assam news/ આસામના કાઝીરંગામાં ગમખ્વાર અકસ્માત: 23નાં મોત, અનેક ઘાયલ

આસામના કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન નજીક શુક્રવારે એક ભયાનક માર્ગ અકસ્માત (Kaziranga Road Accident)સર્જાયો હતો

Top Stories India
આસામના કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન નજીક શુક્રવારે એક ભયાનક માર્ગ અકસ્માત (Kaziranga Road Accident)સર્જાયો હતો

Assam News : આસામના કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન નજીક શુક્રવારે એક ભયાનક માર્ગ અકસ્માત (Kaziranga Road Accident)સર્જાયો હતો. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મુસાફરોથી ભરેલી મિનિબસ અને કન્ટેનર ટ્રક વચ્ચે સામસામે જોરદાર ટક્કર (Bus Truck Collision)થતાં ઓછામાં ઓછા 23 લોકોનાં મોત થયા છે. અકસ્માતમાં અનેક મુસાફરો ઘાયલ થયા છે. ઘાયલોની સંખ્યા અને તેમની સ્થિતિને ધ્યાનમાં રાખીને મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બચાવ ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

કાઝીરંગામાં મિનિબસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર

પોલીસના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના ગોલાઘાટ (Golaghat Acciden)જિલ્લાના કોહોરા રેન્જમાં હાટીકુલી ટી એસ્ટેટ નજીક રંગાજન વિસ્તારમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-715 પર બની હતી. મુસાફરોને લઈને જતી મિનિબસ સામેથી આવી રહેલા કન્ટેનર ટ્રક સાથે અથડાઈ (Bus Truck Collision)હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસને ભારે નુકસાન થયું હતું અને ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી.

ગોલાઘાટના સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ સ્વપ્નિલ ડેકાએ પ્રાથમિક માહિતીના આધારે 23 લોકોનાં મોતની પુષ્ટિ કરી હતી. બચાવકર્મીઓ બસમાંથી મૃતદેહોને બહાર કાઢવાની કામગીરીમાં લાગ્યા હતા. અકસ્માત સમયે બસમાં કુલ કેટલા મુસાફરો સવાર હતા તેની વિગતો તાત્કાલિક મળી શકી નહોતી.

Kaziranga Road Accident : મંત્રી અતુલ બોરા ઘટનાસ્થળે પહોંચ્યા

અકસ્માાતની ગંભીરતા જોતા આસામના પંચાયત અને ગ્રામીણ વિકાસ મંત્રી તથા સ્થાનિક ધારાસભ્ય અતુલ બોરા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે રાહત અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક કોહોરા મોડેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ગંભીર રીતે ઇજાગ્રસ્ત મુસાફરોને વધુ સારવાર માટે જોરહાટ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. બીજી તરફ, પોલીસ અને બચાવ ટીમો દ્વારા ઘટનાસ્થળે કામગીરી ચાલુ રાખવામાં આવી હતી.

વધુ ઝડપને કારણે અકસ્માત થયાની આશંકા

ગોલાઘાટના એસએસપી સ્વપ્નિલ ડેકાના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં મિનિબસની વધુ ઝડપ અકસ્માતનું કારણ હોવાનું અનુમાન છે. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનની આસપાસના વિસ્તારમાં ગતિ મર્યાદા લાગુ હોવા છતાં બસ ઝડપથી દોડી રહી હોવાની માહિતી સામે આવી છે.

પ્રાથમિક આશંકા મુજબ, વધુ ઝડપને કારણે બસના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને સામેથી આવી રહેલા કન્ટેનર ટ્રક સાથે ટક્કર થઈ હતી. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

મધ્યપ્રદેશના સાગરમાં પણ ગમખ્વાર અકસ્માત, 4નાં મોત

દરમિયાન મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં પણ માર્ગ અકસ્માત(Madhya Pradesh Accident)ની ગંભીર ઘટના સામે આવી છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ-44 પર દેવરી પોલીસ સ્ટેશન વિસ્તારના ગોપાલપુરા નજીક ઝડપી ટ્રક અને SUV વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં SUVમાં સવાર ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

મળતી માહિતી મુજબ, તમામ મુસાફરો ભૈંસા ગામના રહેવાસી હતા અને અમાસ નિમિત્તે નર્મદા નદીમાં સ્નાન કરવા માટે બર્મન જઈ રહ્યા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે SUVનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. વાહનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે SUVના ભાગોને કાપવાની ફરજ પડી હતી.


આ પણ વાંચો:અંબાજી-માઉન્ટ રોડ પર ગમખ્વાર અકસ્માત! પરિવારથી ભરેલી ટેમ્પો ટ્રાવેલર ખીણમાં ખાબકી

આ પણ વાંચો: ભાવનગર જતાં અમદાવાદના પરિવારને નડ્યો અકસ્માત: કાર પલટી જતાં 2નાં કરુણ મોત

આ પણ વાંચો: બલ્ગેરિયામાં ગાઢ ધુમ્મસના કારણે ભયાનક અકસ્માત, 86 વાહનો અથડાતાં 12નાં મોત, 46 ઘાયલ