Gandhinagar News : ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી અનેક પક્ષીઓ ઘાયલ થાય છે. આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ‘કરુણા અભિયાન’ ચલાવવામાં આવે છે. સરકારના સ્તરે પ્રકૃતિ સંરક્ષણ માટે અનેક પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ વ્યક્તિગત સ્તરે પણ કેટલાક પ્રકૃતિપ્રેમીઓ સતત અને નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રહ્યા છે.ગાંધીનગરમાં ‘ચકલીની માં’ તરીકે ઓળખાતા શ્રીમતી કુસુમબહેન સુથાર એવા જ એક સમર્પિત પ્રકૃતિપ્રેમી છે. તેઓ છેલ્લા ત્રણ દાયકાથી ચકલી(Sparrow)ઓના સંરક્ષણ માટે અવિરત મહેનત કરી રહ્યા છે.

ગાંધીનગરના ઇન્દ્રોડા નેચર પાર્કમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા કુસુમબહેન સુથારે ચકલી (Sparrow)બચાવો અભિયાનને પોતાનું જીવનલક્ષ્ય બનાવ્યું છે. ચકલીઓની ઘટતી સંખ્યા તેમને આ અભિયાન તરફ દોરી ગઈ. સમય જતાં તેઓ ‘ચકલીની માં’ તરીકે ઓળખાવા લાગ્યા.
શ્રીમતી કુસુમબહેન માત્ર જાગૃતિ કાર્યક્રમો યોજવામાં જ સીમિત નથી, પરંતુ લોકોમાં પ્રત્યક્ષ ભાગીદારી પણ ઉભી કરે છે. તેઓ લોકોને મફત ચકલીના કૃત્રિમ માળા આપી, પક્ષી સંરક્ષણ માટે પ્રોત્સાહન આપે છે.

તેમનું કહેવું છે કે આધુનિક મકાનોમાં ગોખલાં અને કુદરતી આશ્રયસ્થાનોનું પ્રમાણ ઘટતું જાય છે, જેના કારણે ચકલી (Sparrow)ઓ માટે રહેવા અને માળા બાંધવા જગ્યા મળતી નથી. આવી સ્થિતિમાં, ઘરો અને મકાનોમાં કૃત્રિમ માળા લગાવીને આપણે પક્ષીઓને સુરક્ષિત આશરો આપી શકીએ છીએ.
કુસુમબહેન સુથારનું આ કાર્ય માત્ર ચકલી (Sparrow)ઓ માટે જ નહીં, પરંતુ સમગ્ર પ્રકૃતિ સંરક્ષણ માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ બની રહ્યું છે.
