Business News/ મધ્ય પૂર્વ યુદ્ધના કારણે વૈશ્વિક તેલ સંકટ, 27 દેશોએ વર્લ્ડ બેંક પાસે માગી કરોડોની ઇમરજન્સી મદદ

મધ્ય પૂર્વના યુદ્ધ અને તેલ બજારની અસ્થિરતા વચ્ચે વિશ્વના 27 દેશોએ વિશ્વ બેંક (World Bank) પાસે કટોકટી ભંડોળની માંગ કરી છે. કેન્યા-ઇરાકની સ્થિતિ અને પ્રમુખ અજય બંગાના આયોજન અંગેનો સંપૂર્ણ અહેવાલ વાંચો.

Top Stories Business
World Bank

World Bank Crisis Fund:  મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં વધતા જતા સૈન્ય સંઘર્ષ અને આંતરરાષ્ટ્રીય તેલ બજારોમાં મચેલી ભારે ઉથલપાથલ વચ્ચે વૈશ્વિક સ્તરે મોટું આર્થિક સંકટ ઊભું થયું છે. વિશ્વ બેંક (World Bank) ના એક આંતરિક અહેવાલ મુજબ, ઈરાનમાં યુદ્ધની સ્થિતિ ફાટી નીકળ્યા બાદ દુનિયાભરના 27 દેશોએ આર્થિક પતનથી બચવા માટે તાત્કાલિક કટોકટી ભંડોળ (એમરજન્સી ફંડ) ની વિનંતી કરી છે. ઇંધણના વધતા ભાવ અને ખાતરના વૈશ્વિક સંકટને કારણે ખાસ કરીને વિકાસશીલ દેશો પર આર્થિક દબાણ અસહ્ય બની ગયું છે.

27 દેશોએ કટોકટી ભંડોળ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી

વિશ્વ બેંકના(World Bank) રિપોર્ટ અનુસાર, આ 27 રાષ્ટ્રોએ એવી ખાસ સિસ્ટમ અને પદ્ધતિઓ અમલમાં મૂકવાનું શરૂ કર્યું છે, જેનાથી જરૂર પડ્યે તેમને વર્લ્ડ બેંક પાસેથી ખૂબ જ ઝડપથી ફંડ મળી શકે. રોઇટર્સ ન્યૂઝ એજન્સી દ્વારા મેળવવામાં આવેલા આંતરિક દસ્તાવેજો દર્શાવે છે કે સુરક્ષા અને ગોપનીયતાના કારણોસર આ દેશોના નામ તેમજ તેમણે માંગેલી ચોક્કસ રકમ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી. વિશ્વ બેંકે પણ આ સંવેદનશીલ મામલે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.

તેલ અને ગેસના ભાવ વધારાથી વૈશ્વિક સપ્લાય ચેઈન ઠપ્પ

અહેવાલો સૂચવે છે કે 28 ફેબ્રુઆરીએ મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ વણસી ત્યારથી અત્યાર સુધીમાં 3 દેશોએ નવી કટોકટી સહાય પદ્ધતિ હેઠળ ફંડ મેળવવા માટેની મંજૂરી મેળવી લીધી છે, જ્યારે બાકીના દેશો હાલમાં કાગળની જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરી રહ્યા છે. તેલ અને ગેસના આસમાને પહોંચેલા ભાવોને કારણે વૈશ્વિક પુરવઠા શૃંખલા (સપ્લાય ચેઈન) ને ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત ઉર્જા બજારોમાં અસ્થિરતાને કારણે ખાતરનો વૈશ્વિક (World Bank)  પુરવઠો રોકાઈ ગયો છે, જેની સીધી નકારાત્મક અસર વિશ્વના કૃષિ ઉત્પાદન અને અનાજ સુરક્ષા પર પડી રહી છે.

