Gujarat News : સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા દોઢ વર્ષમાં PGVCL દ્વારા અધધ 2.54 અબજ (254 કરોડ)થી વધુની વીજચોરી પકડી પાડવામાં આવી છે, જેમાં અંજારમાં સૌથી વધુ વીજચોરી થતી હોવાનું સામે આવ્યું છે. હવે દરેક જગ્યાએ ડ્રોનથી વીજચોરી પકડવાનું ફુલપ્રૂફ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વીજમીટરના GPS મેપિંગથી વીજળીની ચોરી પકડી પાડવાનું પણ આયોજન છે. પાવર ચોરી અટકાવવા પીજીવીસીએલ દ્વારા પણ નવું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે. આ માટે હવે સમગ્ર પ્રદેશના 59 લાખ વીજ ગ્રાહકોના મીટરનું GPS મેપિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેની 90 ટકા કામગીરી પૂરી થઈ જતાં હવે કોઈપણ ગ્રાહક પાવર ચોરી કરશે તો તેની સીધી માહિતી વડી કચેરીને મળી જાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે.
રાજકોટ PGVCL દ્વારા રાજકોટ શહેર અને ગ્રામ્ય મળી 12 સર્કલમાં વીજચોરીના આંકડા જાહેર થયા છે, જેમાં છેલ્લા દોઢ વર્ષના 254 કરોડથી વધુની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે, જેમાં એપ્રિલ 2023થી માર્ચ 2024 સુધીમાં 5,07,632 વીજમીટરની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં 81,999 વીજમીટરમાં ચોરી થતી હોવાનું સામે આવતા રૂ. 25382.11 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે એપ્રિલ 2024થી ઓગસ્ટ 2024 સુધીમાં 1,13,396 વીજમીટર ચેક કરવામાં આવ્યાં હતાં, જેમાંથી 13,636 વીજમીટરમાં ચોરી થતી હોવાનું સામે આવતાં રૂ. 6727.46 લાખનો દંડ ફટકારી આકરી કાર્યવાહી કરવામાં આવી હતી.સૌરાષ્ટ્ર-કચ્છમાં પાવરલોસ ઘટાડવા માટે તાજેતરમાં કોર્પોરેટ કચેરી ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી, જેમાં PGVCL દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરી આગામી દિવસોમાં ચેકિંગ ટીમોને દરોડા અને વીજચોરીનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ખાસ કરી હાઈલોસવાળા વિસ્તારો, ગામો, કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારોની અલગ યાદી તૈયાર કરવામાં આવી છે. વીજ કંપની દ્વારા કયા ફીડરમાં કેટલો લોસ અને લોડ છે તેવા ફીડરોની માહિતી એકત્ર કરવામાં આવી છે, જેથી આ પ્રકારના ફીડરમાં લોસ ઘટાડવા માટે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી શું કરી શકાય એના પર ચર્ચા કરવામાં આવી હતી. વીજ કંપની દ્વારા વીજચોરી પકડવા માટે ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે એવું જાણવા મળ્યું છે.ઉલ્લેખનીય છે કે PGVCL દ્વારા અગાઉ કચ્છમાં પ્રોજેક્ટ સ્વરૂપે વીજચોરી પકડી પાડવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દરમિયાન હવે વધતી જતી વીજચોરી પકડી પાડવા માટે રાજકોટ શહેર, ગ્રામ્ય સહિત સૌરાષ્ટ્રમા ડ્રોનની મદદથી વીજચોરી ઝડપી લેવાની તજવીજ હાથ ધરવામા આવશે. આ ઉપરાંત જ્યાં સૌથી વધુ વીજ વપરાશ થતો હશે ત્યાં ખાસ વીજ ચેકિંગ કરવામા આવશે.
