મરાઠી અભિનેત્રી અને મુંબઈ NCBના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકરને પાકિસ્તાની નંબર પરથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેણે આની સામે ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. ક્રાંતિનું કહેવું છે કે 6 માર્ચથી તેને જાનથી મારી નાખવાની ધમકી આપતા મેસેજ આવવા લાગ્યા છે. અભિનેત્રી હોવા ઉપરાંત ક્રાંતિ એક લેખક અને દિગ્દર્શક પણ છે.
ક્રાંતિ રેડકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ધમકીભર્યા મેસેજ અને કોલ વિશે પણ માહિતી આપી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને મુંબઈ પોલીસને ટેગ કરીને તેણે લખ્યું છે કે મને ઘણા પાકિસ્તાની અને બ્રિટિશ નંબરો તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. હું આ બાબત તમારા ધ્યાન પર લાવવા માંગુ છું. છેલ્લા એક વર્ષથી આવું થઈ રહ્યું છે. આ અંગે પોલીસને પણ સતત જાણ કરવામાં આવી રહી છે.
તમને જણાવી દઈએ કે ક્રાંતિને પહેલા પણ જાનથી મારી નાખવાની ધમકીઓ મળી ચુકી છે. ગયા વર્ષે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના નામે સમીર અને ક્રાંતિને ધમકી આપવામાં આવી હતી. બંને સિવાય તેમના પરિવારને પણ જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. ક્રાંતિએ તેની પોસ્ટ સાથે ત્રણ સ્ક્રીનશોટ પણ જોડ્યા છે, જેમાં તેને પાકિસ્તાની નંબર પરથી મેસેજ અને બ્રિટિશ નંબર પરથી કોલ આવતા જોઈ શકાય છે