Not Set/ મહાજંગ-2019 : જાણો આ બેઠકો વિશે, આ 100 બેઠકો નક્કી કરશે દેશમાં કોણ સંભાળશે સત્તાનું સુકાન

“જો જીતા વો સિકંદર” બીલકુલ સાચી કહાવત છે. ચૂંટણીમાં હાર-જીત કેટલા મતોથી થાય તેના કરતા કેટલી બેઠક મેળવી કે ગુમાવી તે ખુબ મહત્વનું હોય છે. ભલે કોઇ બેઠક લાખો મતોથી જીતી હોય કે પછી કોઇ બેઠક પાંચ સૌ – હજાર મતોથી જીતી હોય. પરંતુ 272નાં બહુમતીનાં મેઝીકલ ફિગર પર પહોંચવા બેઠકની સંખ્યા જ મહત્વની છે. […]

Top Stories
MAHAJUNG 2019 lok1 મહાજંગ-2019 : જાણો આ બેઠકો વિશે, આ 100 બેઠકો નક્કી કરશે દેશમાં કોણ સંભાળશે સત્તાનું સુકાન

“જો જીતા વો સિકંદર” બીલકુલ સાચી કહાવત છે. ચૂંટણીમાં હાર-જીત કેટલા મતોથી થાય તેના કરતા કેટલી બેઠક મેળવી કે ગુમાવી તે ખુબ મહત્વનું હોય છે. ભલે કોઇ બેઠક લાખો મતોથી જીતી હોય કે પછી કોઇ બેઠક પાંચ સૌ – હજાર મતોથી જીતી હોય. પરંતુ 272નાં બહુમતીનાં મેઝીકલ ફિગર પર પહોંચવા બેઠકની સંખ્યા જ મહત્વની છે.  અત્યંત રસાકસીની આ વખતની ચૂંટણીમાં દેશની આ 100 બેઠકો કિંગમેકર જેવી સાબિત થશે. માટે જ તમામ રાજકીય પક્ષો આ બેઠકને જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી ચૂકી છે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થઇ ચૂકી છે અને તમામ ઉમેદવારોનાં ભાવી EVMનાં પેટાળમાં બંધ છે ત્યારે હકીકતો તો 23’મેનાં સમુદ્ર મંથનનાં દિવસે જ સામે આવશે.

2014માં જીત-હારનું માર્જિન ખુબ ઓછું હતું આ બેઠકો પર

ભાજપ-કોંગ્રેસ માટે આ 100 બેઠકો પરની હાર-જીત અત્યંત મહત્વ પૂર્ણ રહેશે કારણ કે આ બેઠકો પર લોકસભા 2014માં જીત-હારનું માર્જિન ખુબ ઓછું હતું. કિંગ મેઇકરની ભૂમીકા ભજવશે તેવી આ તમામ બેઠકો પર જીતવા માટે ભાજપ-કોંગ્રેસ તેમજ અન્ય પક્ષોએ જીવ રેડીને પ્રચાર પ્રસાર કર્યો છે તેમા કોઇ બે મત નથી.

કોંગ્રેસની નજર 56 બેઠકો પર ટકેલી છે

હાલ કોંગ્રેસની નજર 10 ટકા આસપાસનાં માર્જિનથી હાર-જીત થયેલી 56 બેઠકો પર છે. આ તેવી બેઠક છે જ્યાં 2014માં 80 હજાર કે તેથી ઓછા મતોથી સીટ ગુમાવી પડી હતી. આમાંથી પણ લગભગ 24 બેઠકો તો ખૂબ પાતળી સરસાઇને કારણે કોંગ્રેસ પાસેથી ખૂંચવાઇ ગઇ હતી. લોકસભા 2014માં કોંગ્રેસ 224 બેઠક પર બીજા સ્થાને રહી હતી અને 44 બેઠક પર પ્રથમ રહી જીત મેળવી હતી.

2014 કેટલી બેઠક ભાજપે 10%થી ઓછા માર્જીનથી ગુમાવી હતી

2014માં સ્પષ્ટ બહુમતિ સાથે સત્તારૂઢ થયેલી ભાજપ 282 બેઠકો જીતવામાં સફળ રહી હતી. અને 146 બેઠકમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભાજપે ખોયેલી 146 બેઠકોમાંથી 82 બેઠકો પર ભાજપને પોતાનાં પ્રતિસ્પર્ધી કરતા 20 ટકા મતો ઓછા મળ્યા હતા. તો 146 બેઠકમાં 33 બેઠકો પર ભાજપની હારનું માર્જીન 10 ટકા કે તેથી ઓછું હતું.