એપ્રિલ 2023થી માર્ચ 2024 સુધીનું વીજ ચેકિંગ
સર્કલનું નામ વીજ જોડાણ ચકાસણીની સંખ્યા વીજચોરીની સંખ્યા દંડની રકમ (લાખમાં)
રાજકોટ શહેર 68458 7745 1690.46
રાજકોટ ગ્રામ્ય 59570 8375 2361.87
મોરબી 41376 5814 1588.59
પોરબંદર 44477 6270 816.07
જામનગર 35794 8772 3213.55
ભુજ 39822 3098 1355.74
અંજાર 21286 3707 3548.91
જૂનાગઢ 47350 6997 1472.5
અમરેલી 34984 6686 1500.59
બોટાદ 30054 6134 1478.51
ભાવનગર 37096 9489 2991.61
સુરેન્દ્રનગર 47365 8912 3363.72
કુલ 507632 81999 25382.11
એપ્રિલ 2024થી ઓગસ્ટ 2024 સુધીનું વીજ ચેકિંગ
સર્કલનું નામ વીજ જોડાણ ચકાસણીની સંખ્યા વીજચોરીની સંખ્યા દંડની રકમ (લાખમાં)
રાજકોટ શહેર 20062 1628 465.09
રાજકોટ ગ્રામ્ય 13984 1203 865.53
મોરબી 8212 762 878.46
પોરબંદર 9191 1068 221.11
જામનગર 9356 1248 718.56
ભુજ 5084 456 429.5
અંજાર 6519 884 972.54
જૂનાગઢ 6467 797 248.65
અમરેલી 7163 1086 359.72
બોટાદ 6734 1130 294.36
ભાવનગર 9552 1882 753.18
સુરેન્દ્રનગર 11072 1492 520.75
કુલ 113396 13636 6727.46
PGVCL “કાશી” મોડેલ અપનાવીને હવે અપગ્રેડ થઇ રહ્યું છે
PGVCL “કાશી” મોડેલ અપનાવીને હવે અપગ્રેડ થઇ રહ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રાઇવેટ પ્રોજેક્ટના ભાગરૂપે હવે રાજકોટ અને ગાંધીનગરમાં અંડરગ્રાઉન્ડ વીજ નેટવર્ક ઊભું કરવામાં આવશે. જો આ પ્રોજેક્ટ સફળ થશે તો આવનારા સમયમાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં અંડરગ્રાઉન્ડ નેટવર્ક ઊભું કરવાનું આયોજન છે. જો આમ થશે તો વીજચોરી અને લાઇટ જવાની સમસ્યા ભૂતકાળ બનશે અને વીજધારકોની વીજ સંબંધિત સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.પીજીવીસીએલ હવે પાયલોટ પ્રોજેક્ટ સ્વરૂપે કાશી મોડેલની માફક અંડરગ્રાઉન્ડ કેબલ નેટવર્ક ઊભું કરવા જઈ રહ્યુ છે. અંડરગ્રાઉન્ડ કેબલ નેટવર્ક ઊભું કરવાના આ પ્રોજેક્ટમાં પ્રાથમિક તબક્કે રાજકોટ શહેર અને ગાંધીધામની પસંદગી કરવામાં આવી છે, જેમાં રાજકોટના 2 રાજમાર્ગ સહિત 8 વિસ્તારમાં રૂ.1,223 કરોડના ખર્ચે 1,000 કિલોમીટરનું તો ગાંધીધામમાં રૂ.300 કરોડનાં ખર્ચે 400 કિલોમીટરમાં અંડરગ્રાઉન્ડ વીજ નેટવર્ક ઊભું કરવાનુ કામ ડિસેમ્બર 2024 સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે.
જેનાથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સામે આવતી સૌથી વધુ વીજચોરીની ઘટનાઓ પર રોક લાગી જશે તેમજ ભારે પવન સાથે વરસાદ કે વાવાઝોડા સમયે વીજળી ડૂલ થઈ થવાની સમસ્યા નહિવત્ બની જશે.વીજપોલ ધરાશાયી થવાની તેમજ ટીસી બંધ થવાની ઘટનાઓ જ નહીં બનતાં PGVCLની કામગીરી પણ ઘટી જશે અને મેઇન્ટેનન્સ પાછળ થતા ખર્ચનો પણ બચાવ થશે. વીજપોલ પરના જીવતા વિજ વાયરોને ભૂલથી અડી જતા લોકો અને વીજપોલ રિપેરિંગ કરવા વીજકર્મીઓના જીવ જવાની ઘટનાઓ પણ બંધ થઈ જશે. ઉલ્લેખનીય છે કે અંડરગ્રાઉન્ડ નેટવર્કમાં મુખ્ય વીજલાઈન સાથે અન્ય પેરેલલ બીજી સ્પેરમાં લાઈન પણ નાખવામાં આવશે, કારણ કે મુખ્ય લાઈનમાં મેજર ફોલ્ટ થાય તો અન્ય પેરેલલ લાઈન એક્ટિવ કરી ગણતરીના સમયમાં વીજપુરવઠો પૂર્વવત કરી શકાય. પાયલોટ પ્રોજેક્ટ સફળ થયા બાદ આખાય રાજકોટ શહેરમાં અંડરગ્રાઉન્ડ વીજ નેટવર્ક ઊભું કરવા માટે રૂ. 7,000 કરોડની પ્રપોઝલ કેન્દ્ર સરકાર સમક્ષ મૂકવામાં આવી છે.
પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કાશી મોડલ અપનાવવા માટેનો નિર્ણય લેવાયો હતો. તમામ તૈયારી બાદ નવા રાજકોટની પસંદગી કરવામાં આવી છે. શહેરના 97 ફીડરમાં HT (હાઈ ટેન્શન) 350 કિલોમીટર અને 650 કિલોમીટરની LT (લો ટેન્શન) લાઈન નાખવા માટેનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેના માટે 44 કંપનીએ આ કામ કરવા માટે રસ દાખવ્યો છે. ચાલુ મહિનાનાં અંતમાં ટેન્ડર મુજબ કામ પણ ચાલુ કરી દેવામાં આવશે. નવા રાજકોટમાં અન્ડરગ્રાઉન્ડ નેટવર્ક માટે સૌપ્રથમવાર મુખ્ય વીજલાઈન સાથે પેરેલલ બીજી સ્પેરમાં પણ લાઈન નાખવામાં આવશે.,જેથી કોઈ મેજર ફોલ્ટ આવે તો તરત જ બીજી લાઈન એક્ટિવ કરી દેવામાં આવશે. બીજી ખાસ વાત એ છે કે ટ્રાન્સફોર્મરમાં RMU (રિંગ મેનેજમેન્ટ યુનિટ)માં પણ પાવર ચેન્જના 2થી વધુ વિકલ્પ આપવામાં આવશે. આથી કોઈ વિસ્તારમાં પાવર નેટવર્ક ખોરવાશે નહીં અને મહાનગરોમાં પાવર ચોરીનો અવકાશ પણ ઘટશે.
રાજકોટ સ્થિત પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર પ્રીતિ શર્માએ જણાવ્યું હતું કે હાલ રૂ. 1,500 કરોડમાં 17 પેકેજીસ છે, જેમાં રાજકોટ સિટી ડિવિઝનની જો વાત કરવામાં આવે તો એમાં કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાં એચટી અને એલટી અન્ડરગ્રાઉન્ડ વીજલાઈન નાખવાનું આયોજન છે, જે પ્રોજેક્ટ રૂ. 1,223 કરોડનો છે. આ સિવાયનો રૂ. 300 કરોડનો પ્રોજેક્ટ ગાંધીધામ માટેનો છે, જેમાં એચટી અને એલટી લાઈનનું અંડરગ્રાઉન્ડ વાયરિંગ કાશી મોડલ માફક રહેશે. જેથી કોઈ વખત એક સર્કિટ ફેઇલ થાય તો બીજી સર્કિટથી પાવર આવી શકે તે પ્રકારનું આયોજન છે. આ વખતે તાજેતરમાં જે રીતે ભારે વરસાદ પડ્યો અને એને કારણે અનેક જગ્યાએ વીજ ફોલ્ટ થવાની સમસ્યાઓ સામે આવી હતી તો આ વખતે વીજળી ગુલ ન થાય તે પ્રકારનું અંડર ગ્રાઉન્ડ વિજ લાઈન નાખવાનું આયોજન છે. આ વખતે પ્રથમ તબક્કામાં રાજકોટ સિટી ડિવિઝન- 3ને લેવામાં આવ્યું છે.
તેમણે ધુમાં જણાવ્યું હતું કે પૂરા રાજકોટ શહેરમાં અંડરગ્રાઉન્ડ વીજલાઈન નાખવા માટેના પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર પાસે પ્રપોઝલ મૂકવામાં આવી છે, જેમાં રૂ. 7,000 કરોડનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. ઓક્ટોબર-નવેમ્બરમાં રૂ. 1,500 કરોડનાં રાજકોટ અને ગાંધીધામમાં અંડરગ્રાઉન્ડ વીજ લાઈન નાખવાનું કામ પણ શરૂ થઈ જશે. આ ઉપરાંત અન્ય રૂ. 150 કરોડનો અંડરગ્રાઉન્ડનો પ્રોજેક્ટ છે, જેમાં પીજીવીસીએલના 12 સર્કલમાં કામ થશે, જેમાં રૂ. 60 કરોડના પ્રોજેક્ટ હેઠળ અંડરગ્રાઉન્ડનું કામ એક અઠવાડિયામાં શરૂ થઈ જશે. આ ઉપરાંત બાકીના રૂ. 90 કરોડના પ્રોજેક્ટમાં દરિયાકાંઠા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ વીજલાઈન નાખવાનું કામ થશે. ડિસેમ્બર સુધીમાં રૂ. 1,650 કરોડનાં ખર્ચે અંડર ગ્રાઉન્ડ વીજ લાઈન નાખવાનુ કામ થઈ જશે.
