Surat News: સુરત શહેરના ભટાર વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કૌટુંબિક વિવાદ અને ઘરકંકાસ (Family Dispute Case)ના કારણે એક પિતાએ પોતાની એક વર્ષની માસૂમ દીકરીને સાથે રાખીને એસિડ પીવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં એસિડના છાંટા ઉડતાં બાળકીના આંખ અને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. હાલ પિતા અને બાળકી બંને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પિતાએ દીકરી સાથે કરી આત્મઘાતી કોશિશ
મળતી માહિતી મુજબ, ભટાર વિસ્તારમાં રહેતો યુવક ફર્નિચરનું કામ કરે છે. છેલ્લા ત્રણ દિવસથી પતિ-પત્ની વચ્ચે કોઈ કારણસર સતત ઝઘડો ચાલી રહ્યો હતો. આ ઘરકંકાસ (Family Dispute Case)થી કંટાળીને યુવક ભારે માનસિક તણાવમાં હતો. મોડી સાંજે તે આવેશમાં આવી ગયો હતો અને પોતાની એક વર્ષની દીકરીને સાથે લઈને ઘરની બહાર નીકળ્યો હતો. ત્યારબાદ તેણે એસિડ પીવાનો પ્રયાસ કર્યો હતો.
Family Dispute Case: એસિડના છાંટાથી માસૂમ બાળકી ગંભીર રીતે દાઝી
પિતાએ એસિડ પીધા દરમિયાન એસિડના છાંટા બાળકી પર પણ પડ્યા હતા. જેના કારણે માસૂમ બાળકીના મોઢા અને આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.ઘટના બાદ બંનેને તાત્કાલિક સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બાળકીની દ્રષ્ટિ બચાવવા ડોક્ટરોના પ્રયાસ
એસિડની અસરને કારણે બાળકીની એક આંખ સંપૂર્ણ રીતે બંધ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. બાળકીની દ્રષ્ટિ બચાવવા માટે નવી સિવિલ હોસ્પિટલના તબીબોની વિશેષ ટીમ દ્વારા સારવાર શરૂ કરવામાં આવી છે. ડોક્ટરો બાળકીની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને આંખની રોશની બચાવવા જરૂરી તમામ પ્રયાસો કરી રહ્યા છે.
ખટોદરા પોલીસે તપાસ શરૂ કરી
ઘટનાની જાણ થતાં ખટોદરા પોલીસની ટીમ નવી સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા પરિવારજનો અને આસપાસના લોકોના નિવેદન નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઘરકંકાસ (Family Dispute Case) પાછળનું ચોક્કસ કારણ અને ઘટનાની સંપૂર્ણ હકીકત જાણવા વધુ તપાસ ચાલી રહી છે.
ઘટનાથી વિસ્તારમાં શોકનો માહોલ
એક વર્ષની માસૂમ બાળકી સાથે બનેલી આ ઘટનાથી ભટાર વિસ્તારમાં ભારે દુઃખ અને ચિંતા જોવા મળી રહી છે. પરિવારિક વિવાદોમાં આવેશમાં લેવાયેલા નિર્ણયો કેટલા ગંભીર પરિણામ લાવી શકે છે તે આ ઘટનાએ ફરી એકવાર બતાવ્યું છે.
આ પણ વાંચો:કપડવંજમાં ઘરકંકાસમાં આખો પરિવાર ખતમ, નહેરમાં ઝંપલાવીને 4 લોકોએ જીવન ટૂંકાવ્યું
આ પણ વાંચો:પિતાએ બાળકીને પાણીની ટાંકીમાં ફેંકી મોતને ઘાટ ઉતારી, ઘરકંકાસના ભોગે બાળકીનો ગયો જીવ
આ પણ વાંચો:સુરતઃ ઘરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કરીને આપઘાત કર્યો
