Kheda News: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા ખેડા જિલ્લાના રાજકારણમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ભાજપ (BJP)ના સંગઠન સામે નારાજગી વ્યક્ત કરતાં કઠલાલ તાલુકાના અંદાજે 200થી વધુ હોદ્દેદારો અને કાર્યકરોએ સામૂહિક રીતે કોંગ્રેસનો હાથ પકડી લીધો છે. આ ઘટનાએ જિલ્લામાં રાજકીય ગરમાવો વધાર્યો છે.
ચૂંટણી પૂર્વે પક્ષ પલટાનો માહોલ
મળતી માહિતી અનુસાર, કઠલાલ તાલુકાની પીઠાઈ જિલ્લા પંચાયત બેઠક હેઠળ આવતા ભાજપ (BJP)ના કાર્યકરોએ એકસાથે રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખની હાજરીમાં આ તમામ કાર્યકરો વિધિવત રીતે પક્ષમાં જોડાયા હતા.

મુખ્ય આગેવાનોનો સમાવેશ
ભાજપ છોડનારા અગ્રણીઓમાં પૂર્વ ધારાસભ્ય કનુ ડાભીના ભત્રીજા મહેશભાઈ ડાભી,ભાજપ યુવા મોરચાના પૂર્વ મહામંત્રી લખન ડાભી આ ઉપરાંત તાલુકા પંચાયતના વર્તમાન અને પૂર્વ સભ્યો તેમજ સરપંચો પણ મોટી સંખ્યામાં કોંગ્રેસમાં જોડાયા છે.
BJPની નીતિ સામે રોષ
પક્ષ પલટો કરનાર કાર્યકરોએ ભાજપમાં લાંબા સમયથી કામ કરવા છતાં તેમની અવગણના થતી હોવાનો આક્ષેપ કર્યો છે. ખાસ કરીને જૂના અને નિષ્ઠાવાન કાર્યકરોને સાઈડલાઈન કરવામાં આવતા અસંતોષ વધ્યો હોવાનું જાણવા મળ્યું છે. લખન ડાભીએ જણાવ્યું હતું કે,“છેલ્લા 22 વર્ષથી ભાજપમાં સક્રિય રહ્યો, પરંતુ હાલ પક્ષમાં તાનાશાહી જેવું વાતાવરણ છે અને કાર્યકરોને માન-સન્માન મળતું નથી.”
કોંગ્રેસનો દાવો: લોકોનો વલણ બદલાઈ રહ્યું છે
કોંગ્રેસના જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું કે, “ભાજપની નીતિઓથી કંટાળીને લોકો હવે કોંગ્રેસ તરફ વળી રહ્યા છે. આવનારી ચૂંટણીઓમાં તેનો સીધો અસર જોવા મળશે.”
આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે નર્મદા જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવાર જાહેર
આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ગાંધીનગર જિલ્લા અને તાલુકા પંચાયત તથા નપાના ઉમેદવાર જાહેર
આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પાટણ જિલ્લા અને તાલુકા પંચાયત તથા નપાના ઉમેદવાર જાહેર