આ સાથે જ તેમણે જણાવ્યું હતુ કે આ ઉપરાંત ઓવરહેડ નેટવર્કના રૂ. 100 કરોડનાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં છે, જેમાં રાજકોટ રૂરલ, મોરબી અને પોરબંદરના વિસ્તારોનો સમાવેશ કરવામાં આવેલો છે, જેમાં ઓવરહેડને કવર કંડક્ટર કરવામા આવશે. અહીં અંડરગ્રાઉન્ડ વીજલાઈન પાથરવા માટેનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમાં રૂ. 17 કરોડની જ અંડર ગ્રાઉન્ડ વીજ લાઈન નાખી શકાશે. રાજકોટનો ગ્રામ્ય વિસ્તાર છે એ ઔદ્યોગિક રીતે વિકસતો વિસ્તાર છે, જ્યાં હાલ રસ્તાઓ બની રહ્યા છે તો ત્યાં ઓવર હેડ નેટવર્ક ઊભું કરવામાં આવશે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સાથે જ એગ્રિકલ્ચર સેક્ટરમાં 88 કરોડનું કવર્ડ કંડક્ટરનું કામ શરૂ થઈ જશે. આ વર્ષે જૂનાગઢ અને ગીર સોમનાથમાં કવર કરવામાં આવશે, કારણ કે આ એન્વાયર્નમેન્ટલ સેન્સેટિવ ઝોન છે, જ્યાં 3,000 કિલોમીટરને કવર્ડ કંડક્ટરમાં આવરી લઈશું. રાજકોટમાં 70 ટકા અંડરગ્રાઉન્ડ છે, પરંતુ એમાં મોટે ભાગે HT જે 100 KVથી વધુના હોય છે અને એ મોટા ભાગે ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં હોય છે. જોકે તેની સાથે પ્રથમ વખત LT કનેક્શન એટલે કે 100 KVથી ઓછા હોય જે મોટે ભાગે રહેણાક મકાનો આસપાસ હોય છે. એને પણ અંડરગ્રાઉન્ડ કરવા જઈ રહ્યા છીએ. કારણ કે આ વખતે ભારે વરસાદને કારણે વીજળી ડૂલ થવાના પ્રશ્નો થયા તે 11 KV ફીડર ફોલ્ટને કારણે નહીં, પરંતુ સર્વિસ કેબલ લૂઝ થઈ જવાને કારણે થઈ હતી અથવા TCમાં સમસ્યા સામે આવી હતી.
તેમણે અંતમાં જણાવ્યું હતું કે રાજકોટ સિટી ડિવિઝનમાં HT અને LT બંને અંડરગ્રાઉન્ડ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સફળતા મળ્યા બાદ પૂરા રાજકોટ શહેરમાં અંડરગ્રાઉન્ડ નેટવર્ક ઊભું કરવા માટેનો 7,000 કરોડનો પ્રોજેકટ હાથ ધરવામા આવશે. એ માટેની પ્રપોઝલ કેન્દ્ર સરકારમાં મોકલી આપવામાં આવી છે, જેથી PGVCLનો આ પાયલોટ પ્રોજેક્ટ હશે. આ સાથે જ ક્લાઇમેટ ચેન્જને કારણે નેટવર્ક પર કોઈ અસર નહીં થાય.
રાજકોટ શહેરના કાલાવડ રોડ, મવડી, માધાપર, નાનામવા, રૈયા રોડ, વાવડી, યુનિવર્સિટી રોડ અને ખોખડદળ મળી કુલ 8 વિસ્તારને આવરી લઈ અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરવામાં આવશે. આ ઉપરાંત ગાંધીધામમાં 303 કરોડની ફાળવણી કરવામાં આવી છે. સામાન્ય રીતે ગાંધીધામમાં વીજળી ડૂલ થઈ જવાની સમસ્યાઓ સામે આવે છે ત્યારે હવે HTના 150 અને LTના 250 કિલોમીટરમાં અંડરગ્રાઉન્ડ કેબલિંગ થઈ જતા લોકોની વીજ ફોલ્ટની સમસ્યા દૂર થઈ જશે.
આ પણ વાંચો: NRI મહિલાના ખાતામાંથી ભત્રીજા 5.70 કરોડ ઉસેટી ગયા
આ પણ વાંચો: PNB ખાતાધારકો થઇ જાઓ સાવધાન, બેંકે જારી કર્યુ એલર્ટ
આ પણ વાંચો: લો બોલો!! PMC બેન્કમાં મૃતકોનાં નામે ખોલવામાં આવ્યા છે ખાતા
