Surat News/ સુરતમાં બેંક લોકરમાંથી 45 લાખનું સોનું ગાયબ; અસલી બિસ્કિટ બદલી મૂકી દીધા નકલી બિસ્કિટ

સુરત (Surat )માં કેનેરા બેંકના લોકરમાંથી ₹૪૫ લાખની કિંમતના સોનાના બિસ્કિટ બદલાઈને નકલી થઈ જવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્વેલર પાસે તપાસ કરાવતા ૧૦૦ ગ્રામના બિસ્કિટમાં માત્ર ૩% સોનું જ નીકળ્યું.

Gujrat Top Stories Surat
Major fraud in bank locker in Surat

સુરત (Surat) શહેરના અઠવા વિસ્તારમાં આવેલી કેનેરા બેંકના લોકરમાંથી કિંમતી દાગીના અને સોનું ગાયબ થઈ જવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. 53 વર્ષીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગપતિએ આક્ષેપ કર્યો છે કે તેમના બેંક લોકરમાં રાખવામાં આવેલા રૂ. 45 લાખની કિંમતના 300 ગ્રામ સોનાના અસલી બિસ્કિટની જગ્યાએ કોઈએ ડુપ્લિકેટ બિસ્કિટ પધરાવી દીધા છે. આ સમગ્ર મામલે અઠવા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાતાં બેંકિંગ વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

 2018 માં ચાવી ખોવાઈ અને મામલો શંકાસ્પદ બન્યો

સુરતમાં ફાર્માસ્યુટિકલ કંપની ધરાવતા રીનમ શાહ નામના વેપારી વર્ષોથી કેનેરા બેંકનું લોકર વાપરે છે. વર્ષ 2018 માં ઘર શિફ્ટ કરતી વખતે તેમનાથી લોકરની મૂળ ચાવી ખોવાઈ ગઈ હતી. જે અંગે બેંકને જાણ કર્યા બાદ 10,000 નો દંડ ભરીને નવી ચાવી બનાવડાવવામાં આવી હતી. તે સમયે બેંક અધિકારીઓની હાજરીમાં લોકર તોડીને નવી ચાવી રીનમ શાહને આપવામાં આવી હતી.

જ્વેલરે તપાસ કરી તો ઉડી ગયા હોશ!

ચાલુ વર્ષે 18 ફેબ્રુઆરીના રોજ રીનમ શાહે બેંક લોકરમાંથી પોતાની પત્ની દીપા શાહને લગ્ન સમયે ભેટમાં મળેલા કિંમતી દાગીના, ચાંદીના સિક્કા અને 100-100 ગ્રામના 3 સોનાના બિસ્કિટ ઘરે લાવ્યા હતા.

ડુપ્લિકેટ સોનાનો પર્દાફાશ: સોનાના બિસ્કિટનો રંગ અને ચમક શંકાસ્પદ લાગતાં તેમણે સ્થાનિક જ્વેલર પાસે ચકાસણી કરાવી હતી.

રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો: 100 ગ્રામના બદલે દરેક બિસ્કિટનું વજન માત્ર 65 ગ્રામ નીકળ્યું હતું. આ સિવાય બિસ્કિટ પર કોઈ હોલમાર્ક નહોતો અને તેમાં અસલી સોનું માત્ર 3% જ હતું, જે સાબિત કરે છે કે લોકરમાંથી અસલી બિસ્કિટ બદલીને બોગસ બિસ્કિટ મૂકી દેવાયા હતા.

પોલીસ તપાસ તેજ:

 કિંમતી સોનું બોગસ હોવાનું સામે આવતાં જ વેપારીએ અઠવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બેંકના સીસીટીવી ફૂટેજ, લોકર એક્સેસ રજિસ્ટર અને કર્મચારીઓની પૂછપરછ હાથ ધરી છે કે આખરે કડક સુરક્ષા ધરાવતા લોકરમાંથી સોનાની અદલાબદલી કેવી રીતે શક્ય બની.


આ પણ વાંચો :ડિજિટલ ગોલ્ડમાં રોકાણકારોનો પ્રચંડ ક્રેઝ: પ્રથમ છ મહિનામાં વેચાણમાં ૩ ગણો ઉછાળો

આ પણ વાંચો :ઈરાન-અમેરિકા તણાવ વચ્ચે ભારતીય માર્કેટમાં ધમાસાણ: સેન્સેક્સ-નિફ્ટીમાં ગાબડું, જ્યારે સોના-ચાંદીની કિંમતો અચાનક ઊંચકાઈ

આ પણ વાંચો :કાગળની નોટોના જમાનાનો આવશે અંત?, પ્લાસ્ટિક કરન્સી લાવવા રિઝર્વ બેન્ક એક્શન મોડમાં