Dharma & Bhakti News : સનાતન ધર્મમાં ભગવાન શિવને ત્રિનેત્રધારી (Lord Shiva’s third eye)કહેવામાં આવે છે. મહાદેવના મસ્તક પર બિરાજમાન ત્રીજું નેત્ર માત્ર ક્રોધ કે વિનાશનું સંકેત નથી, પરંતુ તે જ્ઞાન, પરમ ચેતના અને પરમ સત્યનું પ્રતીક ગણાય છે. ધાર્મિક માન્યતાઓ મુજબ શિવજીની ત્રીજી અગ્નિરૂપી આંખ સંસારમાંથી અજ્ઞાનતા, વાસના અને અહંકારનો નાશ કરવાનો સંદેશ આપે છે.
Lord Shiva’s third eye : જ્યારે સમગ્ર સૃષ્ટિ અંધકારમાં ગરકાવ થઈ ગઈ
શિવ પુરાણ અને મત્સ્ય પુરાણની કથા અનુસાર, એકવાર ભગવાન શિવ હિમાલયની પવિત્ર ગોદમાં ગંભીર ધ્યાન સાધનામાં લીન હતા. તે સમયે માતા પાર્વતી ત્યાં પધાર્યા અને તેમણે રમત-રમતમાં મહાદેવની બંને આંખોને પોતાના હથેળીઓથી ઢાંકી દીધી. શિવજીની નેત્રો બંધ થતાં જ ક્ષણભરમાં આખું બ્રહ્માંડ ઘોર અંધકારમાં ડૂબી ગયું. સૂર્ય-ચંદ્રનો પ્રકાશ ગાયબ થઈ જતાં પૃથ્વી પર હાહાકાર મચી ગયો અને તમામ જીવજંતુઓ તથા દેવો ભયભીત થઈ ગયા.
દિવ્ય જ્યોતિમાંથી પ્રગટ થયું ત્રીજું નેત્ર
સૃષ્ટિ પરથી અંધકાર દૂર કરવા અને ચરાચર જગતનું રક્ષણ કરવા માટે ભગવાન શિવે પોતાના ભાલ (મસ્તક) પરથી એક અત્યંત શક્તિશાળી દિવ્ય અગ્નિ પ્રગટ કર્યો. આ પ્રચંડ તેજસ્વી પ્રકાશમાંથી એક નવી આંખનો જન્મ થયો, જેને આપણે ભગવાન શિવનું ત્રીજું નેત્ર કહીએ છીએ. આ નેત્રમાંથી નીકળેલી રોશનીથી આખું બ્રહ્માંડ ફરીથી પ્રકાશિત થઈ ગયું અને શિવજી ત્યારથી ‘ત્રિનેત્રધારી’ તરીકે પૂજાવા લાગ્યા.
સૂર્ય, ચંદ્ર અને અગ્નિનો ત્રિવેણી સંગમ
શાસ્ત્રો મુજબ મહાદેવની જમણી આંખ સૂર્યદેવનું પ્રતિનિધિત્વ કરે છે અને ડાબી આંખ ચંદ્રદેવની શીતળતા દર્શાવે છે. જ્યારે તેમની ત્રીજી આંખ સ્વયં અગ્નિદેવનું સ્વરૂપ છે. સૂર્ય અને ચંદ્રથી આપણને પ્રકાશ અને જીવન મળે છે, જ્યારે ત્રીજી આંખની અગ્નિ શુદ્ધિકરણ અને પરિવર્તનનું કાર્ય કરે છે. આ આંખ અશુદ્ધિઓ અને નકારાત્મક ઊર્જાને ભસ્મીભૂત કરી નાખે છે.
ત્રણ નેત્રોનો ગૂઢ આધ્યાત્મિક સંદેશ
મહાદેવના ત્રણ નેત્રો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળનું દર્શન કરાવે છે, જે દર્શાવે છે કે શિવજી ત્રિકાળદર્શી છે. માનવ શરીરની બે આંખો માત્ર બાહ્ય ભૌતિક જગતને જોઈ શકે છે, પરંતુ મસ્તકનું ત્રીજું નેત્ર આંતરિક ચેતના, આત્મજ્ઞાન અને વિવેકનું દ્યોતક છે.ભગવાન શિવની ત્રીજી આંખ આપણને શીખવે છે કે જીવનમાં વિવેક અને જ્ઞાનરૂપી આંખ ખોલીને જ અજ્ઞાનતાના અંધકારમાંથી મુક્તિ મેળવી શકાય છે.
આ પણ વાંચો :
આ પણ વાંચો :
આ પણ વાંચો :
