Mahisagar Bedvalli Village Election Boycott: મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનું બેડવલ્લી ગામ અત્યારે નેતાઓનો વિરોધ કરવાને લઈને ચર્ચામાં છે. માત્ર ચૂંટણી ટાણે જ ગામડાં યાદ આવતા હોય અને પછી પાંચ વર્ષ સુધી ગાયબ રહેતા નેતાઓની નીતિ તેમજ સરકારી તંત્રના ભ્રષ્ટાચારથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે. પરિણામે, ગ્રામજનોએ આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી દીધી છે. એટલું જ નહીં, ગામના પાદરે જ બેનરો લગાવીને નેતાઓ માટે ગામના દરવાજા પણ બંધ કરી દીધા છે.
Mahisagar :’નેતાઓએ પ્રચાર માટે ગામમાં ઘૂસવું નહીં’
બેડવલ્લી ગામના પ્રવેશદ્વાર પર જ ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કારના મોટા બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. આ બોર્ડમાં સ્પષ્ટ અને કડક શબ્દોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ગામ સંપૂર્ણપણે વિકાસથી વંચિત હોવાથી કોઈ પણ રાજકીય પક્ષના નેતાએ મત માંગવા કે પ્રચાર કરવા માટે ગામમાં ઘૂસવું નહીં.
‘નલ સે જલ’ યોજના કાગળ પર!
ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામમાં રોડ-રસ્તા અને અન્ય વિકાસના કામોમાં ભારોભાર ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ આચરવામાં આવી છે. આ ઉપરાંત, પીવાના પાણીની કોઈ જ સુવિધા નથી. કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી ‘નલ સે જલ’ યોજનાનો કોઈ જ લાભ આ ગામના લોકોને મળ્યો નથી, આ યોજના માત્ર કાગળ પર જ હોય તેવો ગ્રામજનોને અહેસાસ થઈ રહ્યો છે.
એક વર્ષથી તંત્ર સમક્ષ રજૂઆતો
આશ્ચર્યની વાત એ છે કે, વિકાસના કામોમાં થયેલા ખુલ્લા ભ્રષ્ટાચારની યોગ્ય તપાસ કરવા અને દબાણો દૂર કરવા માટે છેલ્લા એક વર્ષથી ગ્રામજનો તાલુકાથી લઈને જિલ્લા સ્તરના અધિકારીઓને સતત રજૂઆતો કરી રહ્યા છે. આમ છતાં, જાડી ચામડીના વહીવટી તંત્રના પેટનું પાણી હાલતું નથી. તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરાતા અને ભ્રષ્ટાચારીઓને છાવરવામાં આવતા હોવાથી લોકોની ધીરજ ખૂટી છે.
માંગ નહીં સંતોષાય તો આખું ગામ નહીં કરે મતદાન
આખરે કંટાળીને અને મજબૂર બનીને બેડવલ્લીના ગ્રામજનોએ લોકશાહીના સૌથી મોટા હથિયાર એવા ‘મતદાન‘ નો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. ગ્રામજનોએ સ્પષ્ટ અલ્ટીમેટમ આપ્યું છે કે, જો તાત્કાલિક ધોરણે તેઓની માંગો સંતોષવામાં નહીં આવે અને ભ્રષ્ટાચારની તપાસ નહીં થાય, તો આખુંય ગામ એકસાથે મતદાનથી અળગું રહેશે.
આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે નર્મદા જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવાર જાહેર
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ગાંધીનગર જિલ્લા અને તાલુકા પંચાયત તથા નપાના ઉમેદવાર જાહેર
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પાટણ જિલ્લા અને તાલુકા પંચાયત તથા નપાના ઉમેદવાર જાહેર
