Business 2026: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના ગ્રાહકો માટે અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે. જો તમારે બેંક શાખા સંબંધિત કોઈ પણ જરૂરી કામ હોય, તો તે આજે જ (22 મે, શુક્રવાર) પતાવી લેવું હિતાવહ છે. આવતીકાલથી એટલે કે 23 મે થી લઈને 28 મે 2026 સુધી દેશભરમાં SBI ની શાખાઓ સતત 6 દિવસ સુધી બંધ રહી શકે છે. આ લાંબી રજાઓ પાછળ વીકએન્ડ, કર્મચારીઓની પ્રસ્તાવિત બે દિવસની રાષ્ટ્રીય હડતાળ અને બકરી ઈદની રજાઓ મુખ્ય કારણ છે.
જાણો શા માટે 23 થી 28 મે દરમિયાન બંધ રહેશે SBI બેંક:
બેંકોમાં સતત 6 દિવસ સુધી કામકાજ પ્રભાવિત થવાના અલગ-અલગ કારણો નીચે મુજબ છે:
વીકએન્ડની રજાઓ (23 અને 24 મે): 23 મે ના રોજ મહિનાનો ચોથો શનિવાર છે અને 24 મે ના રોજ રવિવાર હોવાથી નિયમ મુજબ દેશની તમામ બેંકોમાં સત્તાવાર રજા રહેશે.
SBI સ્ટાફની બે દિવસની હડતાળ (25 અને 26 મે): ઓલ ઈન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સ્ટાફ ફેડરેશને પોતાની વિવિધ માંગણીઓને લઈને સોમવાર અને મંગળવારે દેશવ્યાપી હડતાળનું એલાન આપ્યું છે, જેના કારણે બ્રાન્ચનું કામકાજ ઠપ થઈ શકે છે.
બકરી ઈદની રજા (27 અને 28 મે): ભારતના અલગ-અલગ રાજ્યોમાં બકરી ઈદ (ઈદ-ઉલ-અઝહા) નો તહેવાર અલગ-અલગ દિવસે ઉજવાશે. આરબીઆઈ (RBI) ની ગાઈડલાઈન મુજબ દેશના મોટાભાગના વિસ્તારોમાં 27 મે ના રોજ રજા રહેશે, જ્યારે કેટલાક ભાગોમાં 28 મે ના રોજ બેંકો બંધ રહેશે. જમ્મુ-કાશ્મીરમાં 27 અને 28 મે બંને દિવસ રજા રહેશે.
ગ્રાહકો પર આ હડતાળની શું અસર થશે?
આ હડતાળ ‘વર્કમેન કેટેગરી’ એટલે કે ક્લાર્ક અને અન્ય સપોર્ટ સ્ટાફ દ્વારા પાડવામાં આવી રહી હોવાથી બેંક શાખાઓમાં ચેક ક્લિયરિંગ, કેશ કાઉન્ટર પર રોકડની લેવડ-દેવડ, ડિપોઝિટ અને પાસબુક અપડેટ જેવા નિયમિત કાર્યો સંપૂર્ણપણે અટકી શકે છે. જોકે, પ્રવાસીઓ અને ગ્રાહકો માટે ડિજિટલ બેંકિંગ, નેટ બેંકિંગ અને એટીએમ (ATM) સેવાઓ ચાલુ રહેશે.
શા માટે SBI કર્મચારીઓ હડતાળ પર છે?:
ઓલ ઈન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સ્ટાફ ફેડરેશન (AISBISF) એ કર્મચારીઓના અધિકારો, સુવિધાઓ અને ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખીને નીચે મુજબની 16 માંગણીઓ રજૂ કરી છે:
મેસેન્જર્સની નવી ભરતી: બેંકમાં વર્ગ-4 (મેસેન્જર્સ) ની ખાલી જગ્યાઓ પર તાત્કાલિક કાયમી ભરતી કરવામાં આવે.
