Ahmedabad-Mehsana Fake Voting Case : આજે સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે, પરંતુ આ ઉત્સાહ વચ્ચે કેટલીક એવી વિચિત્ર ઘટનાઓ પણ સામે આવી છે જે વહીવટી તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવે છે. મહેસાણામાં એક મહિલા અને અમદાવાદમાં એક યુવક જ્યારે બૂથ પર પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે તેમનો કિંમતી ‘મત’ તો કોઈ બીજું જ આપી ગયું છે!
“હું હજુ અત્યારે આવી છું, તો મારો મત કોણે આપ્યો?”
મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સુલતાનપુર ગામે બૂથ નંબર-1 પર એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ક્રિષ્નાબેન પોપટજી ઠાકોર નામના મહિલા મતદાર જ્યારે વોટ આપવા માટે અંદર ગયા ત્યારે અધિકારીઓએ તેમનો મત અગાઉથી જ અપાઈ ગયો હોવાનું જણાવ્યું હતું. આ સાંભળી ક્રિષ્નાબેન સ્તબ્ધ થઈ ગયા હતા અને તેમના આવ્યા પહેલા અન્ય કોઈ વ્યક્તિ તેમના નામે વોટ આપી ગઈ હોવાથી ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ, આ મામલે પ્રિસાઈડિંગ ઓફિસરે ખુલાસો કરતા જણાવ્યું કે રજિસ્ટરમાં ફિંગરપ્રિન્ટ સાથે નોંધ થયેલી છે, જેના કારણે હવે એ મોટો સવાલ ઊભો થયો છે કે જો ફિંગરપ્રિન્ટ લેવાતી હોય તો અન્ય કોઈ વ્યક્તિ ખોટું મતદાન કઈ રીતે કરી ગઈ?
Ahmedabadમાં પ્રસંગ છોડીને આવેલા યુવાન સાથે ‘ખેલો’
આવો જ એક કિસ્સો અમદાવાદના જોધપુર ગામના મતદાન મથક પર જોવા મળ્યો. એક યુવાન પોતાના ઘરે પ્રસંગ હોવા છતાં સમય કાઢીને લોકશાહી પ્રત્યેની ફરજ નિભાવવા મતદાન મથકે પહોંચ્યો હતો. જોકે, ત્યાં તેને માહિતી મળી કે તેનું મતદાન થઈ ચૂક્યું છે. આ સાંભળી યુવાને ભારે હોબાળો મચાવ્યો હતો. મામલો એટલો બિચક્યો કે પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
સુરતમાં અધિકારીની ભૂલ: “તમે મહેસાણા જાવ!”
સુરતના ઘોડદોડ રોડ પર રહેતા રીટાબેન પટેલ સાથે વહીવટી તંત્રએ હદ કરી દીધી. દર વખતે સુરતની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં મતદાન કરતા રીટાબેન જ્યારે આ વખતે બૂથ પર પહોંચ્યા, ત્યારે તેમને કહેવામાં આવ્યું કે તમારું મતદાન મથક મહેસાણા બતાવે છે!
SIRની કામગીરી અને ફોર્મ ભરનારા અધિકારીઓની ગંભીર ભૂલના કારણે રીટાબેનનું નામ સુરતને બદલે મહેસાણામાં ટ્રાન્સફર થઈ ગયું હતું, જેને કારણે તેમને ભારે હાલાકી ભોગવવી પડી હતી. રીટાબેને આ મામલે પોતાનો રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, તેઓ કાળઝાળ ગરમીમાં બે કલાકથી આંટા મારી રહ્યા છે, પરંતુ અધિકારીઓની બેદરકારીને કારણે અંતે તેમને મતદાન કર્યા વગર જ પરત ફરવાની ફરજ પડી છે.
આ પણ વાંચો: ભાવનગરમાં AAP સમર્થનના પોસ્ટર વાયરલ! ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું
આ પણ વાંચો: સુરતમાં કેન્સરના અસહ્ય દર્દ વચ્ચે પણ દર્દીએ કરેલા મતદાનથી બધા સ્તબ્ધ
આ પણ વાંચો: ભરૂચમાં મતદાન વખતે જ બત્તી ગુલ, મીણબત્તીના સહારે થયું મતદાન