 કોંગ્રેસની નજર છે તેવી બેઠકો  

લોકસભા 2019ની જાહેરાત કરવામાં આવતાની સાથે જ કોંગ્રેસ ઉધમપુર, ખડુર સહબ, સહારનપુર, કારૌલી, ધોલપુર, લોહરદગા, રાંચી, મહાસમુંદ, આનંદ, સાબરકાંઠા, ધાર, નંદુરબાર, દાદરા નગર હવેલી, દાવણગેરે, બેલગાંવ, કુશીનગર, રાયગંજ, મંડ્યા, કોપ્પલ, બેલગામ, સાસારામ, લક્ષદ્વીપ,ત્રિશૂર, બીજાપુર, કાસરગોંડ વગેરે બેઠકો જે 2014માં પાતળી સરસાઇથી ગુમાવી હતી તેના પર જીત મેળવવા માટેની કવાયતો તેજ કરી દીધી હતી.

હાર – જીત વચ્ચેનું અંતર 1% કરતા પણ ઓછું હતું તેવી બેઠકો

લોકસભા 2014માં 23 બેઠકો પર હાર-જીતનો તફાવત માત્ર અને માત્ર એક ટકાથી ઓછા મતો દ્વારા નક્કી કરવામાં આવ્યો હતો. આ 23 બેઠકોમાં કર્ણાટકમાં સૌથી વધારે ચાર બેઠકો, કેરળમાં ત્રણ અને આંધ્ર પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં બે બેઠકો  હતી, જ્યારે જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં આવી એક-એક બેઠકો હતી. આ 23 બેઠકોમાં હાર-જીત વચ્ચેનો તફાવત 36 થી 11,178 મતો વચ્ચેનો હતો.

આ બેઠકોમાંથી ભાજપ અને કોંગ્રેસે છ – છ બેઠકો જીતી હતી, જ્યારે ત્રણ બેઠકો સીપીઆઇ(એમ), બે-બે બેઠકો પર બીજુ જનતા દળ અને આરજેડી, એલજેપી, જેડીએસ, શિવસેના, ટીડીપી અને ટીઆરએસને જીતીનો સ્વાદ ચાખવા મળ્યો હતો. 1% કરતા ઓછી ટકાવારીથી હાર-જીત થયેલી આ 23 બેઠકોમાંથી 17 બેઠકો માટે 70 ટકા કરતા વધારે મતદાન થયું હતું જેથી આ બેઠકોમાં મતદાનની ટકાવારી વધારવાની કોઇ ગુંજાઇસ દેખાતી નથી.

1% માર્જીનથી જીતેલા દિગ્ગજ નેતાઓ

કોંગ્રેસનાં નેતા એમ. વીરપ્પા મોઇલી, શિવસેનાનાં અનંત ગીતે અને સીપીઆઈ(એમ) નાં મોહમ્મદ સલિમ જેવા દિગ્ગજ નેતાઓ લોકસભા 2014માં ફક્ત એક ટકા મતોનાં માર્જિનથી જીત્યા હતા.  તો ભાજપે જમ્મુ-કાશ્મીરની લદ્દાખ સીટ ફક્ત 36 મતોથી ખોવી પડી હતી.

છત્તીસગઢની મહાસમુંદ બેઠક પર માત્ર 1,217 મતથી ભાજપની જીત થઇ હતી. ભાજપનાં ચંદુલાલ સાહુ સામે દિગ્ગજ નેતા અજિત જોગીને અહીં હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. તો કર્ણાટકની રાયચુર બેઠક પર કોંગ્રેસનાં બી.વી. વિનાયકે ભાજપનાં એસ શિવનગૌડાને 1499 મતથી માત આપી હતી. આમ જ લક્ષદ્વીપ બેઠક પરથી એનસીપીનાં મોહમ્મદ ફૈજલે હમદુલ્લાહ સૈયદને 1535 મતથી અને મહારાષ્ટ્રની  હિંગોલી બેઠક પરથી કોંગ્રેસનાં રાજીવ સાતવે શિવસેનાનાં વાનખેંડે સુભાષ બાપૂરાવને 1632 મતોથી હરાવી વિજય મેળ્યો હતો.

આમ કહી શકાય કે ચૂંટણી જંગમાં અંતે તો “જો જીતા વો સિકંદર” બરોબર લાગુ થાય છે. લોકસભા 2019માં ભાજપ વિરૂદ્ધ તમામ વિરોધ પક્ષો લડી રહ્યા છે ત્યારે આ તમામ 100 સીટો કે જેનાં પર 2014માં હાર-જીતનું માર્જિન ખુબ પાતળી રેખા સમું હતું તે મહત્વની સાબિત થશે.