સશસ્ત્ર ગાર્ડ્સની ભરતી: શાખાઓની (SBI)સુરક્ષા માટે પર્યાપ્ત આર્મ્ડ ગાર્ડ્સની નિમણૂક થાય.
NPS માં વિકલ્પની સુવિધા: નેશનલ પેન્શન સિસ્ટમના કર્મચારીઓને પોતાનો ‘પેન્શન ફંડ મેનેજર’ પસંદ કરવાની સ્વતંત્રતા મળે.
ઇન્ટર સર્કલ ટ્રાન્સફર (ICT): 2019 પછી ભરતી થયેલા સ્ટાફને બીજા સર્કલમાં બદલી (ટ્રાન્સફર) ની તક આપવામાં આવે.
આઉટસોર્સિંગ પર રોક: કાયમી સ્વરૂપના કામોને ત્રીજી સક્ષમ બાહ્ય એજન્સીઓને (આઉટસોર્સિંગ પર) આપવાનું બંધ થાય.
પર્યાપ્ત સ્ટાફની નિમણૂક: કામના વધતા બોજને પહોંચી વળવા માટે તમામ શાખાઓમાં પૂરતો સ્ટાફ આપવામાં આવે.
વેતન સમાનતા નો મુદ્દો: SBI બેંક કર્મચારીઓ વચ્ચે વેતન અને અન્ય ભથ્થાંઓમાં રહેલી અસમાનતાઓ દૂર થાય.
કરિયર પ્રોગ્રેશન સ્કીમની સમીક્ષા: કર્મચારીઓના પ્રમોશન અને કરિયર ગ્રોથ સાથે સંબંધિત નીતિઓમાં સુધારો કરવામાં આવે.
નિવૃત્ત કર્મચારીઓને લાભ: 10મા દ્વિપક્ષીય કરાર હેઠળ નિવૃત્ત થયેલા કર્મચારીઓને ‘8મા સ્ટેગ્નેશન ઇન્ક્રીમેન્ટ’ નો લાભ મળે.
કન્સલ્ટેશન ચાર્જ: 15 જુલાઈ 2024 થી લાગુ થયેલા ફિઝિશિયન કન્સલ્ટેશન ચાર્જિસની સમીક્ષા અને સુધારો.
મેડિકલ સ્કીમમાં સુધારો: કર્મચારીઓ માટેની મેડિકલ રિઇમ્બર્સમેન્ટ સ્કીમને વધુ સરળ અને ફાયદાકારક બનાવાય.
પેન્શનમાં તમામ ભથ્થાં ઉમેરવા: 7મા દ્વિપક્ષીય કરાર હેઠળ રિટાયર્ડ થયેલા કર્મચારીઓની પેન્શન ગણતરીમાં પગારના તમામ ઘટકો ઉમેરાય.
HRMS સમસ્યાઓનું નિરાકરણ: બેંકના ઇન્ટરનલ HR સોફ્ટવેર (HRMS) માં આવતી ટેકનિકલ ખામીઓ કાયમી ધોરણે ઠીક થાય.
કર્મચારી નિર્દેશકની નિમણૂક: બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં વર્કમેન કેટેગરીમાંથી એક ડિરેક્ટર નિયુક્ત કરવાની જૂની પરંપરા પાછી શરૂ કરાય.
PF ટ્રસ્ટીનું નામાંકન: પ્રોવિડન્ટ ફંડ (PF) ટ્રસ્ટમાં કર્મચારીઓના સત્તાવાર પ્રતિનિધિની નિમણૂક કરવામાં આવે.
મિસ-સેલિંગ પર અંકુશ: ‘ક્રોસ-સેલિંગ’ ના ટાર્ગેટ પૂરા કરવા માટે કર્મચારીઓ પર દબાણ લાવીને ગ્રાહકોને વીમો કે મ્યુચ્યુઅલ ફંડ જેવી ખોટી પ્રોડક્ટ્સ વેચવાનું (મિસ-સેલિંગ) તત્કાલ બંધ થાય.
