આજના યુગમાં લોકો પ્રાર્થના કરતાં હોય તો એક જ પ્રાર્થના કરે છે કે હે ભગવાન મારે સરકારી કચેરીનું કોઈ કામ ન પડે. છતાં પણ રાજ્યમાં કઈ વ્યક્તિ એવી નહી હોય કે તેને સરકારી કચેરીનું કામ ન પડતું હોય. સરકારી કચેરીના કામનું નામ પડે તો ગરીબથી માંડીને તવંગર બધા તોબા-તોબા પોકારી જાય છે. સરકારી કચેરીનું કામ પડવું એટલે નોકરિયાતને સીધો નોકરીમાં દહાડો પડવો, રોજિંદી કમાણી પર જીવતા ગરીબને રોજ પડે, જ્યારે તવંગરને એક દિવસ કામકાજ વગર બગડે એટલે લાખોથી લઈને કરોડો ફટકો પડે. આમ છતાં પણ સરકારી કચેરી એવી બાબત છે જેના વગર જીવનમાં ચાલે તેમ નથી. જન્મના પ્રમાણપત્રથી લઈને મરણના પ્રમાણપત્ર સુધી તેની જરૂર પડે છે.
સરકારે આટલું બધુ ઓનલાઇન કર્યુ હોવા છતાં પણ તે હકીકત છે કે હજી પણ મોટા વર્ગને ઓનલાઇન કામ કરવાનું ફાવતું નથી. તે સરકારી કચેરીમાં ફિઝિકલ કામકાજ પર જ આધારિત છે. અહીંથી જ સૌથી મોટી તકલીફ શરૂ થાય છે. નોકરિયાતોથી લઈ રોજમદારથી કરોડપતિ સુધી બધાનો ઓફિસ ટાઇમ સવારના 10થી 6નો હોય છે અને સરકારી કચેરીનો સમય પણ આ જ હોય છે. આના કારણે તેઓએ સરકારી કચેરીના કામે જનારે પોતાનો અડધાથી આખો દહાડો નોકરીમાં પાડવો પડે છે, રોજમદારે તો તે જ દિવસની રોજી ગુમાવવી પડે છે. આ સમસ્યા વર્ષોથી છે અને આજે પણ છે.

આ સમયે વિસાવદરવાળી કરનારા આમ આદમી પાર્ટી(AAP)ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સરકારને સૂચન કર્યુ છે કે સમય બદલાવવાની સાથે-સાથે સરકારે પણ બદલાવવું જોઈએ. એકબાજુએ બધી સગવડો ઓનલાઇન થઈ રહી છે. સરકારી કચેરીઓની ભૂમિકા વધુને વધુ સક્રિય બની રહી છે. લોકોની આવક વધી છે તો સામે અનિશ્ચિતતા પણ વધી છે. આ સંજોગોમાં સરકારી કચેરીઓનો સમય હાલમાં છે તે ઓફિસ ટાઇમ 10થી 6 રાખવામાં આવે છે તેની સાથે-સાથે જો બપોરના બેથી રાતના નવ વાગ્યા સુધીનો સમય રાખવામાં આવે અને આવી વધુ એક શિફ્ટ શરૂ કરવામાં આવે તો છ વાગ્યા પછી છૂટનારા લોકો આવીને સરકારી કચેરીમાં તેમને જે કંઈપણ કામ હોય તે પૂરુ કરી શકે.
તેમણે જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતથી લઈને તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ઝોનલ ઓફિસો તથા વીજળી વિભાગની ઓફિસોમાં પણ સમયમાં ફેરફાર કરવાનું સૂચન કર્યુ છે.
ગોપાલ ઇટાલિયાએ ઉમેર્યુ હતું કે હાલમાં પોલીસ સ્ટેશન, એસટી, ફાયરબ્રિગેડ, સરકારી હોસ્પિટલો, સરકારી ટોલનાકા, 108 એમ્બ્યુલન્સ સર્વિસ ચોવીસ કલાક ધમધમતા હોય છે અથવા તો મોડી રાત સુધી ચાલુ હોય છે. હવે તેની જ સાથે-સાથે સરકારની લોકો સાથે સતત જોડાયેલી હોય તેવી બધી જ સેવાઓ મોડી રાત સુધી ચાલુ રહી શકે તો લોકોની મોટી સેવા થઈ કહેવાશે. પંચાયત કે મામલતદાર કચેરી જેવી લોકસેવા સાથે જોડાયેલી કચેરીઓને રાત્રે નવ વાગ્યા સુધી ચાલુ રાખવામાં કોઈ વાંધો આવવો જોઈએ નહીં. તેના કારણે લોકોને બિનજરૂરી રજાઓ લેવામાંથી મુક્તિ મળશે. આ ઉપરાંત મોડી રાત સુધી ચાલુ રહેતી કચેરીઓના કારણે તેની જોડેનું બજાર પણ ધમધમતુ રહેશે.
