Gujarat News : મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના પાંછા ગામે વ્યસનમુક્તિ અને સંપૂર્ણ દારૂબંધીના અમલ માટે એક ઐતિહાસિક અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. ગામને નશામુક્ત બનાવવા માટે ગ્રામજનોએ એકમત થઈને દારૂ (Alcohol)સામે લડત શરૂ કરી છે. આ હેતુસર ગામમાં વિશેષ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ સમાજના યુવાનો, વડીલો, આગેવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
સરપંચ અને પંચાયતના સભ્યોની જાહેર અપીલ બાદ રાત્રિના સમયે યોજાયેલી આ ગ્રામસભામાં દારૂ(Alcohol) ની વધતી બદી અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી. ગ્રામજનોએ જણાવ્યું કે દારૂના વ્યસનના કારણે પરિવારો તૂટે છે, યુવાનો બરબાદ થાય છે અને સામાજિક વ્યવસ્થા ખોરવાય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગામને સંપૂર્ણ રીતે નશામુક્ત બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો.
ગ્રામસભામાં ગામના આગેવાન વિનુભાઈએ જણાવ્યું હતું કે, “પાંછા ગામને નશામુક્ત બનાવવા માટે આજથી જ સઘન અને કડક પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. કોઈપણ યુવાન કે વડીલ દારૂ (Alcohol) ના વ્યસનમાં ન ફસાય તે માટે સમગ્ર ગામ એકસાથે ઊભું રહ્યું છે. દારૂની બદી સામે હવે કોઈ સમાધાન નહીં કરવામાં આવે.”
દારૂબંધીના ચુસ્ત અમલ માટે ગ્રામસભામાં એક અનોખો અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત ગામમાં એક વિશેષ ‘પાંજરું’ બનાવવામાં આવશે. જો કોઈ વ્યક્તિ જાહેરમાં દારૂ (Alcohol) પીતા અથવા નશો કરેલી હાલતમાં પકડાશે તો તેને આ પાંજરામાં પૂરવામાં આવશે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, આ પગલું દંડ કરતા વધુ સામાજિક ક્ષોભ ઉભો કરશે, જેથી લોકો દારૂ પીતા અટકે અને અન્ય લોકો માટે પણ દાખલો બની રહે.
ગ્રામજનોએ સ્પષ્ટ જણાવ્યું કે આ નિર્ણય કોઈને અપમાનિત કરવા માટે નહીં, પરંતુ ગામના ભવિષ્ય, યુવાનોના જીવન અને સમાજની સુખાકારી માટે લેવામાં આવ્યો છે. ગ્રામસભામાં ઉપસ્થિત સૌએ નશામુક્ત ગામ માટે એક અવાજે બાંહેધરી આપી હતી અને દારૂ (Alcohol) વેચાણ કે સેવન કરનાર સામે કડક સામાજિક કાર્યવાહી કરવાની સહમતિ દર્શાવી હતી.
પાંછા ગામના આ કડક અને અનોખા નિર્ણયને પગલે સમગ્ર ખેરાલુ પંથકમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. વ્યસનમુક્તિ માટે ગામે શરૂ કરેલી આ પહેલને લોકો એક નવી સામાજિક ચળવળ તરીકે જોઈ રહ્યા છે. ગ્રામજનોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, સૌના સહયોગથી પાંછા ગામને ટૂંક સમયમાં સંપૂર્ણ નશામુક્ત બનાવવામાં સફળતા મળશે.