કેન્યા અને ઇરાકે ઝડપી નાણાકીય સહાયની કરી પુષ્ટિ

આ સંકટ વચ્ચે કેન્યા અને ઇરાકે સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે તેમણે વિશ્વ બેંક(World Bank) પાસે તાત્કાલિક નાણાકીય રાહત પેકેજની માંગ કરી છે.

કેન્યા: આ આફ્રિકાના દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઐતિહાસિક સ્તરે મોંઘા થઈ ચૂક્યા છે, જેનાથી સ્થાનિક અર્થતંત્ર ભાંગી પડ્યું છે.

ઇરાક: બીજી તરફ તેલ ઉત્પાદક દેશ હોવા છતાં, ઇરાક યુદ્ધના કારણે તેની તેલની નિકાસ અને આવકમાં થયેલા ભારે ઘટાડાનો સામનો કરી રહ્યું છે.

માહિતી મુજબ, આ 27 રાષ્ટ્રો પૂર્વ-સ્થાપિત કટોકટી ભંડોળ પદ્ધતિનો લાભ મેળવવા માટે પાત્ર 101 દેશોની યાદીમાં સામેલ છે. જેમાંથી 54 દેશો “રેપિડ રિસ્પોન્સ” (Rapid Response) સુવિધાના સભ્યો છે. આ સુવિધા હેઠળ, કોઈપણ સભ્ય દેશ પોતાના અગાઉ મંજૂર થયેલા પરંતુ ઉપયોગમાં ન લેવાયેલા ફંડમાંથી 10 ટકા સુધીની રકમ તાત્કાલિક ઉપાડી શકે છે.

શું કહે છે વર્લ્ડ બેંકના પ્રમુખ અજય બંગા?

વિશ્વ બેંકના(World Bank) પ્રમુખ અજય બંગાએ તાજેતરમાં જણાવ્યું હતું કે વૈશ્વિક અર્થતંત્રને સ્થિર રાખવા માટે સંસ્થા કોઈપણ વિલંબ વિના $20 બિલિયનથી $25 બિલિયન સુધીની તાત્કાલિક નાણાકીય સહાય પૂરી પાડવા સંપૂર્ણ તૈયાર છે. તેમણે ઉમેર્યું કે હાલના પ્રોજેક્ટ્સમાંથી બાકી બચેલા ભંડોળને અન્ય યોજનાઓ સાથે જોડીને આ સહાયને આગામી 6 મહિનામાં $60 બિલિયન અને ભવિષ્યમાં સંભવિત રીતે $100 બિલિયન સુધી વધારી શકાય છે.

12 દેશો IMF ને બદલે World Bank તરફ કેમ વળ્યા?

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) ના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ નોંધ્યું હતું કે લગભગ 12 દેશો આગામી દિવસોમાં IMF પાસે પણ મદદ માંગી શકે છે. જો કે, આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે મોટાભાગના દેશો IMF કરતાં વિશ્વ બેંક(World Bank) પાસેથી લોન લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. તેનું મુખ્ય કારણ એ છે કે IMF આર્થિક મદદ આપતી વખતે દેશો પર ‘સરકારી ખર્ચમાં કાપ’ જેવી અત્યંત કડક અને આકરી શરતો લાદે છે, જે પહેલાથી જ પરેશાન દેશોમાં સામાજિક અને આર્થિક અરાજકતા વધુ ઉગ્ર બનાવી શકે છે.


આ પણ વાંચો : ઓફિસ જવા માટે બેસ્ટ છે આ 4 ઈલેક્ટ્રિક કાર, ઓછી કિંમતમાં મળશે લાંબી રેન્જ

આ પણ વાંચો :ડોલર સામે રૂપિયામાં જોરદાર સુધારો, સર્વકાલીન નીચલા સ્તરથી 41 પૈસા મજબૂત

આ પણ વાંચો :SBI બેંક આવતીકાલથી સતત 6 દિવસ બંધ રહી શકે છે, જાણી લો હડતાળ અને રજાઓનું લિસ્ટ