ભારતીય ઓટોમોબાઈલ બજારમાં છેલ્લા એક દાયકાથી ગ્રાહકોના દિલ પર રાજ કરનાર મારુતિ સુઝુકી બ્રેઝા (Maruti Brezza) હવે સંપૂર્ણપણે નવા અને પહેલા કરતા વધુ પ્રીમિયમ અવતારમાં સામે આવી છે. કંપનીએ આ લોકપ્રિય કોમ્પેક્ટ SUV ની મૂળ ઓળખ જાળવી રાખીને તેની ડિઝાઇનથી લઈને ફિચર્સ સુધીના તમામ ક્ષેત્રોમાં ધરમૂળથી ફેરફાર કર્યા છે. નવી Maruti Brezza ની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત 7.39 લાખ રાખવામાં આવી છે, જે ટોપ મોડેલ માટે 13.70 લાખ સુધી જાય છે.
15 લાખથી વધુ કારોનું વેચાણ કરીને બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ
છેલ્લા 10 વર્ષોમાં ભારતીય રસ્તાઓ પર બ્રેઝાએ પોતાની એક છાપ છોડી છે. અત્યાર સુધીમાં દેશભરમાં તેના 14,61,889 થી વધુ યુનિટ્સ વેચાઈ ચૂક્યા છે, જ્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 52,828 યુનિટ્સની સફળતાપૂર્વક નિકાસ કરવામાં આવી છે. આમ, કુલ 15.14 લાખથી પણ વધુ ગાડીઓનું વેચાણ કરીને બ્રેઝાએ ભારતીય ઓટોમોબાઈલ ઈતિહાસમાં પોતાની ગણના સૌથી સફળ SUV માં કરાવી છે.
ડીઝલ એન્જિનથી લઈને સબ-ફોર મીટર પેટ્રોલ સેગમેન્ટ સુધીની સફર
બ્રેઝાની આ સફળ સફર ફિયાટના 1.3 લીટર ટર્બો ડીઝલ એન્જિન સાથે શરૂ થઈ હતી. જોકે, 2020 માં BS6 નિયમો અમલી બનતા જ મારુતિએ ડીઝલ વર્ઝન બંધ કરીને 1.5 -લીટર K15B પેટ્રોલ એન્જિન રજૂ કર્યું હતું. પેટ્રોલ લાઇન-અપ આવ્યા બાદ પણ બ્રેઝા સતત ચાર વર્ષ સુધી દેશની સૌથી વધુ વેચાતી SUV બની રહી હતી. હાલમાં ટાટા પંચ, ટાટા નેક્સોન અને હ્યુન્ડાઈ ક્રેટા જેવી કારો સાથે વધેલી સ્પર્ધા વચ્ચે મારુતિએ આ નવો અવતાર રજૂ કરીને પોતાની પકડ મજબૂત કરી છે.
ટર્બો પેટ્રોલ એન્જિન અને અંડરબોડી CNG ટેકનોલોજીનો નવો વતાર
નવી બ્રેઝામાં સૌથી મોટું આકર્ષણ 1.0 -લીટરનું ટર્બો પેટ્રોલ એન્જિન છે, જે 110hp નો પાવર અને 170Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ સિવાય 1.5-લીટર નેચરલી એસ્પિરેટેડ એન્જિન પણ ઉપલબ્ધ રહેશે. સૌથી મોટો તકનીકી સુધારો CNG મોડેલમાં કરાયો છે, જેમાં CNG ટેન્કને ગાડીના તળિયે (અંડરબોડી) સેટ કરવામાં આવી છે, જેથી બૂટ સ્પેસ માં કોઈ સમાધાન કરવું પડશે નહીં. ગાડીમાં 6-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ મળે છે.
નવી મસ્ક્યુલર ડિઝાઇન અને હાઇ-ટેક પ્રીમિયમ ફિચર્સ
દેખાવની વાત કરીએ તો નવી બ્રેઝામાં રી-ડિઝાઇન કરેલી ફ્રન્ટ ગ્રિલ, સુધારેલું બમ્પર, ડાર્ક ક્રોમ ફિનિશિંગ અને 16-ઇંચના સ્ટાઇલિશ એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. ઇન્ટિરિયરમાં 10.1-ઇંચની મોટો ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 64-કલર એમ્બિયન્ટ લાઇટિંગ, કૂલ્ડ વાયરલેસ ચાર્જર, સેન્ટ્રલ એર પ્યુરિફાયર, વેન્ટિલેટેડ સીટ્સ અને એલેક્સા (Alexa) કનેક્ટિવિટી જેવા અદ્યતન ફિચર્સ ઉમેરવામાં આવ્યા છે.
આ પણ વાંચો :શેરબજારમાં રોકાણકારોની બલ્લે-બલ્લે: આઈટી શેરોમાં વિસ્ફોટક તેજીથી મિનિટોમાં કરોડની કમાણી
આ પણ વાંચો :Amazon-ફ્લિપકાર્ટમાં Freedom Saleની જાહેરાત: સ્માર્ટફોનથી લઈને AC, TV અને ફ્રિજ સુધી મળશે જોરદાર ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો :ચાંદીમાં રૂપિયા 2,200થી વધુનો ઉછાળો, સોનાનો ભાવ રૂપિયા 1.44 લાખને પાર; રોકાણકારોમાં ફરી તેજીનો માહોલ
