Junagadh News : જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે આજે તાલુકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે અધિકારીઓને કડક સૂચના આપતાં જણાવ્યું હતું કે, “મજૂર માણસનો એક કાગળ 15 દિવસે અધિકારી સુધી પહોંચે છે, તંત્રની આટલી ઢીલી કામગીરી આ શાસનમાં નહીં ચાલે.”
આ કાર્યક્રમમાં રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે અને પ્રજાની રજૂઆતોનું ઝડપી નિવારણ થાય તે માટે વિવિધ પહેલો હાથ ધરવામાં આવી હતી. મેંદરડાના પટેલ સમાજ, પાદર ચોક ખાતે આયોજિત કાર્યક્રમમાં 9 જેટલા નિષ્ણાત ડોક્ટરો દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો હતો, જેમાં લોકોએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. આ ઉપરાંત, એસબીઆઈ અને સીએસઆરના ફંડમાંથી એલિમ્કો કંપની દ્વારા દિવ્યાંગોને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. મેંદરડા તાલુકાનાં 13થી વધુ ગામોના લોકોએ આ સેવાસેતુ અને મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.

સેવાસેતુ કાર્યક્રમમાં બોલતા મનસુખ માંડવિયાએ અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “મેં વહીવટી તંત્રને સૂચના આપી છે, જે બાબતે મેં કલેક્ટર સાથે પણ વાત કરી છે. જન પ્રતિનિધિઓને હળવાસથી ન લેશો. જન પ્રતિનિધિ લોકશાહીની અંદર જનતાની આકાંક્ષાઓ અને અપેક્ષાઓને વાંચા આપનાર માધ્યમ છે.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “એક મજૂરી કરતો માણસ તાલુકા કે જિલ્લા મથક પર નાનું મોટું કામ લઈને જાય, ત્યારે આપણે સરકારી વ્યવસ્થાને પણ દુરસ્ત કરવી જોઈશે. મારે ભારત સરકારના મંત્રી હોવાનાં 10 વર્ષ થયાં, અઢી વર્ષ હું ગુજરાત સરકારમાં રહ્યો, મારો એ અનુભવ છે કે ઘણી વખત આપણે નીચે વહીવટી તંત્રને કહેતા હોઈએ કે કોઈ કાગળ આવ્યો છે એવી મને રજૂઆત આવી છે, ત્યારે કહેવામાં આવે છે કે હા, સાહેબ હજુ પરમ દિવસે જ એક આગળ આવ્યો છે. હવે પરમદિવસ કાગળ આવ્યો હોય એ કાગળ એક ટેબલ પર પડ્યો હોય અને એક ટેબલથી બીજા ટેબલે એ કાગળ ચાલે, ત્યાર બાદ મુખ્ય અધિકારી સુધી આ કાગળ પહોંચતાં 10થી 15 દિવસ વીતી જાય છે. એના બદલે સંવેદનાથી કામને જોઈને, કામની ગંભીરતાને સમજીને તત્કાલ એ કાગળનો નિકાલ કરવો જોઈએ. નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીની સરકારની આ અપેક્ષા છે, જન પ્રતિનિધિઓ જનતા વચ્ચે ઝૂકે. વહીવટી તંત્ર ટાઈટ ચાલે એ આ શાસનની અંદર સંભવ નથી અને હું છું ત્યાં સુધી તો નથી જ, ત્યારે સંવેદનાથી કામ થાય એવી મારી અપેક્ષા છે.”

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આ પ્રસંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, “આજે મેંદરડા ખાતે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એક સપ્તાહથી અલગ-અલગ જગ્યાએ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મેંદરડા જિલ્લા પંચાયત સીટ હેઠળ આવતાં ગામડાંની અંદર ગ્રામસભા, સ્વચ્છતા અભિયાન, અલગ-અલગ યોજનાઓના લાભાર્થીઓની નોંધણી અને આજે ભારત સરકાર અને રાજ્ય સરકારની અલગ અલગ યોજનાઓના 1200થી લાભાર્થીઓને તેમના લાભો મળે એ માટે આ સેવાસેતુ કાર્યક્રમમાં ફોર્મ ભરાવવામાં આવ્યાં હતા તેમજ લાભાર્થીઓને અલગ-અલગ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આ પ્રકારના સેવાસેતુના કાર્યક્રમો ભારત સરકાર અને રાજ્ય સરકારના જનતા ભીમુખ વહીવટનાં ઉત્તમ ઉદાહરણો છે, જેના દ્વારા જનતા જનાર્દનની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ પૂરી કરવા માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત થાય છે.”
સેવા સેતુ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવીયા સોનલ ધામ મઢડા ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી લોકોના પ્રશ્નો અને સમસ્યાઓ વિશે વાતચીત કરી હતી. આ મુલાકાતમાં કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયા અને ભારતીય જનતા પાર્ટીના અન્ય આગેવાનો અને કાર્યકર્તાઓ પણ તેમની સાથે જોડાયા હતા.
આ પણ વાંચો: ‘2014 થી 2024 સુધીમાં 17.1 કરોડ નોકરીઓનું સર્જન’, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનો મોટો દાવો
આ પણ વાંચો: સ્વસ્થ રહેવા સાયકલ ચલાવો: ડૉ. મનસુખ માંડવિયા
આ પણ વાંચો: કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા પોરબંદરમાં સ્વચ્છતા અભિયાનનું નેતૃત્વ કરશે

