Jamnagar News : જામનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે બજેટમાં રાજ્ય સરકાર તરફથી કરોડોની કેપિટલ ગ્રાન્ટના અંદાજ દર્શાવવામાં આવે છે. જેની સામે ગ્રાન્ટની આવક કરતા વધુ ખર્ચનો અંદાજ મૂકવામાં આવે છે. પરંતુ છેલ્લા આઠેક વર્ષથી સરકાર તરફથી કેપિટલ ગ્રાન્ટ પૂરતી ફાળવવામાં આવતી નથી. તેમ છતાં મહાનગરપાલિકા પછેડી કરતા વધુ સોડ એટલે કે ગ્રાન્ટ કરતા વધુ ખર્ચનો અંદાજ દર્શાવી રહી છે. રાજ્ય ઉપરાંત જામનગર કોર્પોરેશનમાં ભાજપનું શાસન છે, પરંતુ અપૂરતી ગ્રાન્ટની ફાળવણી પાછળ સ્થાનિક નબળી નેતાગીરીનો અભાવ કારણભૂત હોવાનું વિપક્ષી સભ્યોએ જણાવ્યું છે.
દર વર્ષે બજેટમાં મોટાભાગના કામો ગ્રાન્ટ આધરિત હોવાનું જણાવી શહેરીજનોને વિકાસના દિવા સ્વપ્ન બતાવવામાં આવે છે. પરંતુ ગ્રાન્ટના અભાવે અનેક વિકાસ કાર્યો અધ્ધરતાલ છે. ચાલુ વર્ષે મનપાએ રજૂ કરેલા ડ્રાફટ બજેટમાં દર વર્ષની જેમ રૂ.728 કરોડની કેપિટલ ગ્રાન્ટના અંદાજ સામે રૂ.841 કરોડનો ખર્ચનો અંદાજ વ્યકત કરાયો છે. પરંતુ વર્ષ દરમ્યાન આટલી ગ્રાન્ટ આવશે કે કેમ તે સળગતો સવાલ છે. અપૂરતી ગ્રાન્ટના કારણે વિકાસકાર્યો સમયસર થતા નથી. આમ છતાં મનપા દર વર્ષે બજેટમાં નવા કાર્યોના દિવાસ્વપ્ન બતાવી શહેરીજનોને ઉંઘા ચશ્મા પહેરાવી રહી છે.
બીજી તરફ ગ્રાન્ટ સિવાય મનપાને વેરા, અન્ય ચાર્જ સહિતની આવક થાય છે. પરંતુ વેરા વસૂલાતમાં મનપા વામણી પુરવાર થતી હોય રૂ.766 કરોડનું લેણું બાકી બોલી રહ્યું છે. જો આ લેણું સમયસર વસૂલે તો રાજય સરકારની ગ્રાન્ટ પર આધાર રાખવો પડે નહીં. જામનગર મહાપાલિકા બાકી લેણાંની વસૂલાત સમયસર અને કડક રીતે ન કરતા દર વર્ષે લેણું વધી રહ્યું છે. આથી ગ્રાન્ટની સાથે જો લેણાની વસૂલાત કરવામાં આવે તો વિકાસ કાર્યો સમયસર અને ઝડપથી પૂર્ણ થયા અને અન્ય શહેરોની જેમ જામનગરનો વિકાસ રોકેટગતિએ થયા તેમાં બેમત નથી.
પરંતુ અપૂરતી અને સમયસર ગ્રાન્ટ ન આવતા વિકાસ રૂંધાઈ રહ્યો છે. જોકે આ બાબતે કોર્પોરેશનના અધિકારીએ આ બાબતે જણાવ્યું કે આ વાત તદ્દન પાયાવિહોણી છે. જામનગરમાં વિકાસના કામો થાય જ છે ગયા વર્ષે જે અંદાજપત્રમાં સૂચવેલા કામોમાં 95 ટકા કામ થઈ ગયા છે અને ચાલુ સાલે આ કામો પ્રગતિ હેઠળ છે.
જામનગર મહાનગરપાલિકા વિકાસ કામ માટે રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટની માગણી કરતી હોય છે. આથી સરકાર દ્વારા ચોકકસ કામ માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે. પરંતુ જે કામ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેના બદલે અન્ય કામ અને કર્મચારીઓના પગારમાં પણ ગ્રાન્ટની રકમ વપરાઈ જતી હોવાના કિસ્સા બની ચૂક્યા છે. આથી જામનગર શહેરમાં વિકાસ કામો સમયસર ન થતાં હોવાનું મહાનગરપાલિકાના અંતર્ગત સૂત્રોએ જણાવ્યું છે.
જામનગર મહાનગરપાલિકા દર વર્ષે બજેટમાં રાજ્ય સરકાર તરફથી મળતી કેપિટલ ગ્રાન્ટના મસમોટા અંદાજ બજેટમાં રજૂ કરે છે. પરંતુ પૂરી ગ્રાન્ટ મળતી નથી. આમ છતાં વર્ષ 2024-25ના રીવાઈઝડ અને 2025-26ના ડ્રાફટ અંદાજપત્રમાં વેરા અને અન્ય આવકમાં રૂપિયા 169.70 કરોડના ઘટાડાનો અંદાજ વ્યકત કરાયો છે. જેમાં સર્વિસ ચાર્જમાં રૂ.15 કરોડ, વ્યવસાય વેરામાં રૂ.2.65 કરોડ, મીટર વાળી ઉપજમાં રૂ.2.40 કરોડ, કેપીટલ ગ્રાન્ટમાં રૂ.131.30 કરોડ, કેપીટલ સ્વભંડોળમાં રૂ.10.50 કરોડની આવકનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: પાયલ હોસ્પિટલ ચકચારી કેસમાં CCTV વાયરલ કરનારા બે હેકર્સ સહિત ત્રણ ઝડપાયા
આ પણ વાંચો: CCTV ફૂટેજ વેચવાના કૌભાંડ કરનારા ત્રણેયને સાયબર ક્રાઇમ આજે લાવશે અમદાવાદ
આ પણ વાંચો: રાજકોટ હોસ્પિટલના CCTV ફૂટેજ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી
