મંતવ્ય ન્યૂઝ,
લોકશાહીના મહાપર્વ મતોત્સવનો પ્રારંભ થઇ ગયો છે. ગુજરાતમાં 26 લોકસભાની બેઠકો માટે 23 એપ્રિલે મતદાન યોજાશે. દરમિયાન ચૂંટણીપંચે 38 વર્ષમાં મતદાન વધારવા અને મતદાનમાં ગેરરીતીને નાથવા 10 મહત્વના નિર્ણય કર્યા છે. જેમાં વર્ષ-2019 માટે સમગ્ર લોકસભા ચૂંટણીમાં સૌ-પ્રથમ વાર વીવીપેટનો ઉપયોગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

દેશમાં સાત તબક્કામાં ચૂંટણી યોજવાનો નિર્ણય કેન્દ્રીય ચૂંટણી પંચે કર્યો છે. વર્ષ-2019માં સૌ-પ્રથમ વાર વીવીપેટનો ઉપયોગ કરાશે. વીવીપેટ એટલે વોટર્સ વેરીફાઇ પેપર ટ્રેડ. મતદાતા જે ઉમેદવારને મત આપશે તેનો નંબર અને પ્રતિક દર્શાવતી સ્લીપ ઇવીએમ સાથે એટેચ મશીન વીવીપેટના માધ્યમથી સાત સેકન્ડ સુધી નિહાળી શકશે. જો કે મતદાતા આ સ્લીપ પોતાની પાસે મેળવી શકશે નહીં. વીવીપેટ પદ્ધતિના કારણે મતદાતાએ મત કોને આપ્યો તે જાણવા ઉપયોગી બનતાં ગેરરીતી પર નિયંત્રણ આવવાની સંભાવના છે.

ચૂંટણીપંચ દ્વારા મતદારોના લાભાર્થે કરાયેલા મહત્વના સુધારા
– વર્ષ 2019 માટે સમગ્ર લોકસભા ચૂંટણીમાં સૌ-પ્રથમ વાર વીવીપેટનો ઉપયોગ કરવાનો નિર્ણય
– સૌપ્રથમ ઇવીએમ ( ઇલેક્ટ્રોનિક્સ વોટીંગ મશીન ) નો ઉપયોગ 1982માં થયો. 19-5-1982માં આયોજીત કેરળ વિધાનસભાની પરૂર બેઠકની પેટાચૂંટણીમાં ઇવીએમનો પ્રથમ ઉપયોગ થયો હતો.

– 24-જાન્યુઆરી-1952માં બંધારણીય સુધારો કરી પક્ષપલટો કરનારા ધારાસભ્ય કે સંસદસભ્યનું સભ્યપદ રદ કરવાની જોગવાઇ કરવામાં આવી છે.
– યુવા મતદારોને મતદાનની તક પ્રાપ્ય બનાવવા 20-ડિસેમ્બર-1988 થી અગાઉ 21 વર્ષની વયે મતદાનની વયમર્યાદા સુધારી 18 વર્ષની કરવામાં આવી હતી. તત્કાલીન રાજીવ ગાંધી સરકારે યુવામતદારોમાં મતદાન વધારવા હેતુ આ નિર્ણય કર્યો હતો. પરિણામે દેશના મતદારોની સંખ્યામાં 5 કરોડ વધારો થયો હોવાનો અંદાજ છે.

-વર્ષ-1996માં ચૂંટણીપંચે આદર્શ આચારસંહિતા લાગુ કરવાનો નિર્ણય કર્યો. જે મુજબ સરકારી જાહેરાત કે મતદારોને પ્રલોભન આપતાં નિર્ણયની જાહેરાત કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો.
– ઉમેદવાર વધુમાં વધુ 3 સ્થળેથી ચૂંટણીંજંગમાં ઝૂકાવી શકે, તેમાં પણ ફેરફાર કરી પંચે 2 બેઠક પરથી ચૂંટણીજંગમાં ઝૂકાવવાનો કાયદો લાગુ કર્યો.

-ચૂંટણીમાં ઝૂકાવતાં તમામ ઉમેદવારોએ પોતાના ક્રિમીનલ રેકોર્ડ સહિતની વિગત જાહેર કરવા અંગે 16-નવેમ્બર-2002ના રોજ કાયદામાં સુધારો કરી જોગવાઇ કરી હતી.
-વર્ષ-2013માં 23 સપ્ટેમ્બરે નોટાનો કાયદો પણ લાગુ થયો. જેનો અર્થ થાય છે નન ઓફ ઘ એબોવ એટલે કે ઉપરના કોઇ જ નહીં. આ કાયદાના માધ્યમથી કોઇપણ ઉમેદવારને નહીં ચૂંટવાનો અધિકાર પણ નાગરિકને પ્રાપ્ત થયો.
-10-માર્ચ-2014ના રોજ ચૂંટણીમાં ઝૂકાવતાં ઉમેદવારે તેમની ક્રિમીનલ કે મિલકત સહિતની વિગત જાહેર કરવા અંગેનો સુધારો લાગુ કરી ઉમેદવાર પર લગામ રાખવાની જોગવાઇ કરી છે.
– ચૂંટણીપંચના આ સુધારા અમલી બનવાના કારણે ચૂંટણીપ્રક્રિયાનું સરળીકરણ અને મતદાનની ટકાવારીમાં વધારો કરવાનો અભિગમ સાર્થક થયો છે.
