Dharma and Bhakti : 2026 ના નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે. આપણે સૌ નવા વર્ષે કંઈક નવું કરવાનો સંકલ્પ લઈએ છીએ. પણ શું તમે જાણો છો કે જીવનની સૌથી મોટી મુશ્કેલીઓનો સામનો કરવાનો રસ્તો આપણા હજારો વર્ષ જૂના ગ્રંથોમાં છુપાયેલો છે? જ્યારે જીવનમાં અંધકાર છવાયેલો હોય, ત્યારે હનુમાનજીનો આત્મવિશ્વાસ અને દ્રૌપદીની શ્રદ્ધા જ આપણને રસ્તો બતાવે છે. ચાલો આજે રામાયણ અને મહાભારતના પ્રસંગોમાંથી શીખીએ કે આ વર્ષે સફળતા કેવી રીતે મેળવવી.

આત્મવિશ્વાસ જાળવી રાખો (હનુમાનજીનો પ્રસંગ)
રામાયણમાં જ્યારે વાનર સેના માતા સીતાની શોધમાં દક્ષિણ દિશામાં પહોંચી ત્યારે તેમની સામે વિશાળ સમુદ્ર હતો. સંપાતિએ કહ્યું કે સીતાજી લંકામાં છે, પણ ત્યાં જવું કેવી રીતે? અંગદ અને અન્ય યોદ્ધાઓએ હાથ ઊંચા કરી દીધા. ત્યારે જાંબવંતજીએ હનુમાનજીને તેમની શક્તિઓ યાદ અપાવી. “કા ચુપ સાધિ રહા બલવાના” – આ સાંભળતા જ હનુમાનજીને પોતાની શક્તિનો અહેસાસ થયો અને તેમણે સમુદ્ર ઓળંગવાની હામ ભરી. રસ્તામાં સુરસા અને સિંહિકા જેવી રાક્ષસીઓ આવી, પણ હનુમાનજીએ બળથી નહીં પણ બુદ્ધિથી રસ્તો કાઢ્યો.
2026 માટે શીખ:
Self-Doubt છોડો: તમારી અંદર અપાર શક્તિઓ છે, બસ તેને ઓળખવાની જરૂર છે. “હું આ કરી શકીશ કે નહીં?” એવી શંકા કરવાનું બંધ કરો.
બુદ્ધિનો ઉપયોગ: મુશ્કેલીઓ આવે ત્યારે ગભરાવાને બદલે શાંત મને રસ્તો શોધો, જેમ હનુમાનજીએ સુરસા સામે કર્યું હતું.

નિષ્ફળતા એટલે અંત નહીં (હનુમાનજીની બીજી શીખ)
હનુમાનજી જ્યારે લંકા પહોંચ્યા, ત્યારે શરૂઆતમાં તેમને માતા સીતા મળ્યા નહીં. રાવણનો મહેલ અને આખી લંકા ખૂંદી વળ્યા છતાં નિષ્ફળતા મળી. શું તેઓ નિરાશ થઈને પાછા ફર્યા? ના! તેમણે વિચાર્યું કે ક્યાંક મારા પ્રયાસમાં કચાશ રહી ગઈ છે. તેમણે ફરીથી પ્રભુ શ્રીરામનું સ્મરણ કર્યું અને જે જગ્યાઓ બાકી હતી (અશોક વાટિકા) ત્યાં શોધ શરૂ કરી. અને બીજી વાર તેમને સફળતા મળી.
2026 માટે શીખ:
રી-સ્ટાર્ટ કરો: જો તમે કોઈ કામમાં નાપાસ થાવ, તો હારી ન જાવ. તમારી રીત બદલો, પણ ઈરાદો નહીં.
ધીરજ: સફળતા પહેલી જ વારમાં મળે તે જરૂરી નથી. નિષ્ફળતા એ શીખવાનો એક ભાગ છે.

