Ahmedabad News/ અમદાવાદમાં RBI કરન્સી ચેસ્ટમાંથી કરોડોની ચોરી, બેંક કર્મચારી ઝડપાયો

અમદાવાદ (Ahmedabad)શહેરમાં RBIની સત્તાવાર કરન્સી ચેસ્ટમાંથી કરોડોની ચોરી (Theft)ના સનસનીખેજ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે

Gujarat Ahmedabad
અમદાવાદ (Ahmedabad)શહેરમાં RBIની સત્તાવાર કરન્સી ચેસ્ટમાંથી કરોડોની ચોરી (Theft)ના સનસનીખેજ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે

Ahmedabad News : અમદાવાદ (Ahmedabad)શહેરમાં RBIની સત્તાવાર કરન્સી ચેસ્ટમાંથી કરોડોની ચોરી (Theft)ના સનસનીખેજ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. કાલુપુર સ્થિત ગાંધી રોડ પર આવેલી બેંક ઓફ બરોડાની શાખામાંથી અંદાજે ₹8.77 કરોડ રૂપિયા ગાયબ થવાના મામલે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB Zone-3)એ મુખ્ય આરોપી હરસિદ્ધ અર્જુનભાઈ કડિયાણાની ધરપકડ કરી છે. પોલીસે તેની પાસેથી ₹2.2 કરોડની રોકડ પણ કબ્જે કરી છે.

15 વર્ષથી બેંકમાં ફરજ બજાવતો હતો આરોપી

પકડાયેલો હરસિદ્ધ કડિયાણા (ઉંમર 42) ચાંદખેડા વિસ્તારમાં રહે છે અને છેલ્લા 15 વર્ષથી બેંક ઓફ બરોડામાં કર્મચારી તરીકે ફરજ બજાવતો હતો. તે જોઈન્ટ કસ્ટોડિયન તરીકે RBI કરન્સી ચેસ્ટની જવાબદારી સંભાળતો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી કેશ બોક્સમાંથી ₹500ની નોટોના બંડલ કાઢીને તેની જગ્યાએ કાગળના થોથાં ગોઠવી દેતો હતો, જેથી કોઈને શંકા ન જાય. સાથે સાથે RBIના સત્તાવાર ‘eKuber’ પોર્ટલ પર ખોટી માહિતી અને નકલી ચેસ્ટ બેલેન્સ સર્ટિફિકેટ અપલોડ કરીને ઓડિટ ટીમને ગેરમાર્ગે દોરતો હતો.

જાન્યુઆરીથી મે સુધી ચાલતું રહ્યું કૌભાંડ

પોલીસ અનુસાર, 6 જાન્યુઆરીથી 13 મે દરમિયાન આરોપીએ સતત ખોટી એન્ટ્રીઓ કરીને કરોડોની રકમની હેરાફેરી કરી હતી. બેંકના હિસાબોમાં વિસંગતતા સામે આવતા આખરે 15 મેના રોજ કાલુપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023 હેઠળ ગુનો નોંધાયો હતો.

પાર્ક કરેલી કારમાંથી મળી ₹2.2 કરોડની રોકડ

LCBની પૂછપરછ દરમિયાન આરોપીએ ચોરી (Theft)નાં છુપાવેલા નાણાં અંગે માહિતી આપી હતી. ત્યારબાદ પોલીસે સોલા વિસ્તારના એવરેસ્ટ એન્ક્લેવના બેઝમેન્ટ પાર્કિંગમાં દરોડો પાડ્યો હતો. ત્યાં પાર્ક કરેલી અર્ટિગા કારમાંથી ₹2.2 કરોડની રોકડ મળી આવી હતી.

પોલીસે કુલ ₹2.26 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં રોકડ, કાર અને મોબાઇલ ફોનનો સમાવેશ થાય છે.

મજૂરોની મદદથી બેંકમાંથી બહાર કાઢાતા હતા બોક્સ

તપાસમાં ખુલ્યું છે કે આરોપીએ આ આખું કૌભાંડ એકલા હાથે નહોતું કર્યું. બેંકમાં લોડિંગ-અનલોડિંગનું કામ કરતા ઝુલ્ફીકાર અંસારી અને સુલતાન અંસારી નામના બે સાગરીતો પણ તેમાં સામેલ હતા.

આરોપીઓ કેશ બોક્સમાં કાગળ ભરી રૂપિયા ભરેલા બોક્સ ટ્રોલીમાં મૂકીને બેંકની બહાર લઈ જતા હતા. બાદમાં તે સીધા આરોપીના ઘરે પહોંચાડવામાં આવતા હતા. પોલીસ મુજબ ચોરીની રકમમાંથી હરસિદ્ધે પોતાની પાસે ₹7થી ₹8 કરોડ રાખ્યા હતા, જ્યારે સાગરીતોને અંદાજે ₹1 કરોડની રકમ આપવામાં આવી હતી.

કરોડોની ચોરીથી ખરીદ્યો આલિશાન બંગલો

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ ચાંદખેડામાં ₹2 કરોડથી વધુ કિંમતનો આલિશાન બંગલો ખરીદ્યો હતો. ઉપરાંત ₹1.40 કરોડની દુકાન, એક ‘છોટા હાથી’ વાહન અને ક્રિપ્ટોકરન્સીમાં પણ રોકાણ કર્યું હોવાનું બહાર આવ્યું છે.

આ ઉપરાંત તેની સાથે કામ કરતી વૈશાલી નામની મહિલાને મકાન ખરીદવા માટે ₹28 લાખ રૂપિયા ઉધાર આપ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

પત્ની પોલીસમાં હેડ કોન્સ્ટેબલ

હરસિદ્ધ કડિયાણાની પત્ની રેલવે પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ફરિયાદ નોંધાયા બાદ આરોપી પરિવાર સાથે મનાલી ફરવા ગયો હતો. પરંતુ કેસ અંગે જાણ થતા તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસ બાકીના આરોપીઓને પકડવા અને બાકીની રકમ રિકવર કરવા માટે તપાસ તેજ કરી રહી છે.


આ પણ વાંચો : કચ્છ-સૌરાષ્ટ્રમાં છેલ્લા દોઢ વર્ષમાં 254 કરોડથી વધુની વીજચોરી પકડાઈ, PGVCL હવે ડ્રોનથી પાવર ચોરી પકડશ

આ પણ વાંચો : સુરતના સચિનમાં થયેલ બેન્કમાં લૂંટની ઘટનાનો ભેદ ઉકેલાયો, ઉત્તર પ્રદેશથી ચાર આરોપી ઝડપાયા

આ પણ વાંચો : કેનાલ રોડ પર આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં ગઠિયાઓ દ્વારા રૂ.1.83 લાખની ચોરી કરાઇ