રાજ્યમાં લોકસભાની 26 બેઠકો પર ઉમેદવારી નોંધાવનાર કુલ 370 ઉમેદવારોમાંથી 16 ટકા ઉમેદવારો સામે વિવિધ ગુના બદલ કેસ નોંધાયેલા છે. એસોસિએશન ફૉર ડેમોક્રેટીક રિફોર્મ્સ (એડીઆર)ના અહેવાલમાં આ વિગતો સામે આવી છે. રિપોર્ટ મુજબ કુલ 370 ઉમેદવારોમાંથી 58 સામે કેસ ચાલી રહ્યા છે. જેમાંથી 34 ઉમેદવારો સામે હત્યા, હત્યાનો પ્રયાસ સહિતની આઇપીસીની વિવિધ કલમો હેઠળ કેસ ચાલી રહ્યા છે.
16 ટકા ઉમેદવારો સામે કેસ ચાલી છે તેમાં 9 ટકા ઉમેદવારો સામે ગંભીર ગુના નોંધાયેલા છે. જે 34 ઉમેદવારો સામે કેસ નોંધાયેલા છે તેમાં 19 અપક્ષ ઉમેદવારો છે જ્યારે નવ ઉમેદવાર કોંગ્રેસના અને પાંચ ભાજપના છે. અમરેલીના વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના ઉમેદવાર ધરમશી ધાપા સામે લૂંટ, આગજની સહિતના પાંચ ગંભીર ગુના નોંધાયા છે.
એડીઆરે તમામ ઉમેદવારો દ્વારા ચૂંટણી પંચમાં રજૂ કરાયેલી એફીડેવીટના અભ્યાસના આધારે આ તારણો રજૂ કર્યા હતા. ભાજપના પ્રમુખ અને ગાંધીનગરના ઉમેદવાર અમિત શાહ સામે બે જૂથો વચ્ચે વૈમનસ્ય પેદા કરવા સહિતના વિવિધ કેસ ચાલી રહ્યા છે. જ્યારે દાહોદના કોંગ્રેસ ઉમેદવાર બાબુ કટારા સામે છેતરપીંડીના આરોપ સહિતના ચાર કેસ નોંધાયેલા છે.