તેમનો દાવો છે કે સરકાર આ પ્રકારનો નિર્ણય લે તો ભ્રષ્ટાચારમાં પણ ઘટાડો થશે અને વચેટિયાઓની જરૂરિયાત સદંતર ઘટી જશે. લોકો તેમનું કામ જાતે કરતાં થતાં વચેટિયાઓની જરૂર જ નહીં પડે. તેમણે જણાવ્યું હતું કે શહેરી વિસ્તારોમાં લોકો સવારના 10થી સાત નોકરી કરતાં હોય છે, તેથી તે સાત વાગ્યા પછી છૂટીને તેમને સરકારી ઓફિસનું જે પણ કામ હોય તે પૂરુ કરી શકશે. તેમા પણ ખાસ કરીને ડ્રાઇવિંગ લાઇસન્સ લેવા જેવી કાર્યવાહી માટે રજા પાડવી નહી પડે. શહેરોમાં અને અર્ધશહેરી વિસ્તારોમાં આ નિયમના અમલીકરણના કારણે બીજા સરકારી કામોની સાથે-સાથે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે લાઇન લગાવનારાઓને મોટી રાહત થશે. રાજ્યના કુલ 34 જિલ્લાની સાથે 251 તાલુકા છે. આ બધાના રહેવાસીઓને આ નિર્ણયના લીધે રાહત થશે.

આટલું જ નહીં ગ્રામીણ વિસ્તારમાં પણ ખેડૂતો આખો દિવસ ખેતીનું કામ કરતાં હોય છે. તેમણે 7-12ના ઉતારા જેવા માટે આખો દિવસ બગાડીને શહેરમાં આવવું પડે છે. હવે જો રાત્રિ કચેરીનું નવુ જ મોડેલ અમલમાં આવે તો પ્રજાને ખરા અર્થમાં સુશાસન મળશે. આજે રાત્રિના સમયે બાર વાગ્યા સુધી ખાણીપીણીથી લઈને કપડાના દુકાનો સુદ્ધા ખુલ્લા રહેવા સામાન્ય બાબત બની ગઈ છે. હવે આ બધું જ ખુલ્લુ રહેતું હોય તો પછી સરકારી કચેરીઓ કેમ પાછળ રહે. તેણે પણ સમય સાથે તાલ મિલાવવા જરૂરી છે. દેશ 5Gના યુગમાં આગળ વધી રહ્યો છે ત્યારે સરકારી કચેરીઓ 2Gની માનસિકતાથી કામ કરે તે નહીં ચાલે. તેણે પણ સમય સાથે તાલ મિલાવવા પડશે, નહીં તો નોકિયા ફોનના જે હાલ થયા હતા તેવા હાલ થયા વગર નહીં રહે. બધું જ ઓનલાઇન થઈ રહ્યુ છે અને પેપરલેસ થઈ રહ્યુ છે તથા મિનિમમ ગવર્નમેન્ટ અને મેક્સિમમ ગવર્નન્સના સૂત્રનો અમલ થઈ રહ્યો તો સરકારી કચેરી પણ આ જ દિશામાં આગળ ધપે તે જોવું જરૂરી છે. સરકારે આ દિશામાં કાર્યવાહી શરૂ કરવા આગળ વધવું જોઈએ. સરકારનું આ એક પગલું લોકોની સુખાકારીમાં અનેકગણો વધારો કરી શકે છે. પ્રજાના દિવસોની બચત કરી શકે છે. રોજમદારોને પડતી તકલીફોમાં ઘટાડો થઈ શકે છે. જનશાસન ખરેખર એક સુશાસનની કલ્પનામાં પરિવર્તીત થઈ શકે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 20 લાખથી પણ વધુ નામ મતદાર યાદીમાંથી દૂર થશે
આ પણ વાંચો: લે ભાઈ લેતો જા, ઠગાઈની ફરિયાદ સામે અલ્પેશ ઢોલરિયાનો 10 કરોડનો બદનક્ષીનો દાવો
