Sports News : આગામી વનડે (ODI) વર્લ્ડ કપ 2027 ની તૈયારીઓ વચ્ચે આયર્લેન્ડ (Ireland )ક્રિકેટ ટીમ માટે માઠા સમાચાર આવ્યા છે. અફઘાનિસ્તાન સામેની વનડે શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે એક પણ બોલ ફેંકાયા વિના રદ થઈ જતાં, આયર્લેન્ડની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) વનડે વર્લ્ડ કપમાં સીધું ક્વોલિફાય થવાની આશાને ભારે ફટકો પડ્યો છે. હવે આયર્લેન્ડની ટીમે મુખ્ય ટૂર્નામેન્ટમાં સ્થાન બનાવવા માટે ક્વોલિફાયર રોડ પરથી પસાર થવું પડશે..
અફઘાનિસ્તાન સામે 5-0 ની જીત જ હતો આયર્લેન્ડ પાસે એકમાત્ર વિકલ્પ
ICC વનડે રેન્કિંગમાં સુધારો કરીને 2027 વનડે વર્લ્ડ કપમાં સીધું ક્વોલિફિકેશન મેળવવા માટે આયર્લેન્ડ માટે અફઘાનિસ્તાન સામેની પાંચ મેચની શ્રેણી અત્યંત નિર્ણાયક હતી.
સીધી એન્ટ્રી માટે આયર્લેન્ડે અફઘાનિસ્તાનને આ સિરીઝમાં ક્લીન સ્વીપ કરીને 5-0 થી હરાવવું અતિ આવશ્યક હતું.શ્રેણીની પ્રથમ મેચ વરસાદમાં ધોવાઈ જતાં આયર્લેન્ડ હવે મહત્તમ 4-0થી જ જીતી શકે તેમ છે. આ સાથે જ તેની સીધી એન્ટ્રી માટેની ટેકનિકલ શક્યતાઓ પૂર્ણ થઈ ગઈ છેઆયર્લેન્ડને પોતાની 5-0 ની જીત ઉપરાંત ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની આગામી શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝની હાર પર પણ આધાર રાખવો પડતો હતો, પરંતુ પહેલી જ મેચ રદ થતાં તમામ સમીકરણો ખોરવાઈ ગયા છે. હવે આયર્લેન્ડે ક્વોલિફાયર અને સુપર સિરીઝમાંથી પસાર થવું પડશે
સીધી એન્ટ્રીનો દરવાજો બંધ થઈ ગયો હોવા છતાં આયર્લેન્ડ વર્લ્ડ કપ ૨૦૨૭ ની દોડમાંથી સંપૂર્ણપણે બહાર થયું નથી. જોકે, હવે મુખ્ય ટૂર્નામેન્ટમાં પહોંચવા માટેનો રસ્તો અત્યંત લાંબો અને પડકારજનક બની ગયો છે.
આયર્લેન્ડે 10 ટીમો વાળી ICC વર્લ્ડ કપ ક્વોલિફાયર ટૂર્નામેન્ટમાં ભાગ લેવો પડશે.
ક્વોલિફાયર ટૂર્નામેન્ટમાં પ્રથમ સ્થાને રહેનાર ટીમને વર્લ્ડ કપમાં સીધી જગ્યા મળશે.બીજા, ત્રીજા અને ચોથા સ્થાને રહેલી ત્રણ ટીમો વચ્ચે ‘સુપર સિરીઝ’ રમાશે, જેમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી માત્ર એક જ ટીમ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થશે.
2023 ના વર્લ્ડ કપમાંથી પણ રહી ગયું હતું બહાર
આયર્લેન્ડની ટીમ માટે આ પરિસ્થિતિ નવી નથી. ૨૦૨૩ ના વનડે વર્લ્ડ કપમાં પણ આયર્લેન્ડની ટીમ ક્વોલિફાયરના ‘સુપર સિક્સ’ સ્ટેજમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી અને મુખ્ય ટૂર્નામેન્ટ રમી શકી નહોતી. હવે ૨૦૨૭ માં સ્થાન મેળવવા માટે આયર્લેન્ડના ખેલાડીઓએ ક્વોલિફાયર રાઉન્ડમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવવું પડશે.
આ પણ વાંચો :જોસ બટલરે રચ્યો ઇતિહાસ, T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યા
આ પણ વાંચો :ODI World Cup 2027 Qualifier ની તારીખો જાહેર, વેસ્ટ ઈન્ડિઝની સીધી ક્વોલિફિકેશન પર સૌની નજર
