફિલ્મના ટ્રેલરની પણ ઘણી પ્રશંસા થઈ રહી છે. બોલીવુડ સ્ટાર સલમાન ખાને પણ ટ્રેલર જોયા બાદ તેના વખાણ કર્યા છે. ફિલ્મમાં કંગના રનૌત ઉપરાંત અર્જુન રામપાલ, દિવ્યા દત્તા પણ જોવા મળશે.ફિલ્મનું નિર્માણ સોહેલ મકલાઈ દ્વારા કરવામાં આવ્યું છે.