One Nation One election: ગુજરાતમાં આગામી વિધાનસભાનો કાર્યકાળ પાંચ વર્ષનો નહીં, પરંતુ તેના કરતાં પણ વધુ સાત વર્ષનો રહે તો આશ્ચર્ય પામવા જેવું નથી. કોઈને પણ થાય કે એવું તે શું થશે કે ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ અચાનક આટલો લંબાઈ જશે. અત્યાર સુધી તો ક્યારેય આવું થયું નથી. કોઈ મોટો બંધારણીય ફેરફાર આવી રહ્યો છે. જો આવું વિચારતા હશો તો વાત મહદ અંશે સાચી પણ છે. દેશમાં વન નેશન, વન ઇલેકશન (One Nation One Election) 2029માં અમલી બનશે તો તેના કારણે 2034માં લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી એકસાથે થશે. તેથી 2027માં અસ્તિત્વમાં આવનારી ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 2032માં પૂરો નહીં થાય, પરંતુ 2034માં પૂરો થશે.

One Nation, One Election- વન નેશન, વન ઇલેકશન
તાજેતરમાં જ જોઇન્ટ પાર્લામેન્ટરી કમિટી (જેપીસી)ના સભ્યો ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવ્યા હતા. તેના પગલે એક દેશ, એક ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેપીસીના વડા પી પી ચૌધરીએ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી 2027માં યોજાશે. તેના પછી 2029ની લોકસભા ચૂંટણી બાદ વન નેશન વન ઇલેકશન લાગુ થાય તેવી પ્રબળ સંભાવના છે. હવે જો 2029માં વન નેશન, વન ઇલેકશન લાગુ થયું તો 2032માં ચૂંટણી નહી થાય, પરંતુ 2034માં એક દેશ એક ચૂંટણી હેઠળ લોકસભાની ચૂંટણી સાથે થશે.

આગામી વર્ષે સાત રાજ્યોની વિધાનસભા ચૂંટણી
અહીં તે વાત નોંધનીય છે કે દેશમાં ગુજરાત સહિત સાત રાજ્યોની વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે. તેના પગલે ફક્ત ગુજરાત જ નહીં બીજા રાજ્યોની ચૂંટણીનો સમય પણ બદલી શકે છે. ગુજરાત ઉપરાંત ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, ગોવા અને મણિપુરનો સમાવેશ થાય છે. આ વિશે માહિતી આપતા જેપીસીના ચેરમેન પી.પી. ચૌધરીએ જણાવ્યું હતું કે જેપીસી વન નેશન વન ઇલેકશન હેઠળ વિવિધ રાજ્યોનો પ્રવાસ ખેડી રહી છે. જેપીસીએ પ્રવાસ ખેડ્યો હોય તેવું ગુજરાત સાતમું રાજ્ય છે. અમે અહીં સામાન્ય નાગરિકોના વિચાર જાણ્યા છે. ગુજરાત સરકારના મંત્રીઓ અને અધિકારીઓ સાથે ચર્ચા કરી છે. એક દેશ એક ચૂંટણી પીએમ મોદીની દીર્ઘ દ્રષ્ટિ છે. દેશનો જે રિપોર્ટ આવ્યો, તેમાં સાત લાખ કરોડનું નુકસાન થતું હોવાનું સામે આવ્યું છે. તેથી દેશમાં એક સાથે ચૂંટણી થવી જોઈએ.

2029થી વન નેશન, વન ઇલેકશન અમલી બની શકેઃ જેપીસી
ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણી અંગે જેપીસીના વડાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે અમે એક દેશ એક ચૂંટણીના સુધારા માટે રાજ્યોમાં જઈને લોકોને સાંભળી રહ્યા છે. વન નેશન, વન ઇલેકશન એટલે કે એક દેશ, એક ચૂંટણી મોટો ફેરફાર છે. તેના બંધારણીય અને કાયદાકીય પાસાને લઈને ભૂતપૂર્વ ન્યાયાધીશો સાથે પણ તેની ચર્ચા કરવામાં આવી છે. તેમણે દરેક સુધારા જરૂરી છે તેનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે મતપત્રક હતા, પહેલા ઇવીએમ ન હતા, આજે ઇવીએમ છે. તેના કારણે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા વધી છે. ગુજરાતમાં 2027ની ચૂંટણી પછીની રાજ્ય સરકારની મુદત પાંચ વર્ષની હશે. 2027 પછી વન નેશન, વન ઇલેકશન લાગુ થશે. તેના કારણે ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2034માં થશે. બાકીની સ્થિતિ માટે કેન્દ્ર સરકાર નિર્ણય કરશે.
તેમણે જણાવ્યું હતું કે વન નેશન, વન ઇલેકશન લાગુ થતાં ગુજરાત વિધાનસભા ચૂંટણી 2034માં કરાવવા માટેના નિયમો પણ બનાવવામાં આવશે. ફક્ત ગુજરાતની જ નહી બાકીની રાજ્યોની લંબાયેલી વિધાસનસભા ચૂંટણી પણ 2034માં યોજાશે. કોઈપણ રાજ્યની વિધાનસભાનો સમયગાળો પૂરો થાય તો તેનો સમયગાળો બે વર્ષ વધારી શકાય છે. તેથી 2034માં બધા જ રાજ્યોની વિધાનસભાની અને લોકસભાની ચૂંટણી એકસાથે યોજાશે.
આ પણ વાંચો: વન નેશન, વન ઇલેકશન મામલે પીએમ મોદીને આ સુપરસ્ટારનું મળ્યું સમર્થન
આ પણ વાંચો: મંતવ્ય ન્યૂઝ અને ગુજરાતની પ્રજાનું સિલેક્શન, વન નેશન, વન ઈલેક્શન
આ પણ વાંચો: વન નેશન વન ઇલેકેશન કોને થશે ફાયદો,જાણો સર્વેના આંકડા ચોંકાવી દેશે!
