રાજ્યમાં કોરોનાની બીજી લહેર ઘાતક નિવડી રહી છે જેના લીધે તંત્ર,સામાજિક સંસ્થાઓ,સેવાઅર્થે કોવિડ સેન્ટર શરી કરે છે જેનાથી દર્દીઓને હાલાકી ના ભોગવવી પડે. બનાસકાંઠામાં ગૌશાળાની અંદર કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના આ કેન્દ્રમાં દર્દીઓની આયુર્વેદિક દવાઓથી સારવાર કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ દવાઓ ગાયના દૂધ અને ગૌમૂત્રમાંથી તૈયાર કરવામાં આવી છે.અહીં કોરોનાવાયરસના એવા દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે, જેમને આ વાયરસના હળવા લક્ષણો છે. આ કોવિડ સેન્ટરનું નામ ‘વેદાલક્ષણ પંચગવ્ય આયુર્વેદ કોવિડ આઇસોલેશન સેન્ટર’ રાખવામાં આવ્યું છે. હાલમાં અહીં 7 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.
આ ગૌશાળાના ટ્રસ્ટી મોહન જાધવે જણાવ્યું હતું કે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ દર્દીઓ અહીં દાખલ કરવામાં આવ્યા છે. આ કેન્દ્ર 5 મેના રોજ શરૂ કર્યું હતું.હાલ અહી ડીસા તાલુકાના એક ગામના 7 દર્દીઓ દાખલ થયા છે. અહીં દર્દીઓની સારવાર 8 આયુર્વેદિક દવાઓથી કરવામાં આવી રહી છે. આ દવાઓ ગાયના દૂધ, ઘી અને ગૌમૂત્રમાંથી તૈયાર કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે રાજ્યની હાલત અતિ ગંભીર હોવાથી સંસ્થાઓ,સહિત સેવાભાવી લોકો આ મહામારીમાં દર્દીના પડખે ઉભા રહે છે.
