Gujarat Weather: ગુજરાતમાં હવામાનને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી. નવરાત્રિ તહેવારના જૂજ દિવસો બાકી છે. ત્યારે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે આજે ખેલૈયાના રંગમાં ભંગ પડશે અને હજુ આગામી બે દિવસ એટલે કે 12 ઓક્ટોબર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.
આગાહી મુજબ સુરત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે. જ્યારે પંચમહાલના કેટલાક વિસ્તારોમાં વરસાદની શકયતા વ્યક્ત કરવામાં આવી. ઉપરાંત આહવા, ડાંગ, વલસાડ, નવસારી, અમદાવાદ, ગાંધીનગર, માં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હાલમાં રાજ્યમાં અનેક સ્થાનો પર સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. જો કે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ ખૈલેયાઓની નવરાત્રિના છેલ્લા દિવસોમાં આખી રાત ગરબે ઘૂમવાની મજા બગાડી શકે છે.
સંભવત આ આગાહી મુજબ જો વરસાદ સાથે વધુ પવન ફૂંકાશે તો દશેરા તહેવારમાં પણ ફાફડા જલેબી આરોગવાના ઓરતાં અધૂરા રહી શકે છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 14થી 22 ઓક્ટોબર દરમિયાન વધુ તોફાન થવાની શક્યતા છે. અત્યારે અમેરિકામાં મિલ્ટેન વાવાઝોડાંએ તબાહી મચાવી છે. આ વાવાઝોડું દરિયામાં લેન્ડફોલ થતાં મોટા મોજાં ઉછળી રહ્યા છે. દરિયામાં દેખાતા કરંટની અસર અન્ય વિસ્તારોમાં પણ થાય છે. રાજ્યમાંથી હજુ પણ ચોમાસુ વિદાય નથી લઈ રહ્યું. નવરાત્રિના અંતિમ દિવસોમાં વરસાદનું જોર રહેશે. જો કે આગામી સમયમાં દિવાળી તહેવાર દસ્તક રઈ રહ્યો છે અને સામે છૂટો છવાયો વરસાદ તહેવારની ઉજવણીમાં બ્રેક મારી રહ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદ અને ગાંધીનગરમાં સ્પોર્ટ્સ બાઈકોની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના બે શખ્સ ઝડપાયા
આ પણ વાંચો: અમદાવાદમાં પંખા અને મોબાઇલની ચોરી કરનારા ઘરફોડ ચોરોને પોલીસે પકડ્યા
આ પણ વાંચો: અમદાવાદમાં ઝવેરીની દુકાનમાંથી 14 લાખ રૂપિયાના ઝવેરાતની ચોરી