Arvalli News: લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખેના મરે તે કહેવતને સાબરકાંઠા અને અરવલ્લીના લોકો સાર્થક કરી રહ્યા છે. વર્ષો પહેલા મલ્ટી લેવલ માર્કેટિંગના નામે લાખો રૂપિયાનું ફુલેકુ ફેરવાયુ હતુ તેમાથી જરા પણ બોધપાટ ન મેળવનારા બંને જિલ્લાના લોકો હવે એક નવી જ લોભામણી સ્કીમમાં ફસાયા છે.
થોડાક જ વર્ષો પહેલા આવેલા એક ગ્રૂપ દ્વારા વધુ એક લોભામણી સ્કીમ લઈને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કેટલાય ગ્રાહકોને બાટલીમાં ઉતારી ઊંચું વ્યાજ આપવાનું શરૂ કરી દેતા આ સ્કીમમાં રૂપિયા ભરવા સામાન્યથી લઈને સરકારી કર્મચારીઓ પણ આકર્ષાયા છે. બેંકો કરતા પણ ઊંચું વ્યાજદર આપી ગ્રાહકો ને મોટા મોટા દિવા સ્વપ્નો દેખાડવામાં આવી રહ્યા છે. બીજી તરફ વૈભવી ગાડીઓ ખરીદી વૈભવી શોખ પુરા કરવામાં આવી રહ્યા છે. આ દિવાળીઓ કોના પૈસે ઉજવવામાં આવી રહી છે. બન્ને જિલ્લાના લોકો મહેનત મજૂરીની પાઈ પાઈ ભેગી કરી ને સ્કીમમાં રૂપિયા નાખી રહ્યા છે ત્યારે આવનાર સમયમાં આ સ્કીમમાં કોણે કેટલો ફાયદો થાય છે તેવી ચર્ચા એ જિલ્લા ભરમાં જોર પકડ્યું છે.
આ પ્રકારની સ્કીમનો મૂળ હેતુ તો છેતરપિંડીનો જ છે, પણ આ રીતે બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળથી સ્કીમ્સ માટે ગુજરાતમાં નાણાકીય નિયમનકાર હોવાની જરૂર વર્તાઈ રહી છે. વાસ્તવમાં કોઈપણ પ્રકારની વિશ્વસનીયતા ન ધરાવતા કોઈ જૂથ દ્વારા આવી સ્કીમ્સ શરૂ કરવાની જ મંજૂરી ન આપવી જોઈએ. સૌથી પહેલો સવાલ તો એ જ આવે છે કે કોઈ આ પ્રકારની લોભામણી લાલચ આપી કઈ રીતે શકે. આટલા બધા લોકો છેતરાઈ જાય અને પછી સરકાર જાગે છે તો આ પ્રકારની સ્કીમ ધોળા દિવસે લોકોની આંખમાં ચૂનો લગાવે છે ત્યારે તંત્ર શું કામ ઘોરી જાય છે.
તંત્રની નજર સામે લોકોના કરોડો રૂપિયા આ રીતે ઓળવી જવામાં આવે છે. તેના પછી ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જવાય છે પણ આ સ્કીમ ચાલતી જ હોય ત્યારે તંત્ર કેમ કોઈ પગલાં લેતું નથી. શા માટે આ પ્રકારની સ્કીમ શરૂ કરી દેવામાં આવે છે. તંત્ર પાસે આ પ્રકારની લેભાગુ સ્કીમોને રોકવા માટે કોઈ સત્તા જ નથી. આ પ્રકારની સ્કીમ સામે કાર્યવાહી કરવામાં રાજ્ય સ્તરે તંત્રના હાથ કોણે બાંધી રાખ્યા છે તેનો ખુલાસો થવો જોઈએ. વાસ્તવમાં જ્યારે પણ આ પ્રકારની સ્કીમ આવે ત્યારે સૌથી પહેલાં પગલાં તંત્રએ જ લેવા જોઈએ, જ્યારે થાય છે તેનાથી તદ્દન વિપરીત. તંત્ર બધુ પૂરુ થઈ ગયા પછી છેલ્લે જાગે છે.

આ પણ વાંચોઃ મહેસાણામાં રશિયન કંપનીની દોઢ કરોડની છેતરપિંડી
આ પણ વાંચોઃ મહેસાણાના વેપારી સાથે પંજાબના વેપારીએ કરી રૂ. 50 લાખની છેતરપિંડી
આ પણ વાંચોઃ સીબીઆઈના ઓફિસરના સ્વાંગમાં આઈબીઆઈમાં વેરીફિકેશનને બહાને યુવક સાથે 79.34 લાખની છેતરપિંડી