મુશ્કેલ સમયમાં ઈશ્વર પર ભરોસો (દ્રૌપદીનો પ્રસંગ)
મહાભારતમાં જ્યારે ભરી સભામાં દ્રૌપદીનું ચીરહરણ થઈ રહ્યું હતું, ત્યારે પાંચેય પાંડવો અને ભીષ્મ પિતામહ જેવા યોદ્ધાઓ માથું નીચું કરીને બેઠા હતા. દુનિયાની કોઈ શક્તિ તેમની મદદે ન આવી. જ્યારે ચારે બાજુથી આશા તૂટી ગઈ, ત્યારે દ્રૌપદીએ બે હાથ જોડીને શ્રીકૃષ્ણને પોકાર્યા. અને ભગવાને વસ્ત્રાવતાર લઈને તેમની લાજ રાખી.
2026 માટે શીખ:
શ્રદ્ધા: જ્યારે કોઈ સાથ ન આપે, ત્યારે યાદ રાખજો કે ઈશ્વર હંમેશા તમારી સાથે છે.
હિંમત: પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય, ન્યાય અને ધર્મનો પક્ષ ક્યારેય ન છોડો.

સત્યનો માર્ગ ક્યારેય ન છોડવો (યુધિષ્ઠિરની શીખ)
મહાભારતના યુદ્ધમાં ગુરુ દ્રોણાચાર્યને હરાવવા અશક્ય હતા. ત્યારે શ્રીકૃષ્ણએ રણનીતિ બનાવી. ભીમે ‘અશ્વત્થામા’ નામના હાથીને માર્યો અને બૂમ પાડી કે અશ્વત્થામા મરાયો. દ્રોણાચાર્ય જાણતા હતા કે યુધિષ્ઠિર ક્યારેય જૂઠું નહીં બોલે, એટલે તેમણે યુધિષ્ઠિરને પૂછ્યું. યુધિષ્ઠિરે કહ્યું, “નરો વા કુંજરો વા” (અશ્વત્થામા મરાયો, પણ તે નર છે કે હાથી તે ખબર નથી). શ્રીકૃષ્ણએ શંખ વગાડી દીધો અને દ્રોણાચાર્ય અડધું જ સાંભળી શક્યા. પણ મહત્વની વાત એ છે કે યુધિષ્ઠિરે પોતાના જીવના જોખમે પણ અસત્ય ન બોલ્યા.
2026 માટે શીખ:
વિશ્વાસની કિંમત: સત્ય બોલનાર વ્યક્તિ પર દુશ્મન પણ ભરોસો કરે છે. તમારી શાખ (Reputation) જ તમારી સૌથી મોટી મૂડી છે.
ધર્મનું પાલન: શોર્ટકટ અપનાવવાને બદલે સાચા રસ્તે ચાલો, સફળતા મોડી મળશે પણ કાયમી મળશે.
વર્ષ 2026 માં જ્યારે પણ તમે નિરાશ થાવ, ત્યારે આ ચાર પાત્રોને યાદ કરજો. હનુમાનજીનું સાહસ, દ્રૌપદીની શ્રદ્ધા, યુધિષ્ઠિરનું સત્ય અને શ્રીકૃષ્ણનું માર્ગદર્શન તમને દરેક મુશ્કેલીમાંથી બહાર કાઢશે. શુભમ ભવતુ!
આ પણ વાંચો: શ્રીકૃષ્ણની શીખ સાથે કરો 2026 નું સ્વાગત: અર્જુનની જેમ તમારા મનનું ‘કન્ફ્યુઝન’ દૂર કરો અને મેળવો સફળતા
આ પણ વાંચો: હાથમાં આવેલું રાજ્ય છીનવાઈ ગયું ને વનવાસ મળ્યો, છતાં રામ કેમ હસ્યા? જાણો ભગવાન રામના જીવનનો આ પ્રેરક પ્રસંગ
